ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે અને બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. આપને જણાવી દઈએ કે ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આવી સ્થિતિમાં ગુજરાતની ચૂંટણીની તારીખોની જાહેરાતમાં વિલંબ કેમ થયો તેની ચર્ચાઓ ચાલી રહી છે.
પીએમ મોદીની ગુજરાત મુલાકાતને કારણે ચૂંટણી પંચ મતદાનની તારીખોની જાહેરાતમાં વિલંબ કરી રહ્યું હોવાના આક્ષેપો થયા હતા. હવે આ અંગે ચૂંટણી પંચે ખુલાસો કર્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે તાજેતરમાં જ એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે. મોરબી બ્રિજ દુર્ઘટનાના કારણે તારીખો જાહેર કરવામાં વિલંબ થયો છે. ગઈ કાલે રાજ્યભરમાં શોક પણ જોવા મળ્યો હતો.
ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી
હિમાચલ પ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. 1 ડિસેમ્બરે 89 વિધાનસભા બેઠકો માટે અને 5 ડિસેમ્બરે 93 બેઠકો માટે મતદાન થશે. જ્યારે હિમાચલ પ્રદેશની સાથે 8મી ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં નામાંકન ભરવાની પ્રક્રિયા 5 નવેમ્બરથી શરૂ થશે અને 14 નવેમ્બરે સમાપ્ત થશે. બીજા તબક્કા માટે 10 થી 17 નવેમ્બર સુધી નામાંકન દાખલ કરી શકાશે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 21 નવેમ્બર છે.
હિમાચલ પ્રદેશમાં ચૂંટણી ક્યારે છે
ચૂંટણી પંચે અગાઉ હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો સાથે ગુજરાત ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી ન હતી. કમિશને 14 ઓક્ટોબરે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી હતી, જે 12 નવેમ્બરે એક જ તબક્કામાં યોજાશે અને બંને રાજ્યોમાં 8 ડિસેમ્બરે મતગણતરી થશે.
આ પણ વાંચો:ઈમરાન ખાનની રેલીમાં ફાયરિંગ, પૂર્વ PM ઘાયલ
આ પણ વાંચો:મોરબીમાં અધિકારી સામે કાર્યવાહી કરવી હોય તો ચૂંટણી પંચની પરવાનગી લેવી પડશે
આ પણ વાંચો:રાહુલ ગાંધી પોતાને કેમ મારી રહ્યા છે ચાબુક? તેલંગાણાના બોનાલુ ઉત્સવના કોંગ્રેસના નેતાનો વીડિયો વાયરલ
