નવી દિલ્હી,
લોકસભા ચૂંટણીમાં વારંવાર આચારસંહિતાનું ઉલ્લંઘન થતું હોય છે ત્યારે તેની સામે લાલ આંખ કરતા ચૂંટણી પંચે એક મોટું પગલું ભર્યું છે. ચૂંટણી પંચે યોગી આદિત્યનાથ અને બસપા પ્રમુખ માયાવતીના ચૂંટણી પ્રચાર પર રોક લગાવી છે. ચૂંટણી પંચે યોગી આદિત્યનાથ માટે 72 કલાક જ્યારે માયાવતી માટે આ રોક 48 કલાક સુધી લગાડી છે.
ચૂંટણીપંચના આ નિર્દેશના અમલી થયા બાદ યોગી અને માયાવતી કોઇ રેલી સંબોધિત નહીં કરી શકે, તે ઉપરાંત કોઇપણ પ્રકારના સોશિયલ મીડિયા માધ્યમનો ઉપયોગ પણ નહીં કરી શકે. તેઓના ઇન્ટરવ્યૂ પર પણ રોક લગાવાઇ છે. ચૂંટણી પંચનો નિર્દેશ 16 એપ્રિલ સવારે 6 કલાકે અમલી થશે.
Election Commission bans UP CM Yogi Adityanath and BSP chief Mayawati from election campaigning for 72 hours & 48 hours respectively, starting from 6 am tomorrow, for violating Model Code of Conduct by making objectionable statements in their speeches. #LokSabhaElections2019 pic.twitter.com/j1cYzMY8Mr
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 15, 2019
ચૂંટણી પંચના આ પગલાથી યોગી 16,17,18 એપ્રિલ અને માયાવતી 16,17 એપ્રિલના રોજ ચૂંટણી પ્રચારમાં ભાગ નહીં લઇ શકે.
બન્ને નેતાઓએ શું આપ્યા હતા નિવેદન?
જણાવી દઇએ કે બસપા પ્રમુખ માયાવતીએ ઉત્તરપ્રદેશના દેવબંધમાં યોજાયેલી ચૂંટણી સભામાં મુસ્લિમ સમુદાયના લોકોને તેનો વોટ માત્ર મહાગઠબંધનને આપવાની અપીલ કરી હતી. માયાવતીનું આ નિવેદન ધર્મના નામ પર વોટ માંગવાના નિયમનં ઉલ્લંઘન છે.
બીજી તરફ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે એક સભામાં માયાવતી પર પ્રહારો કરતા કહ્યું હતું કે જો વિપક્ષને અલી પસંદ છે, તો અમને બજરંગ બલી પસંદ છે. બન્ને નેતાઓના આ નિવેદનો પર ચૂંટણી પંચે લાલ આંખ કરી હતી અને બન્ને નેતાઓ પર રોક લગાવી હતી.
