નવી દિલ્હી
દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ઘણા લાંબા સમયથી ચાલી રહેલ જંગ વચ્ચે આજે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યુ કે, ઉપરાજ્યપાલ દિલ્હીમાં નિર્ણય લેવા માટે સ્વતંત્ર નથી. દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર એટલે કે એલ જી ને કેબિનેટની સલાહ મુજબ જ કામ કરવાનુ રહેશે.
સુપ્રિમ કોર્ટની પાંચ જજોની બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે દિલ્હીમાં મંત્રીપરિષદ જે નિર્ણય લે તેની જાણકારી ઉપરાજ્યપાલ એટલે કે લેફ્ટનન્ટ ગવર્નરને આપવાની રહેશે,જો કે આ નિર્ણયોમાં લેફ્ટનન્ટની સહમતિ આવશ્યક નથી.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ કે, દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો શક્ય નથી.
સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ છે કે દિલ્હીની પસંદગી થયેલ સરકાર જ રાજ્યને ચલાવવા માટે જવાબદાર છે. નિર્ણય બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અને મનીષ શિશોદિયાએ ટ્વીટ કરી પોતાની ખુશી વ્યક્ત કરી તેમજ સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો. સાથે જ તેમણે લખ્યુ કે દિલ્હીમાં લોકતંત્રની જીત થઈ છે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યુ કે, ભારતમાં સંસદીય પ્રણાલી છે. એક જ જગ્યાએ કેન્દ્રિત ન થઈ શકે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે મતભેદ ન હોવો જાઈએ. સંવિધાનનુ પાલન કરવુ તમામની ફરજ છે. કેબિનેટ અને એલજીમાં મતભેદ હોય તો રાષ્ટ્રપતિ પાસે જવુ. મતભેદ હોય તો રાષ્ટ્રપતિ નિર્ણય લેશે. ઉપરાજ્યપાલ દિલ્હીના પ્રશાસક છે. એલજી પાસે સ્વતંત્ર અધિકાર નથી. ઉપરાજ્યપાલ કેબિનેટની સલાહથી કામ કરે. સંસદમાં બનાવેલો કાયદો સૌથી ઉપર છે. એલજી પાસે સ્વતંત્ર અધિકાર નથી.
પાંચ જજની સંવિધાન પીઠમાં ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની સાથે જસ્ટીસ એકે શીકરી, જસ્ટીસ એએમ ખાનવિલકર, જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટીસ અશોક ભૂષણ સામેલ છે.
આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં કોનુ શાસન ચાલશે આ સંબંધમાં કુલ ૧૧ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
