Gandhinagar News/ વડોદરામાં કોંગોથી આવેલા શંકાસ્પદ દર્દીનો ઈબોલા રિપોર્ટ આવ્યો નેગેટિવ

Vadodara Ebola Suspect Negative Report: વડોદરામાં કોંગોથી આવેલા 37 વર્ષીય નાગરિકનો ઈબોલા ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ રહેલા દર્દી અંગે આરોગ્ય વિભાગે અફવાઓથી દૂર રહેવા કહ્યું.

Gujarat Gandhinagar Top Stories
Vadodara Ebola Suspect Negative Report

Vadodara Ebola Suspect Negative Report: આફ્રિકન દેશ કોંગોથી વડોદરા આવેલા એક વિદેશી નાગરિકમાં ઈબોલા વાયરસ (Ebola Virus) ના લક્ષણો દેખાતા આખા ગુજરાતના આરોગ્ય તંત્રમાં જે ભારે દોડધામ અને ફફડાટ મચી ગયો હતો, તેમાં હવે બહુ મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે, શંકાસ્પદ દર્દીના સેમ્પલની લેબોરેટરી તપાસ બાદ તેનો ઈબોલા ટેસ્ટ રિપોર્ટ ‘નેગેટિવ’ આવ્યો છે. આ સાથે જ તંત્રએ જનતાને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને ગભરાટ ન ફેલાવવાની ખાસ અપીલ કરી છે.

22 મેના રોજ Vadodara પહોંચ્યો હતો વિદેશી નાગરિક

મળતી સત્તાવાર વિગતો મુજબ, 37 વર્ષીય અમુરી લોકુલા નામનો આ વિદેશી નાગરિક અંદાજે 10 દિવસ પહેલા આફ્રિકાના કોંગો દેશથી ફ્લાઈટ દ્વારા મુંબઈ આવ્યો હતો. મુંબઈમાં પાંચ દિવસ રોકાયા બાદ તે સિલ્વાસા અને દમણ સરહદી વિસ્તારોમાં લગભગ ચાર દિવસ રહ્યો હતો અને ત્યારબાદ 22 મેના રોજ તે વડોદરા ખાતે પહોંચ્યો હતો.

દર્દીને છેલ્લા છ દિવસથી સતત તીવ્ર તાવ અને અસ્વસ્થતા (Viral Hemorrhagic Fever) ની ગંભીર ફરિયાદ હતી. આ લક્ષણોના આધારે તેને 26 મેના રોજ વડોદરાની ખાનગી બેન્કર્સ હોસ્પિટલમાં આઇસોલેટ કરીને દાખલ કરવામાં આવ્યો હતો. કેસની ગંભીરતા અને ચેપ ફેલાવાના ભયને જોતા આરોગ્ય વિભાગે તેને ખાસ ઓબ્ઝર્વેશન હેઠળ રાખીને વધુ સઘન સારવાર અને મેડિકલ મૂલ્યાંકન માટે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ખાતે શિફ્ટ કર્યો હતો.

Vadodara Ebola Suspect Negative Report

Ebola: લેબોરેટરી તપાસમાં લિવર એન્ઝાઇમ્સ વધેલા જોવા મળ્યા

મેડિકલ બુલેટિન અનુસાર, હોસ્પિટલમાં લેબોરેટરી તપાસ દરમિયાન દર્દીના બ્લડ સેમ્પલમાં SGPT, SGOT અને GGT જેવા લિવર એન્ઝાઇમ્સમાં મોટો વધારો નોંધાયો હતો. આ સિવાય તેનું બોડી ઇન્ફેક્શન દર્શાવતું સી-રિએક્ટિવ પ્રોટીન (CRP) લેવલ પણ ખૂબ ઊંચું હતું અને પ્લેટલેટ્સની સંખ્યા ઘટીને 1.20 લાખ પ્રતિ ક્યુબિક મીમી જેટલી થઈ ગઈ હતી. આ તમામ ગંભીર મેડિકલ કન્ડિશનને કારણે આરોગ્ય વિભાગે આ કેસને હાઈ-પ્રાયોરિટી પર લઈને તાત્કાલિક સેમ્પલ પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજી (NIV) ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી હતી, જ્યાંથી હવે રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.

સંપર્ક ટ્રેસિંગ (Contact Tracing) ની કામગીરી હજુ પણ ચાલુ

ભલે રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય, પરંતુ તકેદારીના ભાગરૂપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) અને આરોગ્ય વિભાગના સંયુક્ત સંકલન સાથે દર્દીના સંપર્કમાં આવેલા લોકોની માહિતી એકત્ર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં દર્દીની મુલાકાત લેનાર ડૉ. સુનિલ મુસાના સહિતના કેટલાક સ્થાનિક સંપર્કોને ટ્રેસ કરીને હેલ્થ ઓબ્ઝર્વેશન હેઠળ મૂકવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે જનતાને ખાતરી આપી છે કે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર જન આરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણ સતર્ક, સજ્જ અને પ્રતિબદ્ધ છે, જેથી નાગરિકોએ ખોટા ડર કે અફવાઓનો શિકાર બનવું નહીં.


આ પણ વાંચો: નવો વાયરસ 100માંથી 90ના જીવ લઈ લેશે, એટલો ખતરનાક કે લોહીની ઉલ્ટીઓ થશે

આ પણ વાંચો: ઈબોલા ખતરા વચ્ચે ગુજરાત એલર્ટ

આ પણ વાંચો: ઈબોલા વાયરસને લઈને ગુજરાત સરકાર એક્શન મોડમાં, અમદાવાદ-સુરતમાં આઇસોલેશન વોર્ડ તૈયાર