Gandhinagar News : સરકારી સેવામાં કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને વફાદારી રાખવાથી વેતનની સાથે સફળતા તેમજ પ્રતિષ્ઠા પણ મળશે. નોકરીએ માત્ર આર્થિક ઉપાર્જન નથી પણ પૂજા છે. ઊર્જા વિભાગના કર્મયોગીઓ વિવિધ આપત્તિ સમયે જીવના જોખમે 24×7 કામ કરીને જરૂરિયાતવાળા વિસ્તારમાં ઝડપી વીજળી પુનઃસ્થાપિત કરવાનું ભગીરથ કામ કરે છે જે હંમેશા પ્રસંશનીય છે તેમ, આજે ગાંધીનગર ખાતે નવનિયુક્ત ઉમેદવારોને ઊર્જા પરિવારમાં આવકારતાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે (Hrishikesh Patel)જણાવ્યું હતું.
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલ (Hrishikesh Patel)ના હસ્તે તેમજ રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાની ઉપસ્થિતિમાં આજે ટાઉનહોલ, ગાંધીનગર ખાતે ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ-GSECLમાં ડૉક્ટર, નર્સ, જુનિયર ઇજનેર, પ્લાન્ટ એટેન્ડન્ટ, લેબ ટેસ્ટેટર અને જુનિયર આસિસ્ટન્ટ સહિત કુલ 292 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે (Hrishikesh Patel)કહ્યું હતું કે,તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતમાં 24કલાક વીજળી મળતી થઈ છે. ઊર્જા ઉત્પાદન, વહન અને સ્ટોરેજ ક્ષેત્રે વધુ આત્મનિર્ભર થવાથી ગુજરાતે વર્ષ 2002 થી 2026 દરમિયાન નવી ઊંચાઈઓ સર કરી છે. જેના પરિણામે ગુજરાતમાં રહેણાંક, ખેતી અને ઉદ્યોગોને સતત તેમજ ગુણવત્તાયુક્ત વીજળી મળી રહી છે. આ સફળતામાં ઊર્જા વિભાગના કર્મયોગીઓનું પ્રદાન ખૂબ જ અગત્યનું રહ્યું છે એટલું જ નહીં આ નવનિયુક્તિ યુવાનોની ભરતીથી ઊર્જા વિભાગને વધુ બળ મળશે.
ઋષિકેશ પટેલે (Hrishikesh Patel) કહ્યું હતું કે, ગુજરાતે સોલર ઊર્જા, હાઈડ્રોજન અને વિન્ડ ઊર્જા ક્ષેત્રે નવી નીતિઓ બનાવી છે, જેને પરિણામે ગુજરાત સોલાર સહિત વિવિધ ઊર્જા ઉત્પાદનમાં અગ્રેસર છે. ગુજરાતની વીજ કંપનીઓ અને કર્મયોગીઓના પરિશ્રમથી રાજ્ય સરકારને અનેક એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ 2047 ના રોડ મેપને સાકાર કરવામાં આપણે સૌ પોતાનું મહત્તમ યોગદાન આપીએ તેવું આહ્વાન કરીને ઋષિકેશ પટેલે (Hrishikesh Patel) સૌ નવ નિયુક્ત ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી.
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાએ નવનિયુક્ત ઉમેદવારો જ્યારે તેમના જીવનની નવી કેડીને કંડારી રહ્યા છે ત્યારે દિવાળી જેવા દિવસ માટે શુભકામનાઓ પાઠવી હતી. મંત્રીએ કહ્યું હતું કે, આ ભરતી પરીક્ષામાં સહભાગી થયેલા હજારો યુવાનોમાંથી નવનિયુક્ત ઉમેદવારોને પરીક્ષા પાસ કરી રાષ્ટ્રની સેવા માટે યોગદાન આપવાની તક મળી છે જે ગૌરવની વાત છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં 24 કલાક વીજળી આપતી જ્યોતિગ્રામ યોજના થકી ગુજરાતમાં વીજ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ઊર્જા ક્ષેત્રે રાજ્યની સઘન કામગીરીમાં આપને પણ સેવા આપવાની તક મળી છે. આ સેવાને પ્રમાણિકતા અને જવાબદારીપૂર્વક નિભાવવી જોઇએ. GSECLની કામગીરી સાથે જોડાવું એ સૌભાગ્યની વાત છે. રાજ્યની સેવામાં સતત કાર્યરત રહી GSECLના અથાક પ્રયાસોમાં આપ પણ એક કડીરૂપ ભાગ બની કામગીરી બજાવશો તેવી શુભેચ્છાઓ મંત્રીએ પાઠવી હતી.
GSECLના મેનેજીંગ ડાયરેકટર સોમેસ બંદોપાધ્યાયે નવ નિયુક્ત ઉમેદવારોને ઊર્જા પરિવારમાં આવકારતા કહ્યું હતું કે, આજે આપણા પરિવારમાં વિવિધ સંવર્ગમાં નવનિયુક્ત 130 જુનિયર ઇજનેરો, 11 ડોક્ટરો, 4 નર્સ, બે આરસીપીટી, 94 પ્લાન્ટ અટેન્ડન્ટસ, 12 લેબ ટેસ્ટર્સ તથા 32 જુનિયર આસિસ્ટન્ટ આમ કુલ 292 યુવાનો સેવામાં જોડાવાથી રાજ્યના વીજ ઉત્પાદન એકમોમાં કામગીરીની કાર્યક્ષમતામાં વધારો થશે.

કોઈપણ દેશના વિકાસમાં ઊર્જા ઉત્પાદનનો ફાળો સૌથી અગત્યનો હોય છે. GSECL એ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળની કુલ સાત સહાય કંપનીઓમાંની એક છે. જે રાજ્યભરમાં અંદાજે 7,734 મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે વીજ ઉત્પાદનની જવાબદારી સફળતાપૂર્વક સંભાળે છે. ભારતના કુલ ઊર્જા ઉત્પાદનમાંથી 10 થી 12 ટકા યોગદાન ગુજરાત આપી રહ્યું છે જે આપણા માટે ગૌરવની સમાન છે.આપણે લિગ્નાઇટ, કોલ, હાઈડ્રો, ગેસ, વિન્ડ, સોલાર અને બેટરી સ્ટોરેજ ઊર્જા ક્ષેત્રે કાર્ય કરી રહ્યા છીએ.આ વીજ ઉત્પાદન ક્ષમતાને આપણે સૌએ સાથે મળીને વધુ ઉંચાઈએ લઈ જવાની છે તેમ, જણાવી શ્રી બંદોપાધ્યાયે નવ નિયુક્ત ઉમેદવારોને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
GSECLના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડી.એચ.વસાવાએ ઉપસ્થિત સૌનો આભાર માન્યો.
આ પ્રસંગે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સંયુક્ત સચિવ ભક્તિ શામળ, આશિષ વાળા, GUVNL, GSECLના ઉચ્ચ અધિકારીઓ,નવ નિયુક્ત ઉમેદવારોને તેમજ તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
