Gir Somnath News/ દેવાયત ખવડે લોકઅપમાં મુંગા મોઢે પાંઉભાજી અને બે રોટલી ખાધી, ખવડ સહિત 7 આરોપીના મેડિકલ ટેસ્ટ કરાયા

બે રોટલી અને પાઉંભાજી સાથે દાળભાત જમવા માટે આપવામાં આવ્યા

Gujarat Others

Gir Somnath News : અમદાવાદમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલાના કેસમાં ધરપકડ કરાયેલા ડાયરા કલાકાર દેવાયત ખવડે લોકઅપમાં ગુમસુમ બેસી રહ્યો હતો. તેણે પાંઉભાજી સાથે બે રોટલી ખાધી હતી. તાલાલા પોલીસે મોડીરાત્રે ડાયરા કલાકાર દેવાયત ખવડ સહિત સાત આરોપીનો કબજો મેળવ્યો હતો. બાદમાં તમામ આરોપીઓને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા.જ્યાં દેવાયત ખવડ આખી રાત હતાશ અને ગુમસૂમ રહ્યો હતો.

બાદમાં સવારે આ તમામ આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે તાલાલા સરકારી હોસ્પિટલમાં  લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. તાલાલા કોર્ટના મેજિસ્ટ્રેટ રજા પર હોવાથી તપાસનીશ અધિકારી અને તાલાલા પીઆઇ જે.એન. ગઢવી આજે દેવાયત ખવડ સહિતના આરોપીઓને વેરાવળ કોર્ટમાં રજૂ કરશે. પોલીસ આરોપીઓના રિમાન્ડની માગણી કરશે.
ડાયરાના પ્રોગ્રામ અને વૈભવી જીવન શૈલી ધરાવતા દેવાયત ખવડને પોલીસનું સરકારી ભોજન ખાધું હતું. રાત્રે તેણે બે રોટલી અને પાઉંભાજી સાથે દાળભાત જમવા માટે આપવામાં આવ્યા હતાં, જે ખાઈને દેવાયતે જેલના લોકઅપમાં રાત પસાર કરી હતી.

પાંચ દિવસથી ફરાર આરોપી દેવાયત ખવડ અને તેના સાગરીતોને સુરેન્દ્રનગરના મુળી તાલુકાના દૂધઈ ગામના ફાર્મહાઉસથી ઝડપી પાડવામાં આવ્યા. આરોપીઓને પ્રથમ ઇનાજ ખાતે ગીર સોમનાથ એસપી કચેરી લઈ જવાયા. એસપીએ દેવાયત ખવડના અગાઉના ગુના અને અટકાયત અંગે વિગતો આપી.તપાસ તાલાલા પીઆઇ જે.એન. ગઢવીના હાથમાં હોવાથી આરોપીઓને તાલાલા પોલીસને સોંપવામાં આવ્યા. હાલ દેવાયત ખવડ અને તેના સાગરીતોને તાલાલા પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યા છે.

અમદાવાદમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હિચકારો હુમલો કર્યો હતો અને બંદૂક તાકી પતાવી દેવાની ધમકી આપવા મામલે ગઈકાલે (17 ઓગસ્ટ, 2025) બપોરે લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત 6 લોકોની દૂધઈ નજીક ફાર્મહાઉસથી ધરપકડ કરી હતી. આ પહેલાં હુમલામાં ઉપયોગમાં લેવાયેલી બે કાર ગીર સોમનાથથી બિનવારસી મળી હતી. ત્યાર બાદ સાંજે ગીર સોમનાથ LCB દેવાયત ખવડ સહિત 7 શખસને ઈણાજ ખાતે આવેલી એસપી ઓફિસે લઈને પહોંચી હતી.

આ મામલે ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે ગીર સોમનાથ મારામારીમાં ફરિયાદ મુજબ, દેવાયત ખવડ અને તેના 12થી 15 સાથીએ તેમની સાથે ગાડી અથડાવી મારામારી કરી હથિયાર બતાવ્યું અને લૂંટ કરી હતી. પોલીસની 7 ટીમ બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

શરૂઆતમાં સાસણની આસપાસ તેમના લોકેશન મળતાં હતાં, કારણ કે આરોપી મોબાઈલ ફેંકીને ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ શંકાસ્પદોની યાદી બનાવી તેમના ઘરે જઈ પોલીસે કામ શરૂ કર્યું હતું. બાતમીદારોનું નેટવર્ક, ઇન્વેસ્ટિગેશનના ક્લૂ તથા વાહનમાલિકોના આધારે આરોપી સુધી પહોંચ્યા હતા. ઘટનાસ્થળેથી મળેલા બન્ને વાહનમાં એક અમરેલીનું છે અને બીજું રાજકોટનું છે, એનું પાસિંગ બનાસકાંઠા-થરાદનું છે. વાહનોના માલિકની પૂછપરછ કરી અને પછી આગળ વધ્યા હતા. ગઈકાલે રાત્રે(16 ઓગસ્ટ) બાતમી મળી હતી કે દેવાયત ખવડ આવવાનો છે.

