Rajkot News: ઉપલેટા નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે ધોરાજી રોડ પર મામલતદાર કચેરી નજીક રસ્તા વચ્ચે પડેલી મોટી તિરાડમાં એક બાઈક સવાર ખાબકતાં ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટનામાં 38 વર્ષીય યુવાનને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી, જેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ રસ્તા પરની તિરાડ લાંબા સમયથી અસ્તિત્વમાં છે અને તેની રજૂઆત ઉપલેટા નગરપાલિકા ખાતે અનેકવાર કરવામાં આવી હતી. જોકે, પાલિકા દ્વારા આ તિરાડ પૂરવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે. અગાઉ પણ આ જ તિરાડના કારણે ભાજપના એક આગેવાન અને અન્ય એક વાહનચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી, છતાં પાલિકાની ઉદાસીન વલણને કારણે સમસ્યા જેમની તેમ રહી છે.
આ ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફેલાવ્યો છે. લોકોનું કહેવું છે કે રસ્તા વચ્ચેની આ મોટી તિરાડ અકસ્માતનું સતત જોખમ ઊભું કરી રહી છે, અને પાલિકાની બેદરકારીના કારણે સામાન્ય નાગરિકોના જીવને જોખમ ઉભું થઈ રહ્યું છે. સ્થાનિકોએ આ મામલે તાત્કાલિક તપાસ અને રસ્તાના સમારકામની માગ કરી છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને નગરપાલિકાને આ રસ્તાની તિરાડ પૂરવા માટે નોટિસ આપવાની તૈયારી બતાવી છે. આ ઘટનાએ ઉપલેટા નગરપાલિકાની કામગીરી અને જવાબદારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. જો સમયસર પગલાં ન લેવાય તો આવી ઘટનાઓ ભવિષ્યમાં વધુ ગંભીર સ્વરૂપ લઈ શકે છે, એવો ભય સ્થાનિકોમાં વ્યાપી રહ્યો છે.
આ પણ વાંચો:ત્રણ કલાક, ત્રણ નેતાઓ અને ત્રણ બેઠકો… CM યોગીની દિલ્હી મુલાકાત અંગે શું ચર્ચા છે?
આ પણ વાંચો:બબ્બર ખાલસાના આતંકવાદી બટાલાને ભારત લાવવાની તૈયારી, ખાલિસ્તાની નેટવર્ક સામે કાર્યવાહી કરવાની યોજના…
