Gujarat News: ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન ઘણું સારું થયું હોવા છતાં ભાવ આસમાને છે. શાકભાજીના ઉત્પાદનના સામે આવેલા આંકડા મુજબ રાજ્યમાં 1.70 કરોડ ટન જેટલું ઉત્પાદન થયું છે. રાજ્યમાં સારા વરસાદ અને સિંચાઈ યોજનાને લઈને શાકભાજીમાં ઉત્પાદન વધ્યું છે. ખાસ કરીને બાગાયતી પાકોમાં સારો પાક જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી બાગાયતી ખેતીમાં વધારો થયો છે. જો કે ઉત્પાદન ઘણું સારું થવા છતાં ભાવમાં થતા સતત વધારાને અધિકારીઓથી લઈને સામાન્ય જનતાને આશ્ચર્ય થાય છે.
રાજ્યમાં 1.70 કરોડ ટન શાકભાજીનું ઉત્પાદન થયું. છતાં શાકભાજીની કિમંતોમાં થતો સતત ભાવ વધારાએ વિચારવા મજબૂર કર્યા છે કે આખરે શું કારણ છે? શાકભાજીના ભાવ આસમાને પંહોચવા પાછળ વેપારીઓની નફો રળવાની નીતિ માનવામાં આવે છે. વેપારીઓના નફાખોરીના કારણે ભાવ પર નિયત્રંણ લાદવાના બદલે સતત વધારો કરી રહ્યા છે. ખેડૂતો પાસેથી સસ્તી શાકભાજી ખરીદી વેપારીઓ 400% સુધીનો નફો ચઢાવે છે.
વેપારીઓ વરસાદમાં શાકભાજીની ઓછી આવક થતી હોવાનું બહાનું આપી તગડો નફો લઈ રહ્યા છે. તેઓ ખેડૂતો પાસેથી સસ્તામાં માલ ખરીદે છે અને બજારમાં ચારગણી કિમંતે વેચે છે. ખેડૂતોના મતે વેપારીઓ પ્રતિ કિલો શાકભાજીના તેમની પાસેથી સરેરાશ 40થી 60 રૂપિયાની કિમંતે ખરીદી કરે છે. અને તેના બાદ બજારમાં આ જ શાકભાજીનું પ્રતિ કિલો 120થી 160 રૂપિયા સુધીનું વેચાણ કરતા હોય છે. રાજ્યના કૃષિ વિભાગ સાથે કામ કરતા ખેડૂતે નામ ના આપવાની શરતે કહ્યું કે તેઓ બહુ મહેનત કરી શાકભાજીનું ઉત્પાદન કરે છે અને એપીએસી સુધી તેને પંહોચાડે છે.
વધુ મહેનત કરવા છતાં પણ વેપારીઓ તેમને પોષણક્ષમ કિમંત આપતા નથી. ગ્રાહક અને ખેડૂત બંનેને વેપારીઓ ઠગે છે. ખેડૂતો પાસેથી ઓછી કિમંતે લઈ નફો ચઢાવતા ગ્રાહકને પણ સસ્તા શાકભાજીનો લાભ મળતો નથી. રાજ્યમાં શાકભાજી ઉપરાંત ફળોના પાકનું વેચાણ કરનાર ખેડૂતો પણ સમાન ફરિયાદ કરતાં જોવા મળ્યા. આ મામલે હવે રાજ્ય સરકાર જ કોઈ નક્કર પગલાં લઈ શકે છે.
આ પણ વાંચો: કેનેડાના કાયમી વિઝાની લાલચ આપી કરી કરોડોની છેતરપિંડી
આ પણ વાંચો: ગુજરાતમાં ડૂબવાની ઘટનાથી ચિંતિત હાઇકોર્ટનું વોટર પોલીસનું સૂચન
આ પણ વાંચો: AMCના બે લાખથી રૂ. 15 લાખના કામોમાં કરોડોની ગોલમાલ: કોંગ્રેસ