Ahmedabad News: વંંદે ભારત ટ્રેને ફરી એક વખત જીવન બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અંકલેશ્વરથી ડોનર હૃદય (Heart)ને સમયસર અમદાવાદ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચાડવા માટે વંદે ભારત એક્સપ્રેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અંગદાનથી મળેલા હૃદયનું સફળ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે તે માટે સમય સામેની દોડમાં ગ્રીન કોરિડોર અને વંદે ભારતની ઝડપી સેવા નિર્ણાયક સાબિત થઈ રહી છે.
અંકલેશ્વરથી Ahmedabad પહોંચાડાયું ડોનર હૃદય
અંકલેશ્વર (Ankleshwar)રેલવે સ્ટેશન પર પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસને વિશેષ હેતુસર રોકવામાં આવી હતી. અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ (UN Mehta Hospital)ની તબીબોની ટીમ અંકલેશ્વરથી ડોનર હૃદય ટ્રેન મારફતે અમદાવાદ લઈ જઈ રહી છે. આ સમગ્ર પ્રક્રિયામાં દરેક મિનિટ અત્યંત મહત્વની હોવાથી સમયબદ્ધ આયોજન કરવામાં આવ્યું હતું.
ડોનર હૃદયનું રિટ્રીવલ અંકલેશ્વર સ્થિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગ્રીન કોરિડોર બનાવી હોસ્પિટલથી અંકલેશ્વર રેલવે સ્ટેશન સુધી ગણતરીની મિનિટોમાં હૃદય પહોંચાડવામાં આવ્યું. ત્યારબાદ વંદે ભારત (Vande Bharat)એક્સપ્રેસ મારફતે અમદાવાદ રવાના કરવામાં આવ્યું.
ત્રણ દિવસમાં બીજી વખત વંદે ભારત બની જીવનદાતા
માત્ર ત્રણ દિવસમાં બીજી વખત ડોનર હૃદયને અમદાવાદ પહોંચાડવા માટે વંદે ભારત એક્સપ્રેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટ્રેનની ઝડપી ગતિ અને ચોક્કસ સમયપાલનને કારણે અંગદાન (OrganDonation)થી ટ્રાન્સપ્લાન્ટ સુધીનો કિંમતી સમય બચાવવામાં મોટી મદદ મળી રહી છે. આ મોડલ ભવિષ્યમાં પણ અંગદાનના કેસોમાં અત્યંત ઉપયોગી બની શકે છે.
યુ.એન. મહેતા હોસ્પિટલમાં થશે 78મું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ
અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં આ ડોનર હૃદયનું 78મું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. હૃદય જેવા અંગનું ટ્રાન્સપ્લાન્ટ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવું જરૂરી હોય છે. તેથી ગ્રીન કોરિડોર, ઝડપી પરિવહન અને તબીબોની સુમેળભરી કામગીરી દર્દીને નવજીવન આપવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે.
વંદે ભારત એક્સપ્રેસની મદદથી ગુજરાતમાં ફરી એક વખત સમય સામેની દોડ જીતીને એક જરૂરિયાતમંદ દર્દીને નવું જીવન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટના અંગદાનના મહત્વ અને સુવ્યવસ્થિત આરોગ્ય સેવાઓનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.
આ પણ વાંચો:સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી બ્રેઈન ડેડ જાહેર : પરિવારની અંગદાનની જાહેરાત
આ પણ વાંચો:સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2026 નું પ્રથમ અંગદાન:-અત્યાર સુધી કુલ 224 અંગદાન
આ પણ વાંચો:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસે અંગદાન મહાદાનનો સંદેશ, 5,441 પતંગોનું વિતરણ
