Ahmedabad News : અમદાવાદમાં જાણીતા પંજાબી ગાયક દિલજીત દોસાંજ (Diljit Dosanjh)ના આગામી લાઈવ કોન્સર્ટ પહેલાં વિવાદ ઊભો થયો છે. કોન્સર્ટમાં ગવાતાં કેટલાંક ગીતો અને સ્ટેજ પરના પહેરવેશને લઈને ચંદીગઢના પ્રોફેસર પંડિતરાવ ધરેનવરે (Panditrao Dharennavar)વાંધો ઉઠાવ્યો છે. આ મામલે કરવામાં આવેલી લેખિત ફરિયાદ બાદ મોટેરા પોલીસે ફરિયાદીનું સત્તાવાર નિવેદન નોંધ્યું છે. હવે સમગ્ર મામલે પોલીસની તપાસ અને આયોજકોનાં પગલાં પર સૌની નજર છે.
4 ગીતો ન ગાવા અને બુલેટ બેલ્ટ ન પહેરવાની માગ
પ્રોફેસર પંડિતરાવ ધરેનવરે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી (DCPO) સમક્ષ લેખિત રજૂઆત કરીને કોન્સર્ટમાં (Diljit Concert)દારૂને પ્રોત્સાહન આપતાં હોવાનો તેમનો દાવો છે તેવાં દિલજીતનાં ચાર ચોક્કસ ગીતો ન ગાવાની માગ કરી છે. આ ઉપરાંત સ્ટેજ પર હથિયારોને પ્રોત્સાહન આપતો હોવાનો આક્ષેપ કરીને બુલેટ બેલ્ટ ન પહેરવા પણ રજૂઆત કરી છે.
પ્રોફેસરના જણાવ્યા અનુસાર, આ પ્રકારનાં ગીતો અને સ્ટેજ પરના દેખાવની બાળકોના માનસ પર નકારાત્મક અસર પડી શકે છે. આથી તેમણે બાળ સુરક્ષા અધિકારીને ફરિયાદ કરી હતી. ત્યારબાદ અધિકારી દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરને જાણ કરવામાં આવી હતી અને તપાસ મોટેરા પોલીસને (Motera Police)સોંપવામાં આવી હતી.
હાઈકોર્ટના આદેશોનો આપ્યો હવાલો
ફરિયાદમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના અગાઉના આદેશોનો પણ હવાલો આપવામાં આવ્યો છે. પ્રોફેસરનું કહેવું છે કે જાહેર કાર્યક્રમોમાં બાળકોની હાજરીને ધ્યાનમાં રાખીને ગીતોની પસંદગી અને રજૂઆત અંગે સાવચેતી રાખવી જોઈએ.
તેમણે કોન્સર્ટમાં અત્યંત ઊંચા અવાજ અને તેજ લેસર લાઈટિંગનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમના મતે, વધુ પડતો સાઉન્ડ બાળકોની સાંભળવાની ક્ષમતા અને લેસર લાઈટિંગ આંખો માટે નુકસાનકારક બની શકે છે. તેથી સાઉન્ડ અને લાઈટિંગ નિર્ધારિત મર્યાદામાં રાખવાની માગ કરવામાં આવી છે.
હાઈકોર્ટ જવાની પણ આપી ચીમકી
પ્રોફેસર પંડિતરાવ ધરેનવરે જણાવ્યું છે કે આ મામલે તેમણે પોલીસ સમક્ષ સત્તાવાર ફરિયાદ કરી છે. જો કોન્સર્ટમાં વાંધાજનક ગણાવેલાં ગીતો ગવાશે અથવા બુલેટ બેલ્ટ પહેરવામાં આવશે તો તેઓ હાઈકોર્ટનો દરવાજો ખખડાવશે.
બીજી તરફ, ગુજરાતમાં આ ગીતો પર પ્રતિબંધ મૂકતો કોઈ ચોક્કસ કોર્ટ આદેશ હોવાની માહિતી સામે આવી નથી. આયોજકો કે દિલજીત દોસાંજ (Diljit Dosanjh)તરફથી પણ આ વિવાદ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. હવે અમદાવાદ કોન્સર્ટમાં (Ahmedabad Concert)ગીતોની યાદીમાં ફેરફાર થશે કે નહીં અને સાઉન્ડ-લાઈટિંગ અંગે શું વ્યવસ્થા કરવામાં આવશે તે જોવું રહ્યું.
