દક્ષિણ આફ્રીકાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ફિલ્મ નિર્માતા અનંત સિંહએ મહાત્મા ગાંધી પર આધારિત ડોક્યુમેન્ટરી માટે 21માં ન્યૂયોર્ક ઈંડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચરનો પુરસ્કાર જીત્યો છે.
ધ પાવર ઓફ ધ પાવરલેસ નામની આ ફિલ્મની પટકથા રમેશ શર્માએ લખી અને તેનું નિર્દેશન પણ તેણે કર્યું છે. 2019માં મહાત્મા ગાંધીની 150મી જયંતિના અવસરે આ વીડિયોવિઝનનું નિર્માણ કર્યું હતું. પરંતુ કોવિડ 19ના કારણે તેની રિલીઝમાં સમય લાગ્યો.
ફિલ્મના નિર્દેશક રમેશ શર્માના કહ્યા અનુસાર, આ પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત કરી તેઓ સન્માનિત અનુભવે છે. આ પુરસ્કાર ગાંધીજીની શિક્ષાના મહત્વ અને દુનિયાભરમાં સ્વતંત્રતા સંઘર્ષો પર તેમની અસરને સાબિત કરે છે અને ફિલ્મમાં પણ આ જ વાત દર્શાવવામાં આવી છે. આ ફિલ્મના માધ્યમથી ગાંધીજીની વિરાસતને જાળવી રાખવાની તેમણે ખુશી પણ વ્યક્ત કરી હતી.
ગાંધીનો વારસો વૈશ્વિક છે પરંતુ તેમનો દક્ષિણ આફ્રિકા સાથે ખાસ સંબંધ રહ્યો કારણ કે તેઓ અહીં રહેતા હતા અને તેમણે અહીં માનવ અધિકાર અને સમાનતાના મુદ્દા જોરશોરથી ઉઠાવ્યા હતા. ગાંધીજીનો પ્રભાવ અન્ય નેતાઓને અહિંસા દ્વારા અને શાંતિ માટે ફેરફારો કરવા પ્રેરણારૂપ રહેશે.
આ ફિલ્મમાં વિશ્વના ઘણા ઇતિહાસકારો અને વિદ્વાનોએ ગાંધીજીની દુનિયા પરની અસર અંગે પોતાના મંતવ્યો શેર કર્યા છે. તેમાં ગાંધીજીની પૌત્રી ઇલા ગાંધી અને અમેરિકામાં રહેતા તેમના પૌત્ર અરૂણ ગાંધી અને રાજમોહન ગાંધીનો સમાવેશ થાય છે. આ ફિલ્મનું ‘અહિંસા’ ગીત એઆર રહેમાને ગાયું છે. તેના શબ્દો બોનો અને રહેમાને લખ્યા છે.
