લક્ષ્મણ જયારે રામ સાથે ૧૪ વર્ષના વનવાસમાં જઈ રહ્યા હતા ત્યારે એમની પત્ની ઉર્મિલા પણ એમની સાથે જ જવા માંગતી હતી. પરંતુ લક્ષ્મણે એને ઘરે જ રહેવા કહ્યું. વનમાં લક્ષ્મણે રાત દિવસ રામ અને સીતાનું રક્ષણ કરવાનું હતું. આથી એમણે નીંદર ઉપર વિજય મેળવવા નક્કી કર્યું. એમણે નીંદરની દેવી નિદ્રાની પૂજા કરી અને પોતાને ૧૪ વર્ષ સુધી નિદ્રામુક્ત કરવા વિનંતી કરી.

નિદ્રાદેવીએ લક્ષ્મણને જણાવ્યું કે નીંદરનું સંતુલન જાળવવા માટે એના બદલે બીજા કોઈએ નીંદર લેવી પડશે. આથી લક્ષ્મણે નિદ્રા દેવીને એની પત્ની ઉર્મિલાને નીંદર આપવા વિનંતી કરી. નિદ્રાદેવીએ અયોધ્યાના રાજમહેલમાં જઈને ઉર્મિલાને પૂછ્યું કે તે લક્ષ્મણને બદલે નીંદર લેવા તૈયાર છે? ઉર્મિલા ૧૪ વર્ષ સુધી સુતાં રહીને રામ,સીતા,લક્ષ્મણને મદદ કરવા તૈયાર થઇ!

વનવાસના ૧૪ વર્ષ પુરા થયા અને રામનો રાજયાભિષેક થયો તે દિવસ સુધી ઉર્મિલા સુતાં રહ્યાં. જો ઉર્મિલાએ આવું ન કર્યું હોત તો લક્ષ્મણ, રાવણના પુત્ર મેઘનાદનો વધ ન કરી શક્યો હોત કારણકે મેઘનાદને એવું વરદાન હતું કે માત્ર “ગુડાકેશ” જ એનો વધ કરી શકે. ગુડાકેશ એટલે કે જેણે નિંદરને પરાસ્ત કરી હોય એવી વ્યક્તિ.

રામના રાજયાભિષેક વખતે લક્ષ્મણ મંદ મંદ હસતા રહેતા હતા. આનાથી બધા અકળાતા હતા. રામે આવું કરવાનું કારણ પૂછ્યું ત્યારે લક્ષ્મણે જણાવ્યું કે ૧૪ વર્ષ સુધી એણે નીંદરને પરાસ્ત કરી છે પણ હવે નિદ્રાદેવી એની ઉપર કાબુ લઇ રહ્યાં છે! આથી તે નિદ્રાદેવીને વિનંતી કરી રહ્યો છે કે એને થોડીક વધારે ક્ષણો આપે જેથી તે રામનો રાજયાભિષેક જોઈ શકે.
