ડાકોર રણછોડરાય મંદિરની આસપાસના રોડનું કામ હવે માત્ર ગણતરીના કલાકોમાં પૂર્ણ થશે. છેલ્લા ઘણા સમયથી રોડનું કામ થઈ રહ્યું હતું. પહેલા તો રોડ બનાવવાની મંજૂરીમાં લાંબો સમય કાઢ્યો અને પછી રોડનું કામ ગોકળગતિએ થઈ રહ્યું હતું. એક તરફ મંદિરમાં રોજના હજારો દર્શનાર્થીઓ રણછોડરાયજીના દર્શન માટે પધારતા હોય અને તેવામાં રોડનાં અધૂરા કામથી દર્શનાર્થીઓને ભારે હાલકીનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં આગામી પૂનમનાં દિવસે તો રણછોડરાયજીનાં મંદિરે માનવમહેરામણ ઉમટે અને રસ્તાના ખાડાઓથી પરેશાન થાય નહીં તેવા હેતુથી રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવા રજૂઆત કરવામાં આવતી હતી. જોકે તંત્ર દ્વારા આ બાબતે કોઈ ગંભીરતા દાખવવામાં આવી નહોતી. મંતવ્ય ન્યૂઝનાં પ્રતિનિધિને આ બાબતે ધ્યાને આવતા મંતવ્ય ન્યૂઝ ડાકોર મંદિર ટ્રસ્ટનો અવાજ બની અને રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે સરકારને અપીલ કરી હતી. આ અવાજને તંત્ર દ્વારા સાંભળવામાં આવ્યો છે અને ડાકોર રોડનું કામ સુપર સ્પીડે શરૂ થઈ ગયું છે. આ કાર્ય ખૂબ ઝડપથી પૂર્ણ થઈ જશે અને ડાકોરવાસીઓને તેમજ દર્શનાર્થીઓને રોડની સુવિધા મળશે.

ડાકોર રણછોડરાયજી મંદિર રોડનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. અધિકારીઓ અને કર્મચારીઓને આ કામ પૂર્ણ કરવામાં કોઈ ખાસ રસ રુચિ હોય નહીં એમ કેટલાય લાંબા સમયથી આ કામ ગોકળગતિએ ચાલી રહ્યું હતું. ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા આ સમાચાર વારંવાર પ્રસારિત કરવામાં આવ્યા અને રોડ ઝડપથી બનાવવા અપીલ કરવામાં આવી હતી. ત્યારે મંતવ્ય ન્યૂઝમાં પ્રસારિત થયેલ સમાચારથી તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગાંધીનગરથી એક ટીમ આવીને ડાકોરમાં થઈ રહેલા રોડની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ડેપ્યુટી કલેક્ટર સી.પી.પટેલ અને તેમની ટીમ ડાકોર આવી રોડના ચાલી રહેલા કાર્યનું નિરીક્ષણ કરી ચીફ ઓફિસર સાંજે પટેલ તેમજ પ્રમુખ રાજેશ પટેલ અને એન્જિનિયર પ્રકાશને આ રોડનું કામ ગણતરીની કલાકોમાં પૂર્ણ કરવા આદેશ કર્યો છે. જે રીતે ડાકોર મંદિર ટ્રસ્ટની રજૂઆત અને અપીલ હતી કે જેઠ સુદ પૂનમ પહેલા રોડનું કામ કરવામાં આવે તેમ શક્ય હોય એટલું અથવા મોટાભાગનું કાર્ય પૂનમ સુધીમાં પૂર્ણ કરવા હુકમ કરાયો છે.

સી.પી.પટેલ દ્વારા મંદિરની આજુબાજુએ કરેલ ખોદકામ તેમજ ગટરના કામોની સ્થળ ઉપર તપાસ કરી અને તેવો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ એન્જિનિયર અને ઇનચાર્જને ભાર પૂર્વક કહ્યું હતું કે આ રસ્તાઓનું કામ જેમ બને તેમ વહેલા કરી દેવું. તેમજ આવનાર યાત્રીકોને પડતી હાલાકી, ડાકોર વાસીઓને પડતી મુશ્કેલી અને વેપારીઓને આગામી સમયમાં રોડરસ્તાની અસુવિધા થાય નહીં તેની તકેદદારી રાખવામાં આવે. આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરને વિશેષ કહ્યું હતું કે, પહેલા તમો આ મંદિર સામેની ગટર લાઇન યોગ્ય પ્રમાણમાં સમારકામ કરી પહેલા મંદિરની આજુબાજુમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરો અને પધ્ધતિસરનું ઝડપથી કાર્ય પૂર્ણ કરો.

નોંધનીય છે કે ડાકોર નગરપાલિક દ્વારા ડાકોર મંદિર ટ્રસ્ટની માગ અનુસાર આવનારી જેઠ સુદ પૂનમ તા ૧૪/૬/૨૦૨૨ સુધીમાં રોડનું સંપૂર્ણ કામ થાય તેમ શક્ય નથી અને ૧૬ જૂનથી ચોમાસું બેસી જતું હોય છે એટલે રોડનું કામ કેટલી ઝડપથી થશે અને ક્યારે પૂરું થશે તેની સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકાય રહ્યું છે. જોકે હાલ તંત્ર રોડ ઉપરના ખાડા ઝડપથી બૂરીને કામચલાઉ વયસ્થા ઊભી કરી શકે છે એટલએ રોડનું કામ સુપર સ્પીડે શરૂ થઈ ગયું હોવાથી મંદિર સંચાલકોએ, વેપારીઓએ અને ડાકોરવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. હવે ગણતરીમાં કલાકો અને દિવસોમાં કામ પૂર્ણ થઈ જાય તેવી આશા પણ સેવાઇ રહી છે.

આ પણ વાંચો : ડાકોર રણછોડ રાયજી મંદિર ટ્રસ્ટ દ્વારા રસ્તાનું કામ પૂનમ પહેલા પૂર્ણ કરવા માગ
