Donald Trump India Visit: ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક તેમજ વેપારિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જાહેરાત કરી છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) આગામી વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચર્ચામાં રહેલી વેપાર સંધિ (ટ્રેડ ડીલ)ને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે.
માર્કો રૂબિયોએ જણાવ્યું કે તેઓ પોતે પણ ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે અને ટ્રમ્પના હાઈ-પ્રોફાઇલ પ્રવાસની તૈયારીઓની સમીક્ષા કરશે. સાથે જ ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલ અંગેની વાટાઘાટોને ઝડપી પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
રૂબિયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના વ્યક્તિગત સંબંધોની પણ પ્રશંસા કરી હતી. તેમના જણાવ્યા મુજબ, બંને નેતાઓ વચ્ચેનો વિશ્વાસ અને સારો તાલમેલ ભારત-અમેરિકા સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. તેમણે વડાપ્રધાન મોદીને વૈશ્વિક સ્તરે અસરકારક નેતા ગણાવતા કહ્યું કે તેમના નેતૃત્વ હેઠળ ભારત આજે વિશ્વમાં એક શક્તિશાળી દેશ તરીકે ઉભરી રહ્યું છે.
ઊર્જા ક્ષેત્ર અંગે રૂબિયોએ જણાવ્યું કે ભારત એવા થોડા દેશોમાં સામેલ છે, જે ભારે ક્રૂડ ઓઈલને રિફાઈન કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે જણાવ્યું કે અમેરિકા, ભારત અને વેનેઝુએલા વચ્ચે ઊર્જા સહયોગને વધુ મજબૂત બનાવવા માટે પણ ચર્ચાઓ ચાલી રહી છે.
બીજી તરફ, ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું કે ભારત અને અમેરિકા સ્વાભાવિક ભાગીદાર દેશો છે અને બંને વચ્ચેના સંબંધોમાં વિશાળ સંભાવનાઓ રહેલી છે. તેમણે કહ્યું કે દ્વિપક્ષીય વેપાર કરાર અંગેની ચર્ચા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં સકારાત્મક પરિણામ આવી શકે છે.
વીઝા નીતિમાં થઈ રહેલા ફેરફારો અંગે પણ અમેરિકાએ સ્પષ્ટતા કરી છે. રાજદૂત ગોરે જણાવ્યું કે નવી વીઝા વ્યવસ્થા કોઈ એક દેશ અથવા ખાસ કરીને ભારતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી નથી. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેના મજબૂત વ્યક્તિગત સંબંધો ભવિષ્યમાં બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.
