Mahesana News: ગુજરાતમાં જે રીતે અકસ્માતો થઈ રહ્યા છે તે જોતાં તો એમ જ લાગે છે કે તથ્ય ફક્ત અમદાવાદમાં નથી આખા ગુજરાતમાં ઠેર-ઠેર છે. મહેસાણા જિલ્લામાં અમદાવાદના નશામાં ધૂત નબીરાઓએ અકસ્માત સર્જયો છે. દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવતા નબીરાઓએ એક્ટિવા પર જઈ રહેલા ભાઈબહેનને અડફેટે લીધા હતા.
આ નબીરાઓની કારમાંથી દારૂની બોટલ પણ મળી હતી. વૃષભ શાહ અને પાર્થ પટેલ નામના આ નબીરા નશામાં ધૂત હતા. નશામાં ધૂત બંને નબીરાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હવે પોલીસ તેમની સામે એકશનમાં આવી છે. તેમના પર નશાની હાલતમાં કાર ચલાવવાનો અને અકસ્માત સર્જીને ઇજા પહોંચાડવાનો ગુનો નોંધાયો છે. અકસ્માતમાં ઇજા પામેલા ભાઇબહેનને 108એ સારવાર આપી હતી અને વધુ સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
વેસુ વિસ્તારમાં નશામાં ધૂત નબીરાએ પોતાની ઓડી કાર બેફામ હંકારીને 10 જેટલા વાહનોને ઠોકરે ચડાવ્યા હતા. આ અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વેસુમાં આવેલા જીડી ગોયેન્કા સ્કૂલ નજીક માંતેલા સાંઢની માફક ધસી આવેલી ઓડી કારના ચાલકે રસ્તાની બાજુમાં ઉભેલ 10 જેટલી બાઈકો અને રાહદારીઓને અડફેટમાં લીધા હતા. અકસ્માત સર્જ્યા બાદ લોકોથી બચવા માટે ઓડીના ચાલકે પોતાની કાર વધુ વધુ ગતિમાં હંકારી મૂકી હતી. જો કે આગળ ગયા બાદ કારના ટાયરમાં પંક્ચર પડી ગયું હતુ.
ગાડીનો પીછો કરી રહેલા લોકોએ ડ્રાઈવરને કારમાંથી ખેંચીને બહાર કાઢ્યો હતો. આ સમયે પોલીસની PCR વાન ઘટના સ્થળે પહોંચી હતી, જેમણે કાર ચાલકની તપાસ કરતાં તે નશામાં ધૂત હતો. જેથી તેને પોલીસ સ્ટેશને લઈ જઈ આગળની તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં અકસ્માત સર્જનાર કાર ચાલકની ઓળખ રિંકેશ ભાટીયા તરીકે થઈ છે. જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્તોની ઓળખ દિપક શિરાડો અને રામસિંહ ચૌધરી તરીકે છે. જેમની હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ તો પોલીસે નશામાં ધૂત કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: પોરબંદરમાં જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે દિલધડક રેસ્ક્યૂ
આ પણ વાંચો: નાંદોદની ત્રણ દૂધ ઉત્પાદક મંડળીઓના કૌભાંડની તપાસમાં ભીનું સંકેલાયાની શંકા
આ પણ વાંચો: સર્વર ઠપ થતા અમદાવાદ એરપોર્ટની અન્ય મેટ્રો શહેર સાથે કનેક્ટિવિટી ઠપ
