Ahmedabad News/ દસક્રોઈમાં 4 વર્ષથી કેનાલનું કામ અધૂરું, સિંચાઈના પાણી માટે હાહાકાર!

અમદાવાદના દસક્રોઈમાં Kharicut Canalનું કામ 4 વર્ષથી અધૂરું હોવાથી ધારાસભ્ય બાબુ પટેલે કોન્ટ્રાક્ટર અને સિંચાઈ વિભાગ સામે આકરો રોષ વ્યક્ત કર્યો છે.

Top Stories Ahmedabad Gujarat
Kharicut Canal

Kharicut Canal Issue Daskroi: અમદાવાદના દસક્રોઈ વિસ્તારમાં પસાર થતી ખારીકટ કેનાલમાં પાણી છોડવાના મુદ્દે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ મામલે દસક્રોઈના ધારાસભ્ય બાબુ પટેલે સિંચાઈ વિભાગ અને કોન્ટ્રાક્ટર સામે આકરો રોષ ઠાલવી ખેડૂતોની વેદનાને વાચા આપી છે. ધારાસભ્યએ સીધો આક્ષેપ કર્યો છે કે તંત્રની ઉદાસીનતાને કારણે જગતનો તાત આજે લાચાર બન્યો છે.

વિકાસ કે વિનાશ? Kharicut Canalનું 4 વર્ષથી કામ અધૂરું

ધારાસભ્ય બાબુ પટેલે જણાવ્યું હતું કે, ખારીકટ કેનાલની કામગીરી છેલ્લા ચાર વર્ષથી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી તે પૂર્ણ થઈ નથી. વિકાસના નામે શરૂ થયેલું આ કામ હવે ખેડૂતો માટે મોટી મુસીબત બની ગયું છે. લાંબા સમયની રાહ જોયા બાદ પણ સિંચાઈનું પાણી ન મળતા તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે. તેમણે દુખ સાથે ઉમેર્યું કે, “ખેડૂતોના મોંએ આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે.”

કોન્ટ્રાક્ટરની મનમાની અને તંત્રની લાપરવાહી

આ મુદ્દે ધારાસભ્યએ સિંચાઈ વિભાગને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ યોગ્ય નિકાલ આવ્યો નથી. બાબુ પટેલે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે કોન્ટ્રાક્ટર દ્વારા જાણીજોઈને કામમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતોને પરેશાન કરવામાં આવે છે. પાણી ન છોડવાને કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મૂકાયા છે અને તેમનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે.

સહાયનો અભાવ: ખેડૂતો આર્થિક કટોકટીમાં

એક તરફ કેનાલના અભાવે પાક નિષ્ફળ જઈ રહ્યો છે અને બીજી તરફ ખેડૂતોને હજુ સુધી સરકાર તરફથી કોઈ આર્થિક સહાય મળી નથી. ધારાસભ્યએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો વહેલી તકે પાણી છોડવામાં નહીં આવે તો સ્થિતિ વધુ ગંભીર બનશે.


આ પણ વાંચો: પાટણ જિલ્લામાં નર્મદા નિગમમાં પાણી છોડવા અને કેનાલની સફાઈની ખેડૂતોની માંગ

આ પણ વાંચો: પાટણમાં સરસ્વતી નદીમાં ડૂબી જતા બે સગી બહેનો સહિત ત્રણના મોત

આ પણ વાંચો: અમદાવાદમાં તંત્ર લાચાર, 1200 કરોડના કેનાલ પ્રોજેક્ટમાં રાજકીય હસ્તક્ષેપથી મોટું નુકસાન!