સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવની સ્થાનીક સ્વરાજ સંસ્થાઓની ચુંટણીની ઘોષણા કરવામાં આવી છે. જેમાં દમણમાં જિલ્લા પંચાયત નગર પાલિકા અને ગ્રામ પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ બહાર પડાયા બાદ આજે વહેલી સવારથી જ કલેકટર કચેરી ખાતે નામાંકન ફોર્મ ભરવા માટે ઉમેદવારોની ભીડ જામી હતી.
આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય જિલ્લા પંચાયત, નગર પાલિકા અને ગ્રામ પંચાયતના સરપંચ પદના તમામ કોંગ્રેસ અને ભાજપ સમર્થિત અને અપક્ષ ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે કલેકટર કચેરીએ પહોંચી ગયા હતા, અને જરૂરી કાર્યવાહી સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જો કે કોરોના ગાઈડલાઇનના નિયમોને કારણે દરેક ઉમેદવાર સાથે માત્ર 5 જ સમર્થકોને કલેકટર કચેરીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
જયારે બાકીના સમર્થકોને કલેકટર કચેરીથી 100 મિ. દૂર ઉભા રાખવામાં આવ્યા હતા. આવતી કાલે રર ઓકટોબર ઉમેદવારોએ ભરેલા નામાંકન પત્રોની તપાસ થશે. અને ર૪ ઓકટોબર સુધીમાં ઉમેદવારી પત્ર પાછું ખેચી શકાશે. ૮ નવેમ્બરે ઉપરોકત દરેક સ્થાનીક સ્વરાજય સંસ્થાઓ માટે વોટ પ્રક્રિયા થશે. ચુંટણી પરિણામ અને અન્ય પ્રક્રિયા ૧ર નવેમ્બર સુધી સમાપ્ત કરી લેવામાં આવશે, અને ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય અને કેન્દ્રીય ગ્રામ પઁચાયત સરપંચ અને સભ્યોનો ચુનાવ રાજનૈતિક પાર્ટીઓના ચિન્હ વગર થશે.
બે થી વધારે બાળકો ધરાવતા ઉમેદવારો ચુંટણી નહી લડી શકે. દમણ સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા આ વખતે ગ્રામ પંચાયત અને સભ્યોની ચુંટણી રાજનૈતિક દળના ચિન્હો વિના કરવાનો નિર્ણય લેવાયો છે. ચુંટણી આયોગ દ્વારા અધિકૃત રીતે જાહેર કરાયેલ ચુંટણી ચિન્હોમાંથી ઉમેદવાર દ્વારા ચિન્હોને પસંદ કરવામાં આવશે. આ વખતે ચુંટણીમાં બે બાળકોના કાયદાને લાગુ કરી દેવાયો છે. જો કોઇ ઉમેદવારોના ર થી વધારે બાળકો હોય તો તેનું નામાંકન રદ કરી દેવામાં આવશે.