આ માહિતીના આધારે  તેની ધરપકડ કરી હતી. દેવાયત સિવાયના આરોપીઓની ઓળખ પરેડ કરવાના છીએ.’આ હુમલા પાછળનું મુખ્ય કારણ સનાથલમાં ડાયરા માટે બુકિંગ કરાવ્યું હતું અને એમાં કલાકાર લેટ પહોંચ્યા હતા, જેથી માથાકૂટ થઈ હતી. એમાં સામસામે ફરિયાદો થઈ હતી. એ બાબતે સોશિયલ મીડિયામાં ફરિયાદી રીલ મૂકતા હતા અને આક્ષેપ-પ્રતિ આક્ષેપ થતા હતા. એમાં ઉશ્કેરાઇને ફરિયાદીએ સો.મીડિયામાં સ્ટેટસ મૂકેલું કે અમે સાસણ ગીરમાં છીએ એટલે તેના આધારે પોતાના સાથીદારોને ભેગા કરીને ગુનો આચર્યો છે.

7 આરોપીની ધરપકડ બાદ પૂછપરછ કરી છે, જેમાં આરોપીઓ લાંબા સમયથી બદલો લેવાની ફિરાકમાં હોવાનું જાણવા મળ્યું છે.’આરોપીઓ સામે BNSની કલમ 109, 311, 118, 191 જેવી અનેક પ્રકારની કલમ તથા આર્મ્સ એક્ટની કલમ લગાવી છે. દેવાયત ખવડ સામે રાજકોટમાં હત્યાની કોશિશ, સનાથલમાં છેતરપિંડી અને આર્મ્સ એક્ટ સહિત 5 ગુના નોંધાયેલા છે. જ્યારે તેમની સાથે રહેલા અન્ય સાથીઓ પર જુગાર અને મારામારીના કેસો છે.ગીર સોમનાથ એસપી મનોહરસિંહે તપાસના મુખ્ય મુદ્દાઓ અંગે કહ્યું હતું કે તપાસના મુખ્ય મુદ્દામાં કઈ કઈ જગ્યાએ ગયા, ત્યાં કોઈએ મદદ કરી કે નહીં. અમારી ટીમ અનેક જિલ્લાઓમાં ગઈ હતી.

સોશિયલ મીડિયા પોસ્ટ તથા કયાં કયાં હથિયારોનો ઉપયોગ કર્યો એ સહિતની બાબતો રહેશે. ધ્રુવરાજસિંહે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં હુમલાખોરોએ તેની 17 તોલાની સોનાની ચેઇન અને કારમાં રહેલા 43 હજાર રોકડા પણ લૂંટી લીધા હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યાર બાદ તાલાળા પોલીસે મૂળી પોલીસનો સાથ લઈ દેવાયત ખવડના મૂળ ગામ દૂધઈ ગામે આવેલા ફાર્મહાઉસ અને ગામમાં તપાસ આરંભી હતી.

પોલીસે સીસીટીવી ચેક કરતાં દેવાયત ખવડ બનાવ બાદ દૂધઈ ગામે આવી તેમના ફાર્મહાઉસમાં ભોજન લઈ અન્ય જગ્યા પર જવા નીકળ્યો હોવાનો CCTVમાં ખુલાસો થયો હતો. પોલીસે દૂધઈ સરલા સહિત તેમના નજીકના મિત્રો સહિતનાને બોલાવી પૂછપરછ સહિત વિવિધ દિશામાં તપાસ આરંભી હતી.ગત તારીખ 12મી ઓગસ્ટના રોજ તાલાલાના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ અને અન્ય 15 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. દેવાયત ખવડ અને તેના માણસોએ ફોર્ચ્યુનર અને ક્રેટા કારથી ધ્રુવરાજસિંહની કિયા કારને અનેકવાર ટક્કર મારી હતી. ત્યાર બાદ ગાળો ભાંડી લોખંડના ધોકાથી ગાડીના કાચ ફોડી નાખ્યા હતા.

