New Delhi : કેન્દ્ર સરકારે સંસદને માહિતી આપી છે કે છેલ્લા 10 વર્ષમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યો અને રાજકીય નેતાઓ સામે કુલ 193 કેસ નોંધ્યા છે. જોકે આમાંથી ફક્ત 02 કેસમાં જ સજા ફટકારવામાં આવી છે. આ માહિતી નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભાના સાંસદ એ.એ.ને આપી હતી. રહીમના એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી.
મંત્રીએ કહ્યું કે ED એ 2014 થી 2024 દરમિયાન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આ કાર્યવાહી કરી હતી. આ 193 કેસોમાં મોટાભાગના કેસોની તપાસ હજુ પણ ચાલુ છે, પરંતુ માત્ર 02 કેસમાં જ કોર્ટે ગુનેગારોને સજા ફટકારી છે. આનાથી EDની કાર્યવાહી અને તેની અસરકારકતા પર પ્રશ્નો ઉભા થયા છે. વિપક્ષી પક્ષો લાંબા સમયથી આરોપ લગાવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર રાજકીય હરીફોને નિશાન બનાવવા માટે EDનો ઉપયોગ કરી રહી છે.
સાંસદે કર્યા પશ્રો
સાંસદ એએ રહીમે ED દ્વારા નોંધાયેલા કેસ અંગે નીચેના પ્રશ્નો પૂછ્યા હતા, છેલ્લા 10 વર્ષમાં સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક વહીવટીતંત્રના સભ્યો સામે નોંધાયેલા કેસોની સંખ્યા, પક્ષ, રાજ્ય અને વર્ષ દ્વારા વર્ગીકૃત ? દોષિત ઠેરવવામાં આવેલા, નિર્દોષ જાહેર કરાયેલા અને બાકી તપાસનો વર્ષવાર ડેટા શું છે ?વિપક્ષી નેતાઓ સામે વધતા કેસોની વિગતો અને આ વલણ પાછળનું તર્ક શું ? ED તપાસમાં પારદર્શિતા અને અસરકારકતા વધારવા માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સુધારા કેટલા ?
ED આંકડા અને તારણો
રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે સ્થાનિક વહીવટ સાથે સંકળાયેલા સાંસદો, ધારાસભ્યો અને નેતાઓ સામે નોંધાયેલા કેસોને પક્ષ અને રાજ્ય મુજબ રાખવામાં આવતા નથી. જોકે તેને વર્ષવાર કેસોની વિગતો રજૂ કરી હતી. એપ્રિલ 2022 અને માર્ચ 2023 વચ્ચે સૌથી વધુ કેસ નોંધાયા હતા, જ્યારે કુલ 32 કેસ નોંધાયા હતા. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં નોંધાયેલા 193 કેસમાંથી ફક્ત 02 કેસમાં જ દોષિત ઠેરવવામાં આવ્યા છે, જ્યારે અત્યાર સુધી કોઈને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા નથી.
વિપક્ષી નેતાઓ સામે વધતા કેસ અંગે શું કહ્યું ?
તાજેતરના વર્ષોમાં વિપક્ષી નેતાઓ સામે વધતા કેસ અને આ વલણના વાજબીપણાને લઈને પૂછવામાં આવતા, મંત્રીએ જવાબ આપ્યો કે આ સંદર્ભમાં કોઈ ડેટા ઉપલબ્ધ નથી. તેને એમ પણ કહ્યું કે ED ફક્ત નક્કર પુરાવાના આધારે જ તપાસ શરૂ કરે છે અને કોઈપણ કિસ્સામાં રાજકીય, ધાર્મિક અથવા અન્ય કોઈપણ આધાર પર ભેદભાવ રાખતો નથી. EDની તપાસ પ્રક્રિયાઓમાં પારદર્શિતા વધારવાના પ્રશ્ન પર, સરકારે કહ્યું કે ED ની બધી કાર્યવાહી ન્યાયિક સમીક્ષાને આધીન છે, અને આ એજન્સી કાનૂની પ્રક્રિયાને અનુસરીને કેસ નોંધે છે.
ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, ED એ છેલ્લા દાયકામાં કુલ 5,297 કેસ નોંધ્યા છે, જેમાંથી 4,467 કેસ 2019 થી 2024 ની વચ્ચે નોંધાયા હતા. આમાંથી 40 કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા, જ્યારે ત્રણ કેસમાં નિર્દોષ છૂટ્યા છે. જોકે, રાજકીય નેતાઓને સંડોવતા કેસોમાં સજાનો દર અત્યંત ઓછો રહ્યો છે.
વિપક્ષના પ્રહારો
આ ખુલાસા બાદ વિપક્ષી નેતાઓએ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમનો દાવો છે કે ED ની કાર્યવાહીનો ઉપયોગ વિરોધીઓને ડરાવવા અને તેમની છબી ખરાબ કરવા માટે થઈ રહ્યો છે, જ્યારે નજીવા પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. બીજી તરફ સરકારનું કહેવું છે કે ED સ્વતંત્ર રીતે કામ કરી રહી છે અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ
આ પણ વાંચો:અમદાવાદના સરખેજમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ : રૂ. 13.79 લાખનો મુદ્દામાલ કબજે