થાનગઢના રૂપાવટી ગામ વિસ્તારમાં ગેરકાયદેસર કનેક્શન લઇ કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન થતુ હોવાની બુમરાડો ઉઠી હતી.જેને લઇ વિજકંપની ટીમે ચેકીંગ કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં સુરક્ષા માટે હથીયારધારી એસઆરપીને સાથે રાખી 15 ટીમોએ દરોડા કર્યા હતા.જેમાં ત્રણ ખાનગી ટીસી સહિત રૂ.15 લાખનો મુદામાલ જપ્ત કરતા વીજચોરોમાં દોડધામ મચી જવા પામી હતી.
ઝાલાવાડના કેટલાક ગામોમાં મોટા પાયે વીજળીની ચોરી કરવામાં આવતી હોવાની વિગતો બહાર આવી રહી છે. જેમાં થાંભલા ઉપરના વાયર માંથી લંગર નાખી કે પછી મીટર સાથે ચેડા કરીને વીજળીની ચોરી કરવામાં આવતી હોવાના કિસ્સા ધ્યાને આવ્યા હતા. પરંતુ થાન પંથકમાં વીજ ક઼પનીની ટીમે પાડેલા દરોડામાં તો પોતાની રીતે ટીસી ઉભા કરીને પાવરની ચોરી કરવામાં આવતી હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી હતી. અંગે સુરેન્દ્રનગર જિલ્લા અધિકારીના માર્ગદર્શનમાં પીજીવીસીએલ ટીમે દરોડા કર્યા હતા.
જેમાં 15 ટીમોએ સુરક્ષા માટે હથીયારધારી એસઆરપી ટીમને સાથે રાખી કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં થાન રૂપાવટી ગામ વિસ્તારના ભુલડો તળાવની અંદર ચાલતા ગેરકાયદેસર કાર્બોસેલ ના ખોદકામ પર દરોડા થતા હાજર લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.જ્યારે પીજીવસીએલ ટીમે તપાસ હાથ ધરતા વીજકંપનીના વાયરોમાં ડાયરેક્ટ કનેક્શન આપી વીજચોરી જણાઇ હતી.આથી કાયદેસર કાર્યવાહી કરી 3 ટીસી કબજે કરી કુલ રૂ.15 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આમ અચાનક વીજદરોડાને લઇ વીજચોરો અને ભુમાફીયાઓમાં દોડધામ મચી જવા પામી હતી.આમ સુરેન્દ્રનગરથી ટીમ આવી દરોડા કરી જતા થાન પીજીવીસીએલ ટીમ ઉંઘતી ઝડપાઇ હતી.જ્યારે આ ખુલ્લેઆમ થતી વીજ ચોરી શું સ્થાનિક તંત્રના ધ્યાને નહીં આવી હોય તે પણ લોકચર્ચાનો વિષયબન્યો છે.
થાનગઢ વીજટીમ જ્યારે તપાસ હાથ ધરવા ગઇ ત્યારે ઘટના સ્થળે 15 ટીસી જોવા મળ્યા હતા. પરંતુ પીજીવીસીએલ અધિકારીઓ કાર્યવાહી હાથ ધરી કાગળીયા સહિતની કાર્યવાહીમાં હતા.તે દરમિયાન આ 15 ટીસીમાંથી મોટા ભાગના ટીસી સગેવગે કરી નાંખવામાં આવ્યા હતા.આમ દરોડામાં 3 ટીસીજ ઝડપાયાનુ જણાવાતા બાકીના ટીસી ક્યાં પગ કરી ગયા તે ચર્ચાનો વિષય બન્યો છે.જ્યારે આ ચાલુ કાર્યવાહી દરમિયાન થતા દરોડો કરનાર ટીમ પર શંકા ઉપજાવે છે.
4 લાખના ખર્ચે ટીસી લાઇવીને જ્યોતીગ્રામની 11 કેવી પાવરની લાઇનમાં ડાયરેક્ટ લંગરીયાનાંખી દેતા હતા.જે ટીસી સાથે જોડાણ કરતા વીજવોલ્ટેજ 420 લોવોલ્ટેજમાં બદલાઇ જતો હતો.આમ આ વીજપાવરની મદદથી ખાણમાંથી પાણી બહાર કાઢવા દેડકોમશીન સહિત ડ્રિલીંગ મશીનોને પાવર પુરો પાડતા હતા.
થાનગઢ રૂપાવટીગામ વિસ્તારમાં પીજીવીસીએલ ટીમે દરોડો કરતા ટીસી મુકી ગેરકાયદેસર વીજકનેક્શનો પકડાયા હતા.
