National News : પંજાબી ગાયક Diljit Dosanjh પોતાના તાજેતરના કોન્સર્ટમાં આપેલા નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. કેનેડાના કેલગરીમાં યોજાયેલા તેમના ‘ઓરા વર્લ્ડ ટૂર 2026’ દરમિયાન એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેમણે “હું આ દુનિયા છોડી ચૂક્યો છું” અને “મને મૃત્યુનો ડર નથી” જેવી વાતો કહી હોવાનું સામે આવ્યું છે. આ નિવેદન સાંભળીને તેમના ચાહકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.
કોન્સર્ટ દરમિયાન સ્ટેજ પર વાત કરતા દિલજીતે કહ્યું કે ગયા ડિસેમ્બરમાં તેઓ પોતાના શરીરમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ હજુ કેટલાક કામ બાકી હોવાથી તેઓ અહીં છે. તેમણે વધુમાં ઉમેર્યું કે જીવનમાં પ્રેમ, આદર અને ક્ષમાને અપનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેમને કોઈ પ્રત્યે દ્વેષ નથી.

આ નિવેદનને કેટલાક લોકો આધ્યાત્મિક અથવા પ્રેરણાત્મક સંદર્ભમાં લઈ રહ્યા છે, જ્યારે ઘણા ચાહકો તેને લઈને ગભરાઈ ગયા છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
આ જ કોન્સર્ટ દરમિયાન કેટલાક ખાલિસ્તાની સમર્થકો દ્વારા હંગામો મચાવાયો હતો. તેમણે ખાલિસ્તાનના નારા લગાવ્યા અને ભારત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. કેટલીક માહિતી મુજબ, દિલજીતને નિશાન બનાવી તેમને રાજકીય એજન્ડા સાથે જોડવાના આરોપો પણ લગાવવામાં આવ્યા.
હંગામા વચ્ચે દિલજીત દોસાંઝે (Diljit Dosanjh )સ્ટેજ પરથી સ્પષ્ટ ચેતવણી આપી કે તેમના કોન્સર્ટમાં ગડબડ કરનારાને બહાર કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે પંજાબ પ્રત્યેનો તેમનો પ્રેમ નિષ્ઠાપૂર્વકનો છે અને તે કોઈ રાજકીય પ્રભાવથી જોડાયેલો નથી.
આ સમગ્ર ઘટનાએ સોશિયલ મીડિયા અને ચાહકો વચ્ચે ભારે ચર્ચા જગાવી છે, જ્યાં એક તરફ તેમના નિવેદન(Statement) પર ચિંતા વ્યક્ત થઈ રહી છે, તો બીજી તરફ કોન્સર્ટ દરમિયાન થયેલા વિવાદને લઈને પણ ચર્ચા તેજ બની છે.
