New Delhi News : દિલ્હીના માલવિયા નગર વિસ્તારમાં આવેલા એક બેડ એન્ડ બ્રેકફાસ્ટ (B&B) એકમમાં લાગેલી ભીષણ આગ (Fire)માં 21 લોકોના મોત થતાં સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ છે. આ ઘટના માત્ર આગની દુર્ઘટના પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ સલામતી નિયમોના અમલીકરણ અને વહીવટી તંત્રની કામગીરી પર પણ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ, આગ (Fire)ઝડપથી ફેલાતા અનેક લોકો બહાર નીકળી શક્યા નહોતા. હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે સંબંધિત વિભાગોએ પોતાની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી હતી કે નહીં.
B&B એકમો માટે કયા વિભાગોની જવાબદારી?
દિલ્હીમાં B&B અને હોમસ્ટે એકમો માટે મુખ્યત્વે ત્રણ વિભાગો જવાબદાર માનવામાં આવે છે – પર્યટન વિભાગ, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) અને દિલ્હી ફાયર સર્વિસ (DFS).
પર્યટન વિભાગની ભૂમિકા

B&B એકમોની નોંધણી અને લાઇસન્સ પ્રક્રિયા પર્યટન વિભાગ સંભાળે છે. આ વિભાગ દ્વારા સમયાંતરે નિરીક્ષણ કરીને નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે. નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં નોંધણી રદ અથવા સ્થગિત કરવાની સત્તા પણ આ વિભાગ પાસે છે.
તપાસ દરમિયાન એ મુદ્દો મહત્વનો બનશે કે દુર્ઘટનાગ્રસ્ત B&B નોંધાયેલું હતું કે નહીં અને છેલ્લું નિરીક્ષણ ક્યારે કરવામાં આવ્યું હતું.
MCDની જવાબદારી
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ઇમારતના બાંધકામ, જમીન ઉપયોગ અને ગેરકાયદેસર ફેરફારોની દેખરેખ રાખે છે. ગેરકાયદેસર માળ, અવરોધિત બહાર નીકળવાના રસ્તા અથવા અન્ય માળખાકીય ખામીઓ મળી આવે તો તેની જવાબદારી MCD પર પણ આવી શકે છે.
ફાયર સર્વિસની જવાબદારી
દિલ્હી ફાયર સર્વિસ અગ્નિ સલામતીના ધોરણોનું નિરીક્ષણ કરે છે. અગ્નિશામક સાધનો, એલાર્મ સિસ્ટમ અને ઇમરજન્સી એક્ઝિટ જેવી વ્યવસ્થાઓ કાર્યરત હતી કે નહીં તે તપાસનું મુખ્ય કેન્દ્ર રહેશે.
જો આગ (Fire)સુરક્ષા સંબંધિત ગંભીર ખામીઓ સામે આવશે તો DFSની કામગીરી પણ સવાલોના ઘેરામાં આવી શકે છે.
દિલ્હી પોલીસની હાલની ભૂમિકા
જૂન 2025 બાદ હોટેલ, ગેસ્ટ હાઉસ અને B&B માટે પોલીસ લાઇસન્સ અને NOCની આવશ્યકતા દૂર કરવામાં આવી હતી. તેથી હવે દિલ્હી પોલીસની ભૂમિકા મુખ્યત્વે અકસ્માતની તપાસ અને કાયદાકીય કાર્યવાહી સુધી મર્યાદિત છે.
વિદેશી મહેમાનોના રેકોર્ડ પણ તપાસ હેઠળ
નિયમો અનુસાર B&B સંચાલકોએ વિદેશી મહેમાનોની માહિતી 24 કલાકની અંદર FRROને Form-C મારફતે આપવી ફરજિયાત છે. તપાસ દરમિયાન આ નિયમોનું પાલન થયું હતું કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવશે.
વારંવાર બનતી આગની ઘટનાઓથી ચિંતામાં વધારો
દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી આગ (Fire)ની ઘટનાઓ સતત વધી રહી છે. અનેક કિસ્સાઓમાં સલામતી ધોરણોના ઉલ્લંઘન સામે આવ્યા છે. માલવિયા નગરની આ દુર્ઘટના (Malaviya Nagar Fire)એ ફરી એકવાર બતાવ્યું છે કે કાગળ પરના નિયમો અને જમીન પરના અમલીકરણ વચ્ચે મોટો તફાવત છે.
હવે સમગ્ર ઘટનાની તપાસ એ નક્કી કરશે કે કઈ એજન્સીએ પોતાની જવાબદારીમાં બેદરકારી દાખવી અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે શું પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત: દોડતી કારમાં લાગી આગ, એક વ્યક્તિ જીવતું ભડથું
આ પણ વાંચો:દિલ્હીના વિવેક વિહારમાં ભીષણ આગ, AC બ્લાસ્ટથી 9ના મોત, બચાવ કામગીરી ચાલુ
આ પણ વાંચો:દિલ્હીના સાધ નગરમાં ભીષણ આગ, ઇમારતમાં ફસાયેલા 9 લોકોનું દિલધડક રેસ્ક્યુ