દેવાયત ખવડે રિવોલ્વર બતાવીને કેસ ન કરવાની ધમકી આપી હતી તેમજ 15 તોલા સોનાના દોરાની લૂંટ ચલાવી હતી.ઈજાગ્રસ્ત ધ્રુવરાજસિંહને પહેલા તાલાલા, ત્યાર બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મામલો બહાર આવતાં જ સનસનાટી મચી ગઈ હતી. મોડીરાત્રે પોલીસે દેવાયત ખવડ સામે ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ હતી. ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા ખુદ તાલાલા દોડી આવ્યા હતા.નોંધનીય છે કે સનાથલ ગામ ખાતે ગઈ 20 ફેબ્રુઆરી, 2025ના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતાં તેની કાર પર હુમલો થયો હતો. આ મામલે પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ, રામભાઈ ચૌહાણ, મેઘરાજ સિંહ અને અન્ય ચાર લોકો વિરુદ્ધ ધાડની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દેવાયત ખવડ વિરુદ્ધ આઠ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદથી બંને જૂથ વચ્ચે વેરનાં બીજ રોપાયાં હતાં.રાજકોટના બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા પર દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખસ ધોકા-પાઇપ લઈ તૂટી પડ્યો હતો. પોલીસ આવવાના ભણકારા વાગતાં જ દેવાયત ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. 10મા દિવસે દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયો હતો. દેવાયત અને મયૂરસિંહનો વચ્ચેનો ઝઘડો જૂનો છે. અદાંજે નવેમ્બર-2021માં મયૂરસિંહ રાણા તેમના કૌટુંબિક મામાના ઘરે બેસવા ગયા હતા ત્યારે દેવાયત ખવડ સાથે કાર પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો, જોકે જે-તે સમયે પોલીસ દ્વારા આ સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હતો અને સમાજના મોભીઓએ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ અને દેવાયત ખવડ વચ્ચે સોશિયલ મીડિયા પર જંગ જામ્યો હતો. વિવાદ ગુજરાતી સોશિયલ મીડિયા પર ભારે ટ્રેન્ડમાં રહ્યો હતો. આખરે બંનેએ સમાધાન કરી લીધું હતું.રૂપલમાં એક ડાયરામાં લોકકલાકાર બ્રિજરાજદાન ઈસરદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વીડિયો બનાવવો પડે એ દિવસથી બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ પર નહીં ચઢે, હું ઈસરદાનનું લોહી છું સાહેબ. કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઊતરીને માફી માગી લે છે.’ એ અંગેનો વીડિયો વાઇરલ થયા બાદ દેવાયત ખવડે વળતો જવાબ આપતાં કહ્યું હતું કે ‘મર્દાનગી અને લોહીના પુરાવા ન આપવાના હોય.

કોનું લોહી છે એના પુરાવા માઇકાંગલાઓએ આપવા પડે. લોકો મોઢામાં આંગળાં નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય છે.’ બાદમાં મઢડા સોનલધામ ધર્મ સ્થાનક બંને કલાકારો વચ્ચે સમાધાનનું માધ્યમ બન્યું હતું. દેવાયત ખવડે સરદાર વલ્લભભાઈ પટેલના પિતાનું નામ લઈને અપમાન કર્યું હતું. વીડિયો વાઇરલ થયા પછી લોકો પણ ભારે ગુસ્સે ભરાઈ ગયા હતા. આ નિવેદન પછી માત્ર પટેલ સમાજ નહીં, પરંતુ અનેક સમાજના લોકોએ દેવાયત ખવડના નિવેદનનો વિરોધ કર્યો હતો.થોડો સમય પહેલાં પૂર્વ CM વિજય રૂપાણીનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં ‘ફ્રાય ફ્રેંચી’ શબ્દ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. એ સમયે દેવાયત ખવડે સોશિયલ મીડિયામાં એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કટાક્ષ કરતા કહેતા હતા કે ‘અમને તો એમ હતું કે જમી લીધું હશે, તમે બાકી હોય તો હાલોને ફ્રાય ફ્રેંચી ખવડાવું.’


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટે આસારામના હંગામી જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા,21મીએ વધુ સુનાવણી

આ પણ વાંચો: National News/જેલની બહાર આસારામ ક્યાં રહે છે, જાણો કયા રોગ માટે તેની સારવાર થઈ રહી છે?

આ પણ વાંચો: Narayan sai/આસારામના પુત્ર નારાયણ સાંઈની પાંચ દિવસની જામીન અરજી મંજૂર