ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આખરે વડાપ્રધાન મોદીની એક વાત માનવી પડી છે અને ચૂંટણીનાં છ માસ પહેલા પોતાના પ્રધાનમંડળનું વિસ્તરણ કરીને થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા જતીન પ્રસાદને કેબિનેટ મંત્રી બનાવવા પડ્યા છે. તેમની આ વાત મજબૂરી હોય કે ગમે તે હોય પણ સ્વીકાર તો કરવો જ પડ્યો છે. માયાવતી અને અખિલેશ જ્યારે ભૂદેવોને મનાવવા ક્વાયત કરતાં હોય ત્યારે પોતે સત્તામાં ભૂદેવને પ્રાધાન્ય આપી શકે છે તે સાબિત કરવા માટે આ પગલું મને કમને પણ ભરવું પડ્યું છે. આ વાત સ્વીકારવીજ પડે તેમ છે. ઉત્તર પ્રદેશમાં મોદીની સાથે યોગી પણ અસરકારક વ્યક્તિત્વ છે તે વાત સાચી પરંતુ તેના કારણે વડાપ્રધાનની ઉપેક્ષા કરવાની વૃત્તિ તો ન જ ચાલે તે વાત અંતે યોગીને કોઈ તેમના સારા સલાહકારે બરાબર સમજવી હોય તેમ લાગે છે.

પરંતુ તાજેતરમાં એક ઘટના એવી પણ બની કે જેમાં યોગી આદિત્યનાથને શંકરાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતીએ બરાબરના ઝાટકી નાખ્યા. વાત એમ છે કે, યોગી આદિત્યનાથ પોતાના વતન મત વિસ્તાર અને જ્યાંના પોતે મહંત છે તે ધર્મસ્થળ જ્યાં આવેલું છે તે ગોરખમઢી ખાતે મહંત દિગ્વિજયનાથની પ્રતિમાના અનાવરણ માટેનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં શંકરાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતી પણ હાજર હતા. તેમણે પોતાના પ્રવચનમાં ધર્મ અને સંસ્કૃતિની હાલત વિષે બીજી ઘણી બધી વાતો કરી વહીવટી બાબતોમાં કેટલીક શીખ પણ યોગીને આપી. આ શંકરાચાર્યજીએ કહ્યું કે, અનેક ધર્મસ્થળો આવેલા છે તે ઉત્તરપ્રદેશમાં સંસ્કૃતની શી દશા છે? તે વિષે કશું ન કહું તો જ સા‚ છે. તેમણે ઉત્તરપ્રદેશના વિવિધ સ્થળોએ આવેલી સંસ્કૃત પાઠશાળાના નામ સાથે વિગતો રજૂ કરી. પ્રાધ્યાપકોની અછત, સગવડો સહિતની વિગતો આપી અને કહ્યું કે આવું કેમ ચાલે? ત્યાં સુધી તો વાત બરાબર હતી પરંતુ આનાથી આગળ વધીને યોગી આદિત્યનાથની બાજુમાં ઉભા રહી પ્રવચન કરતાં શંકરાચાર્યજીએ ભૂતકાળમાં બે શાસકો સમાજવાદી પાર્ટીનાં મુલાયમસિંહ યાદવ અને બસપાના માયાવતીના શાસને સંસ્કૃત ભાષા અંગે ભરેલા પગલાંની પ્રશંસા કરી તેમણે કહ્યું કે, આ બંન્ને પૂર્વ મુખ્યમંત્રીઓ વિષે ભલે ગમે તે વ્યક્તિ ગમે તે માનતી હોય પણ તેમના શાસનમાં સંસ્કૃત પાઠશાળાઓ સદ્ધર હતી. ત્યાંના પ્રાધ્યાપકોને આરામથી જીવન નિર્વાહ કરી શકે તેવું વેતન મળતું હતું. આનાથી આગળ વધીને શંકરાચાર્યજીએ એમ પણ કહ્યું કે, સંસ્કૃત પાઠશાળાનાં પ્રાધ્યાપકો માટે પેન્શનની વ્યવસ્થ્ાા પણ આ શાસકોનાં સમયમાં જ શ‚ થઈ હોવાની વાતનો એકથી વધુ વખત ઉલ્લેખ કર્યો.

શંકરાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતી આટલું કહી અટક્યા નહિ. તેમણે કહ્યું કે, માયાવતીનાં શાસનમાં યુપીની સંસ્કૃત પાઠશાળામાં પ્રાધ્યાપકોનો જે સ્કેલ ચાલતો હતો તે જ અત્યારે ચાલે છે તેમાં કોઈ ફેરફાર થયો નથી. ટૂંકમાં શંકરાચાર્યજીનો કહેવાનો આશય એ હતો કે, ૨૦૦૭ થી ૨૦૧૨ દરમિયાન માયાવતીનું શાસન હતું ત્યારે ૨૦૧૦માં તેમણે સંસ્કૃત પ્રાધ્યાપકોને જે પગાર ધોરણ આપ્યું હતું તે ૧૧ વર્ષે પણ યથાવત છે. અખિલેશ યાદવના વખતમાં કોઈ ફેરફાર ન આવે તે તો સમજ્યા પણ સાડાચાર વર્ષનાં વર્તમાન શાસનમાં પણ કોઈ પણ જાતનો ફેરફાર થયો નથી તેમ કહ્યું આ એક જાતનો પ્રહાર જ હતો. યોગી સરકારની આકરી ટીકા જ હતી.

આદરણીયા શંકરાચાર્યજીએ બીજું તો ઘણું બધું કહ્યું. આથી ત્યારબાદ પ્રવચન કરવા ઉભા થયેલા યુપીનાં મુખ્યપ્રધાને પોતાના શાસનમાં પણ પ્રાચીન ભાષા અને ભારતીય ભાષાઓની જનની ગણાતી સંસ્કૃતના પ્રચાર પસાર અને તેને ટકાવવા માટે જે પગલાં ભર્યા તેની પણ વાત કરી.જો કે છેલ્લા થોડા સમયમાં સંસ્કૃત પાઠશાળાની અવદશા બાબતમાં કશું બોલી ન શક્યા. સંસ્કૃત પાઠશાળાઓમાં પ્રાધ્યાપકોની ખાલી જગ્યા ખાલી જ કેમ રહે છે? પૂરવામાં કેમ આવતી નથી? આવા મહત્વના સવાલનો જવાબ આપવાનું યોગીજીએ શીફતથી ટાળ્યું? અથવા તો આ પ્રશ્ર્નનો પોતાના ૩૦ મિનિટના પ્રવચનમાં કોઈ ઉલ્લેખ જ ન કર્યો.
શંકરાચાર્યજીના પ્રવચનોના વિડિયો વાયરલ થયો છે તે આખા ઉત્તરપ્રદેશમાં અસંખ્ય લોકોના વાયરલ ગૃપમાં પહોંચી પણ ગયો છે.
લોકો પણ સોશ્યલ મિડિયામાં પોતાના મંતવ્યો પણ વ્યક્ત કરી રહ્યા છે કે યોગીજીની વાત જ ન્યારી છે. તેઓ સત્તા ટકાવવા માટે જ હિંદુવાદના નારા લગાવી જયશ્રી રામ બોલે છે બાકી વેદો કે સંસ્કૃત ભાષા પ્રત્યે તેમને લગાવ નથી. સોશ્યલ મિડિયામાં એક ટકોર એવી પણ આવી લખનૌના સિંહાસને બેઠા બાદ યોગી સંત કે સાધુ પણુ ભૂલીને માત્ર રાજકારણી બની ગયા છે. જ્યારે એક સોશ્યલ મિડિયામાં એવું પણ કહેવાયું કે, યોગીજીના ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની વાત કે પગલાંમાં સંસ્કૃતનો સમાવેશ તો બિલકુલ થતો નથી.
આવી તો બીજી ઘણી કોમેન્ટો વાયરલ થઈ રહી છે ઘણાએ એવો પણ અર્થ કર્યો છે કે યોગી આદિત્યનાથને વેદોની ભાષા કરતાં સત્તાની ભાષા જ વધુ પ્રિય છે. વેદોની સંસ્કૃતિ કરતાં સત્તાની સંસ્કૃતિ વધુ પ્રિય છે. આ બાબત એક નહિ અનેક પ્રશ્ર્નો ઉભા કરે છે. તેમની ધર્મની વાતો કે રામ મંદિરની વાતો માત્ર સત્તા કે હિંદુ મતબેંક જાળવવા માટે છે.
સજા / ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીને ચૂંટણી ભ્રષ્ટાચાર મામલે જેલ
