Vadodara News : વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 8 સપ્ટેમ્બરના કાર્યક્રમને લઈને વિવાદ સર્જાયો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના યુનિયન પેવેલિયન સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ (MSU Ground) ને કાર્યક્રમ માટે ફાળવવામાં આવતા સેનેટ સભ્ય કપિલ જોશીએ વિરોધ નોંધાવ્યો છે. તેમણે યુનિવર્સિટી પ્રશાસન પાસે નિર્ણય તાત્કાલિક રદ કરવાની માગ કરી છે.
MSU Ground મુદ્દે સેનેટ સભ્યનો વિરોધ
કપિલ જોશીના જણાવ્યા મુજબ, યુનિવર્સિટીના સિન્ડિકેટ દ્વારા અગાઉ પેવેલિયનનો ઉપયોગ માત્ર રમતગમતની પ્રવૃત્તિઓ માટે કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. તેમ છતાં રાજકીય કાર્યક્રમ (Political Program)માટે મેદાનની મંજૂરી આપવામાં આવતા તેમણે સત્તાધીશો સામે સવાલો ઉઠાવ્યા છે.
સેનેટ સભ્યે આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટી કેમ્પસ અને ગ્રાઉન્ડનો ઉપયોગ રાજકીય કાર્યક્રમો માટે કરવો યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે વડોદરામાં નવલખી ગ્રાઉન્ડ, લેપ્રસી ગ્રાઉન્ડ અને મહાનગરપાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત અન્ય સ્થળો ઉપલબ્ધ છે. તેમના મતે આગામી સમયમાં ઇન્ટર-યુનિવર્સિટી સ્પર્ધાઓ યોજાવાની હોવાથી ગ્રાઉન્ડ પર કાર્યક્રમ યોજાતા ખેલાડીઓની પ્રેક્ટિસને અસર (Impact on the players’ practice)થઈ શકે છે.
ખેલાડીઓની સુરક્ષા અંગે પણ ચિંતા
કપિલ જોશીએ અગાઉના કાર્યક્રમોનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે યુનિવર્સિટી ગ્રાઉન્ડમાંથી લોખંડના ખીલ્લા અને કાટમાળ મળ્યા હોવાના કિસ્સા બન્યા હતા. જેના કારણે ખેલાડીઓને ઈજા થવાની સ્થિતિ ઊભી થઈ હતી.
તેમણે કહ્યું કે રમતગમત માટેના મેદાનની જાળવણી અને ખેલાડીઓની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન થવી જોઈએ. યુનિવર્સિટી પ્રશાસન પર રાજકીય લાભ માટે નિયમોની અવગણના કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
Gen Z Protest ની ચીમકી
નિર્ણય પાછો ખેંચવાની માગ સાથે યુનિવર્સિટી સત્તાધીશોને લેખિત આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. જો નિર્ણય રદ નહીં થાય તો વિદ્યાર્થીઓ અને Gen-Z ને એકત્ર કરીને દિલ્હી સ્તરનું આંદોલન કરવાની ચીમકી કપિલ જોશીએ આપી છે.
આ પણ વાંચો: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સત્તાધીશો કહે છે કે, ‘કેમ્પસના સીસીટીવી વાતાવરણનાં કારણે બંધ છે’
આ પણ વાંચો:વડોદરા MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં NSUI-ABVP કાર્યકરો વચ્ચે મારામારી, કેમ્પસમાં હંગામો
