એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતની તેમના વકીલની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. અગાઉ, મુંબઈની વિશેષ અદાલતે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલ સંજય રાઉતને 4 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધો હતો. EDએ રાઉતની આઠ દિવસની કસ્ટડી માંગી હતી.
મુંબઈમાં ચાલના પુનઃવિકાસમાં કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ રવિવારે રાત્રે શિવસેનાના સાંસદ સંજય રાઉતની ધરપકડ કરી હતી. તેની ધરપકડ પહેલા, EDએ રાઉતના ઘરે લગભગ નવ કલાક સુધી દરોડા પાડ્યા હતા, જેમાં 11.5 લાખ રૂપિયા રોકડ જપ્ત કરવામાં આવી હતી.
ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર નિશાન સાધ્યું
દરમિયાન, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સોમવારે શિવસેના નેતા સંજય રાઉતની ધરપકડ પર ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે રાઉતને “સાચા શિવસૈનિક” તરીકે ગણાવ્યા જે દબાણને વશ ન થયા. શિવસેના પ્રમુખે કહ્યું કે, કેન્દ્રમાં સત્તાધારી પક્ષ પ્રાદેશિક પક્ષોને ખતમ કરવાનું ષડયંત્ર રચી રહ્યો છે. તેમણે આ વાત બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની ટિપ્પણી પર કહી જેમાં તેમણે કહ્યું હતું કે, પરિવારથી ચાલતી પાર્ટીઓ ખતમ થઈ જશે.
જણાવી દઈએ કે ગયા અઠવાડિયે જેપી નડ્ડાએ કહ્યું હતું કે, આવનારા સમયમાં માત્ર ભાજપ જેવી પાર્ટી જ બચશે જે વિચારધારાથી ચાલે છે, જ્યારે પરિવારો દ્વારા શાસિત અન્ય પાર્ટીઓ નાશ પામશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “તે (નડ્ડાનું નિવેદન) ખૂબ જ ખતરનાક અને ગંભીર છે. તેમની ટિપ્પણી દર્શાવે છે કે દેશ સરમુખત્યારશાહી અને આપખુદશાહી તરફ આગળ વધી રહ્યો છે. આજનું રાજકારણ ચિંતાજનક છે.”
આ પણ વાંચો:CBIએ ભ્રષ્ટાચારના કેસમાં ત્રણ IRTS અધિકારીઓ સહિત પાંચ લોકોની કરી ધરપકડ
