Banaskantha News/ સંબંધો મરી પરવાર્યા! સાસરી પક્ષે પુત્રવધૂનો મૃતદેહ હોસ્પિટલ બહાર રઝળતો મૂક્યો, પિયર પક્ષનો ગંભીર આક્ષેપ

બનાસકાંઠાના ધાનેરા (Dhanera) માં સાસરી પક્ષે પુત્રવધૂનો મૃતદેહ હોસ્પિટલ પાસે રઝળતો મૂકી નાસી જવાની શરમજનક ઘટના બની છે. પિયર પક્ષે શારીરિક-માનસિક ત્રાસનો આક્ષેપ કર્યો છે.

Gujarat Others Trending
Dhanera Daughter-in-law Death Case

Dhanera Daughter-in-law Death Case: બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં સંબંધોના ખૂન અને માનવતાના મરણ જેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 35 વર્ષીય પરિણીતાના શંકાસ્પદ મોત બાદ તેના સાસરી પક્ષના લોકો મૃતદેહને હોસ્પિટલની બહાર ગાડીમાં જ મૂકીને નાસી છૂટ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પિયર પક્ષે દીકરીના મોત માટે સાસરી પક્ષને જવાબદાર ઠેરવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

મળતી વિગતો અનુસાર, નાનુડા ગામની 35 વર્ષીય દીકરીના લગ્ન ગોલા ગામે કરવામાં આવ્યા હતા. લગ્ન જીવન દરમિયાન સાસરી પક્ષ દ્વારા દીકરીને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ પિયર પક્ષે કર્યો છે. ગત રોજ દીકરીનું મોત નિપજ્યું હતું, પરંતુ સાસરી પક્ષે માનવતા નેવે મૂકીને મૃતદેહને ધાનેરાની હોસ્પિટલ પાસે રઝળતો મૂકી દીધો અને પોતે ત્યાંથી ભાગી ગયા હતા.

Dhanera Daughter-in-law Death Case

પિયર પક્ષનો આક્રોશ અને પોલીસ કાર્યવાહી

જ્યારે દીકરીના પિયર પક્ષના લોકોને આ ઘટનાની જાણ થઈ, ત્યારે તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હોસ્પિટલ પાસે દીકરીનો મૃતદેહ લાવારિસ હાલતમાં જોઈ પિયરિયાઓ ભાંગી પડ્યા હતા અને તાત્કાલિક ધાનેરા પોલીસને જાણ કરી હતી. પિયર પક્ષનો આક્ષેપ છે કે દીકરીને સાસરીમાં સતત ત્રાસ આપવામાં આવતો હતો અને તેનું મોત શંકાસ્પદ છે. આથી, પિયરિયાઓએ પોતાની દીકરીના મોત મુદ્દે ન્યાયની માંગ કરી છે અને દોષિતો સામે કડક પગલાં લેવા રજૂઆત કરી છે.

Dhanera Daughter-in-law Death Case

Dhanera પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ધાનેરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો હતો અને તેને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડ્યો છે. પોલીસે હાલ આ મામલે એ.ડી. (Accidental Death) નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. પોલીસ હાલ સાસરી પક્ષના લોકોની પૂછપરછ કરવા માટે તેમની શોધખોળ કરી રહી છે.


આ પણ વાંચો:બનાસકાંઠા: એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં ચૂંટણી

આ પણ વાંચો:અમારો શિક્ષક પાછો આપો, બનાસકાંઠાની બે શાળાને તાળાબંધી

આ પણ વાંચો:બનાસકાંઠામાં સામાજિક બાબતને લઈ 40થી 50ના ટોળાએ કર્યો હીંચકારો હુમલો