New Delhi News: ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું (Resignation)મુદ્દે દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન કેન્દ્ર સરકાર અને CJP વચ્ચે અનેક તબક્કાની ચર્ચા થઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્રે પ્રથમ તબક્કે ધર્મેન્દ્ર પ્રધાનનું મંત્રાલય બદલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ CJP માત્ર તેમના રાજીનામાની માંગ પર અડગ રહી. અંતે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યા બાદ જ વિરોધ પ્રદર્શન સમાપ્ત થયું હોવાનું રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.
ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું (Resignation): કેન્દ્રનો પ્રથમ પ્રસ્તાવ શું હતો?
મીડિયા રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં શિક્ષણમંત્રી તરીકે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ચાલી રહેલા વિરોધ દરમિયાન કેન્દ્ર સરકારે સમાધાન માટે પ્રથમ પ્રસ્તાવ મૂક્યો હતો. સૂત્રોના હવાલાથી જણાવાયું છે કે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રાલયમાંથી હટાવી અન્ય મંત્રાલયની જવાબદારી સોંપવાનો વિકલ્પ ચર્ચામાં મૂકાયો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રસ્તાવનો હેતુ વિરોધ સમાપ્ત કરવાનો અને રાજકીય તણાવ ઘટાડવાનો હતો. જોકે, સીજેપી તરફથી આ પ્રસ્તાવને તરત જ નકારી દેવામાં આવ્યો હતો.
CJP કોઈ સમાધાન માટે તૈયાર નહોતી, માત્ર રાજીનામાની જ માંગ
રિપોર્ટ મુજબ, સીજેપીના પ્રતિનિધિઓ સૌરભ દાસ અને આશુતોષ રાંકાએ કેન્દ્રના પ્રસ્તાવને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમનું કહેવું હતું કે ધર્મેન્દ્ર પ્રધાનને માત્ર અન્ય મંત્રાલયમાં મોકલવાથી વિરોધકારીઓ સંતોષ માનશે નહીં.
સીજેપીએ સ્પષ્ટ કર્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાન સરકારમાંથી સંપૂર્ણપણે બહાર જાય તે જ તેમની એકમાત્ર માંગ છે. સૂત્રો મુજબ, સંગઠનને એવી પણ ચિંતા હતી કે જો રાજીનામા સિવાય અન્ય કોઈ સમાધાન સ્વીકારવામાં આવશે તો વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોમાં ભારે અસંતોષ ફેલાઈ શકે છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ જાહેરમાં જણાવ્યું હતું કે માત્ર મંત્રાલય બદલવાથી વિદ્યાર્થીઓ અને વિરોધ પક્ષની માંગ પૂર્ણ થવાની નથી.
ત્રણ તબક્કાની ચર્ચા બાદ ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
રિપોર્ટમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ અને સીજેપી વચ્ચે ત્રણ તબક્કામાં ચર્ચા થઈ હતી. આ ચર્ચાઓમાં કેન્દ્ર સરકાર તરફથી જે.પી. નડ્ડા (JP Nadda)અને જિતેન્દ્ર સિંહ સામેલ હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, કેન્દ્રે CJPને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે કોઈ પણ મંત્રીનું ખાતું બદલવું કે તેમને પદ પરથી હટાવવાનો નિર્ણય પ્રધાનમંત્રીના અધિકારક્ષેત્રમાં આવે છે. તેમ છતાં CJP પોતાની માંગ પર અડગ રહી.
અંતે ત્રીજા તબક્કાની બેઠક પહેલાં જ ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણમંત્રી પદેથી રાજીનામું આપ્યું હોવાનું જણાવાયું છે. ત્યારબાદ સીજેપીએ પોતાનું વિરોધ પ્રદર્શન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી.
રિપોર્ટ બાદ રાજકીય ચર્ચા તેજ, સત્તાવાર પુષ્ટિની રાહ
આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. કેન્દ્ર અને સીજેપી વચ્ચે થયેલી વાતચીત અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. જોકે, આ દાવાઓ મીડિયા રિપોર્ટ અને સૂત્રોના હવાલાથી સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી આ દાવાઓ અંગે કોઈ સત્તાવાર વિગતવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તેથી આ ઘટનાક્રમ અંગે સત્તાવાર સ્પષ્ટતા આવવાની હજુ રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: CJPની બીજી મોટી માંગ પર સરકારની સહમતિનો દાવો, દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં પણ કેસ પાછા ખેંચવાની તૈયારી
આ પણ વાંચો: “કરારનું પાલન નહીં થાય તો ફરી રસ્તા પર ઉતરીશું”: CJPની સરકારને ચેતવણી, FIR પાછી ખેંચવાની માંગ
આ પણ વાંચો: CJPએ આંદોલન સમાપ્ત કરવાની કરી જાહેરાત, “સરકારે ત્રણેય મુખ્ય માંગણીઓ સ્વીકારી”
