ચક્રવાતી તોફાન ‘ગુલાબ’નો ખતરો હજી દૂર નથી ગયો ત્યાં નવા વાવાઝોડા શાહીન’નો ભય માથે મંડરાય રહ્યો છે. આ વાવાઝોડું મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં ‘શાહીન’ વાવાઝોડું જોવા મળ્યું અને મહારાષ્ટ્ર, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર થશે. તેને જોતા હવામાન વિભાગે ગુજરાતના 20 જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત પશ્ચિમ બંગાળ અને ઓડીસામાં તબાહી મચાવી રહ્યું છે. ગુલાબના કારણે, પશ્ચિમ બંગાળના મેદિનીપુર, ઝારગ્રામ, હાવડા, હુગલી, પૂર્વ-પશ્ચિમ બર્ધમાન અને બીરભૂમ જિલ્લાઓમાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. કોલકાતાના આહિરતોલામાં ભારે વરસાદને કારણે એક મકાનનો ભાગ તૂટી પડ્યો હતો. જેમાં ત્રણ વર્ષનું બાળક અને એક મહિલાનું મોત થયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શાહીન વાવાઝોડું ભારતના પશ્ચિમ કિનારાના દરિયાકાંઠે ટકરાશે નહીં. તે 1 ઓક્ટોબરે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાથી ઓમાન તરફ ખસી જશે, પરંતુ તેના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.
હાલ ગુજરાતમાં કાલ રાતથી જ કડાકા ભડાકા સાથે ખુબ વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. આ કારણથી દરિયાકાંઠા વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ, ભાવનાગર, જૂનાગઢ ગોંડલ સહીતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાય ગયા છે.
