Gandhinagar News: ગાંધીનગરમાં સાયબર ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો (Gandhinagar Cyber Fraud) સામે આવ્યો છે. સરગાસણમાં રહેતા અને કન્સ્ટ્રક્શન સાઈટ પર ઇન્ટિરિયર સુપરવિઝનનું કામ કરતા યુવકના આંતરરાષ્ટ્રીય વિઝા ક્રેડિટ કાર્ડમાંથી તેમની જાણ બહાર કેનેડિયન ડોલરમાં ઓનલાઈન ખરીદી કરવામાં આવી હતી. કુલ મળીને રૂ.1.19 લાખથી વધુની રકમના બે ટ્રાન્ઝેક્શન થતાં તેમણે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Gandhinagar Cyber Fraud: બેંકના ફોનથી સમગ્ર મામલો સામે આવ્યો
સરગાસણની રીડિયન રેસિડેન્સીમાં રહેતા ખેમસિંહ રામસિંહ કવરક્ષત્રી પાસે આઈસીઆઈસીઆઈ બેંકનું આંતરરાષ્ટ્રીય વિઝા ક્રેડિટ કાર્ડ છે. 9 સપ્ટેમ્બરના રોજ તેઓ ઘરે હતા ત્યારે બેંક તરફથી ફોન આવ્યો હતો.બેંક કર્મચારીએ તેમના કાર્ડ પરથી બે ટ્રાન્ઝેક્શન થયા હોવાનું જણાવ્યું હતું. આ સાંભળીને ખેમસિંહે તરત જ પોતાના મોબાઈલમાં આવેલા સંદેશાઓ તપાસ્યા.
કેનેડિયન ડોલરમાં બે ખરીદી
મોબાઈલમાં આવેલા સંદેશાઓ તપાસતા પ્રથમ ટ્રાન્ઝેક્શન 93.45 કેનેડિયન ડોલર અને બીજા ટ્રાન્ઝેક્શન 1679.53 કેનેડિયન ડોલરનું હોવાનું જાણવા મળ્યું હતું.પોતે કોઈ વિદેશી ખરીદી કરી ન હોવા છતાં કાર્ડમાંથી આ પ્રકારના વ્યવહારો થતાં ખેમસિંહે તરત જ બેંકનો સંપર્ક કર્યો હતો.
OTP કે કોઈ લિંક શેર કરી નહોતી
ફરિયાદ મુજબ, ખેમસિંહનું ક્રેડિટ કાર્ડ તેમની પાસે જ હતું. તેમણે કોઈ અજાણી લિંક ખોલી નહોતી અને કોઈ વ્યક્તિ સાથે OTP પણ શેર કર્યો નહોતો. તેમ છતાં કાર્ડ પરથી વિદેશી ચલણમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ ગયું હતું.બેંકની ક્રેડિટ કાર્ડ હેલ્પલાઇનનો સંપર્ક કરતાં બેંક તરફથી પણ આ વ્યવહારો કેનેડિયન ડોલરમાં થયા હોવાનું જણાવાયું હતું.
કાર્ડ બ્લોક કરાવ્યું, 1930 પર જાણ કરી
ઘટનાની જાણ થતાં ખેમસિંહે તાત્કાલિક પોતાનું ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવી દીધું હતું. ત્યારબાદ સાયબર ફ્રોડ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરીને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી.આ મામલે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા કાર્ડમાંથી થયેલા ટ્રાન્ઝેક્શન, ખરીદીના સ્થળ અને સાયબર ઠગો સુધી પહોંચવા માટેની વિગતોની તપાસ કરવામાં આવી રહી છે.
