ગુજરાતમાં પાસપોર્ટ માટે અરજી કરનારાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2024માં અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં 10%નો ઘટાડો થયો છે. અમદાવાદમાં પાસપોર્ટ અરજદારોમાં 1 વર્ષમાં 10 ટકાનો ઘટાડો થયો છે. અમદાવાદમાં વર્ષ 2024માં 8.12 લાખ પાસપોર્ટ ઈશ્યૂ કરાયા હતા, જયારે વર્ષ 2023માં 8.52 લાખ પાસપોર્ટ ઈશ્યૂ કરાયા હતા.ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 8.12 લાખ પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વિદેશ અભ્યાસ માટે જતા હોવાથી પાસપોર્ટ માટેની માંગ વધુ હોય છે. પરંતુ આ વર્ષે આ સંખ્યામાં 10% નો ઘટાડો થયો છે. વેકેશનમાં વિદેશ ફરવા જવાનો ક્રેઝ હોવા છતાં આ વર્ષે લોકો વિદેશ જવાનું ટાળી રહ્યા છે.
અમદાવાદ – RPO થી ઈશ્યુ થયેલા પાસપોર્ટ
2018માં પાસપોર્ટ માટે 7,27,652 અરજીઓ આવી, 8,17,031 પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવ્યા.
2019માં પાસપોર્ટ માટે 6,91,794 અરજીઓ આવી, 6,93,765 પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવ્યા.
2020માં પાસપોર્ટ માટે 3,13,432 અરજીઓ આવી, 3,13,461 પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવ્યા.
2021માં પાસપોર્ટ માટે 4,32,957 અરજીઓ આવી, 4,62,561 પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવ્યા.
2022માં પાસપોર્ટ માટે 6,43,308 અરજીઓ આવી, 6,24,384 પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવ્યા.
2023માં પાસપોર્ટ માટે 8,70,273 અરજીઓ આવી, 8,52,294 પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવ્યા.
2024માં પાસપોર્ટ માટે 7,92,762 અરજીઓ આવી, 8,12,435 પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવ્યા.
આમ છેલ્લા 7 વર્ષોમાં પાસપોર્ટ માટે 44,72,178 અરજીઓ આવી, જેમાં 45,39,931 પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા.
અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસને પાસપોર્ટ માટે વર્ષ 2023માં 8.70 લાખ અરજીઓ મળી હતી, જયારે વર્ષ 2024માં પાસપોર્ટ માટે 7.92 લાખ અરજીઓ મળી હતી. આ અંગે અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસના અધિકારી અભિજીત શુક્લાને ટાંકીને એક અહેવાલમાં જણાવવામાં આવ્યું કે પાસપોર્ટ માટે વર્ષ 2024માં પાંચ સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય હિંમતનગર, આણંદ, નડિયાદની ક્ષમતામાં પણ વધારો કરવામાં આવ્યો હતો. પાસપોર્ટ માટે અરજી કરનારાઓનો રાહ જોવાનો સમયગાળો ઘટે એ માટેના પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સાથે જ ગયા વર્ષે ઈ-મેલ અને સોશિયલ મીડિયા દ્વારા બે હજાર લોકોની સમસ્યાનું પણ સમાધાન કરવામાં આવ્યું હતું.
રાજ્યભરમાંથી દિવાળી બાદ પાસપોર્ટની અરજીઓમાં ઘટાડો થયો છે. આગળના વર્ષે મોબાઇલ સર્વિસ વાન પણ કાર્યરત કરવામાં આવી હતી. પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમ કે, ઓનલાઇન અરજી, સ્પેશિયલ ડ્રાઇવ્સ, સોશિયલ મીડિયા દ્વારા સમસ્યાનું નિરાકરણ વગેરે.
આ પણ વાંચો: અમદાવાદના ચંડોળા તળાવ ખાતે પાસપોર્ટ કે વિઝા વગર ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ઝડપાયા
આ પણ વાંચો: આ દેશના પાસપોર્ટ સૌથી મોંઘા છે, યુકે, યુએસ નહીં, જાણો વિગત અહીં
