US President Donald Trump 2028 Election Speculation News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એક સોશિયલ મીડિયા પોસ્ટ બાદ 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર પોતાની એક તસવીર શેર કરી હતી, જેમાં તેઓ ‘TRUMP 2028’ લખેલી કેપ પહેરેલા જોવા મળ્યા હતા. સાથે તેમણે જીતનો સંકેત આપતું કેપ્શન પણ લખ્યું હતું. આ પોસ્ટ સામે આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું ટ્રમ્પ ભવિષ્યમાં ફરી રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

અમેરિકાના બંધારણમાં શું છે જોગવાઈ?
અમેરિકાના બંધારણના 22મા સુધારા પ્રમાણે કોઈ વ્યક્તિ બે કરતાં વધુ વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ શકતી નથી. ટ્રમ્પ 2016માં પ્રથમ વખત અને 2024માં બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. એટલે વર્તમાન નિયમો પ્રમાણે 2028માં ત્રીજી વખત ચૂંટાવાનો માર્ગ બંધ છે. અગાઉ પણ ટ્રમ્પને ત્રીજી મુદત અંગે સવાલ કરવામાં આવ્યો હતો. ત્યારે તેમણે ત્રીજી મુદત અંગે પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ સાથે એ પણ સ્વીકાર્યું હતું કે હાલના કાયદા અને બંધારણીય જોગવાઈઓને કારણે આ સરળ બાબત નથી.
આથી તેમની નવી પોસ્ટને લઈને ચર્ચા થઈ રહી છે કે શું તેઓ માત્ર રાજકીય સંદેશ આપી રહ્યા છે કે પછી ભવિષ્યમાં બંધારણીય ફેરફાર અંગે કોઈ સંકેત આપી રહ્યા છે. જોકે, માત્ર આ પોસ્ટના આધારે કોઈ નિશ્ચિત નિર્ણય પર પહોંચવું શક્ય નથી.

બાઇડેન પર પણ સાધ્યું નિશાન
ટ્રમ્પે (TRUMP 2028)આ સિવાય પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનના કાર્યકાળની સરખામણી કરતી કેટલીક તસવીરો પણ શેર કરી હતી. એક તસવીર દ્વારા તેમણે બાઇડેનના કાર્યકાળ દરમિયાન અમેરિકન નાગરિકોની વિદેશમાં અટકાયત અંગે સંદેશ આપવાનો પ્રયાસ કર્યો. બીજી તસવીરમાં અમેરિકન નાગરિકોને વિમાન દ્વારા સ્વદેશ પરત લાવવામાં આવતા દર્શાવવામાં આવ્યા હતા.
ટ્રમ્પની આ પોસ્ટ્સનો મુખ્ય હેતુ પોતાના વહીવટને બાઇડેનના કાર્યકાળ કરતાં વધુ અસરકારક અને અમેરિકન નાગરિકોની સુરક્ષા માટે સક્ષમ બતાવવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલમાં ‘TRUMP 2028’ કેપવાળી પોસ્ટે માત્ર રાજકીય ચર્ચાને ફરી તેજ કરી છે, પરંતુ અમેરિકાના વર્તમાન બંધારણીય નિયમો મુજબ ટ્રમ્પ માટે ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવાનો રસ્તો સરળ નથી.
આ પણ વાંચો:ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે અમેરિકી નૌસેનાની સપ્લાય લાઇનમાં મોટો ફેરફાર
આ પણ વાંચો:250 દિવસથી સમુદ્રમાં ફસાયેલા સૈનિકોની હાલત દયનીય; જહાજમાં ખાવા માત્ર અડધો કપ ચોખા મળ્યા
આ પણ વાંચો: USS અબ્રાહમ લિંકનના સૈનિકોમાં માનસિક તણાવની ચર્ચા, પરિવારોએ ઉઠાવ્યા ગંભીર સવાલ
