Junagadh News: જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આજે વહેલી સવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને SOG પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે કડક પગલાં લેવાના ભાગરૂપે કેશોદની એક જાણીતી ડેરી પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ સમગ્ર પંથકમાં ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
શ્રી શક્તિ ડેરી એન્ડ સિલિંગ સેન્ટર પર SOG અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા
મળતી માહિતી મુજબ કેશોદ શહેરમાં આવેલી શ્રી શક્તિ ડેરી એન્ડ સિલિંગ સેન્ટર (Shri Shakti Dairy and Sealing Center) પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને SOGની ટીમે અચાનક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી આ ડેરીમાંથી સપ્લાય થતા દૂધની શુદ્ધતા અંગે પ્રશ્નો અને ફરિયાદો ઉઠી રહ્યા હતા. જેના આધારે તંત્ર દ્વારા પૂર્વ આયોજન મુજબ આ સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી.

SOG અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દૂધના સેમ્પલ લેવામાં આવ્યા
તપાસ દરમિયાન અધિકારીઓએ ડેરીના પ્લાન્ટ, સ્ટોરેજ અને દૂધ સપ્લાય પ્રક્રિયાની વિગતવાર તપાસ કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન દૂધની ગુણવત્તા અંગે શંકા ઊભી થતાં ફૂડ ઈન્સ્પેક્ટરો દ્વારા દૂધના અલગ અલગ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને સીલ કરીને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ભેળસેળની આશંકા
સ્થાનિક સ્તરે ચર્ચા છે કે આ ડેરીમાંથી સપ્લાય થતા દૂધમાં ભેળસેળ થતી હોવાની શંકા છે. ખાસ કરીને ડેરી પ્રોડક્ટ્સમાં થતી ભેળસેળ લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે. આ કારણે તંત્રએ મામલાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ બાદ થશે કાર્યવાહી
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યા બાદ જ દૂધમાં ભેળસેળ છે કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થશે. જો દૂધના નમૂનાઓ ધોરણ મુજબ ન હોય અથવા ભેળસેળ સાબિત થશે તો ડેરી સંચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:અમરેલીમાં યુવરાજસિંહ જાડેજાએ શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપ્યું
આ પણ વાંચો:રાજકોટ: દૂધમાં ભેળસેળ રોકવા આરોગ્ય વિભાગની ઝુંબેશ, 2 દિવસમાં 30 દૂધની ડેરીઓ પર પાડ્યા દરોડા
આ પણ વાંચો:સુરતમાં SMC અને ફૂડ વિભાગનો સપાટો, દસ સ્થળે પાડ્યા દરોડા, બધાના નમૂના નિષ્ફળ
