રાંચી,
રવિવારે મોડી સાંજે ઝારખંડના ગુમલા જિલ્લામાં એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે નંબર ૨૩ પર ટ્રક અને ઓટોરીક્ષા વચ્ચે થયેલ આ અકસ્માતમાં ૧૨ લોકોના મોત થયા છે. મૃતકોમાં છ મહિલાઓ અને ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે. માનવામાં આવી રહ્યુ છે કે આ અકસ્માત ગાઢ ધુમ્મસના કારણે વિઝીબીલીટી ઘટી જતા થયો છે. આ અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે, જેમને રાંચીના રાજેન્દ્ર ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. આ દુર્ઘટના અંગે ઝારખંડના મુખ્યમંત્રી રઘુબરદાસે દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે જણાવ્યુ છે કે, આ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. દુઃખની આ ઘડીમાં મૃતકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરુ છું.
ઘાયલોને તાત્કાલિક સારવાર માટેના આદેશ પણ આપી દેવાયા છે. મળતી માહિતી મુજબ ઓટીરીક્ષામાં સવાર લોકો ગુમલા જિલ્લાના બેરો વિસ્તારમાં મકરસંક્રાતિ નિમિત્તે ભરાયેલ એક મેળામાં હાજરી આપી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. પોલીસ અધિકારી અંશુમનકુમારના જણાવ્યા મુજબ આ અકસ્માતમાં ૧૨ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે ખસેડાયા છે. મૃતકોમાં મોટાભાગના મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ સમગ્ર ઘટનાની તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે. મહત્વનુ છે કે ઉત્તરાયણ પર ઠેર-ઠેર અકસ્માતોની ઘટના સામે આવી હતી. જેમાં અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવવા પડ્યા છે.
