Manipur Violence/ મણિપુરના ઇમ્ફાલમાં ભીડ બેકાબૂ થતા BJPની ઓફિસને ઘેરી,પોલીસ એકશનમાં,ટીયર ગેસ છોડવામાં આવ્યા

રાજ્યની રાજધાની ઇમ્ફાલમાં સ્થિત બીજેપી કાર્યાલય પાસે ભીડ એકઠી થઈ ગઈ અને કાર્યાલયને ઘેરી લીધું

Top Stories India

મણિપુરમાં હિંસા ચાલુ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુરુવારે હિંસાથી વિસ્થાપિત થયેલા લોકોને મળ્યા હતા.  રાજ્યની રાજધાની ઇમ્ફાલમાં સ્થિત બીજેપી કાર્યાલય પાસે ભીડ એકઠી થઈ ગઈ અને કાર્યાલયને ઘેરી લીધું.પોલીસે તેમને વિખેરવા માટે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે ભીડને વિખેરવા માટે પોલીસ સતત ટીયર ગેસનો ઉપયોગ કરી રહી છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ગુરુવારે કાંગપોકપી જિલ્લાના હરોતેલ ગામમાં કેટલાક અજાણ્યા બદમાશોએ કોઈપણ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. અન્ય કેટલાક ઘાયલ થયા હતા

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ચુરાચંદપુરમાં લોકોને મળ્યા હતા. હિંસાના ડરથી ઇમ્ફાલથી લગભગ 20 કિમી દૂર બિષ્ણુપુર ખાતે તેમના કાફલાને પોલીસ દ્વારા રોકવામાં આવતાં તે નિર્ધારિત સમય કરતાં થોડા કલાકો પાછળ હેલિકોપ્ટર દ્વારા અહીં પહોંચ્યો હતો. જે બાદ તેઓ ઇમ્ફાલ પાછા આવ્યા અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા ચુરાચંદપુર પહોંચ્યા.

મણિપુરમાં હિંસા કેમ શરૂ થઈ?
મણિપુરમાં ફાટી નીકળેલી હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા છે. રાજ્યમાં અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો મેળવવાની મેઇતેઈ સમુદાયની માંગના વિરોધમાં 3 મેના રોજ પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા કૂચ’નું આયોજન કરવામાં આવ્યું તે પછી અથડામણો શરૂ થઈ.મેઇતેઈ સમુદાય, જે મણિપુરની 53 ટકા વસ્તી બનાવે છે, મુખ્યત્વે ઇમ્ફાલ ખીણમાં રહે છે. તે જ સમયે, નાગા અને કુકી જેવા આદિવાસી સમુદાયોની વસ્તી 40 ટકા છે અને તેઓ મુખ્યત્વે પહાડી જિલ્લાઓમાં રહે છે.