ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લાને ગુજરાતમાં લાવવા માટે રાજ્ય સરકારે કમર કસી છે. વર્ષ 2015માં જ્યારે નરેન્દ્ર મોદીએ ટેસ્લા કંપનીની મુલાકાત લીધી હતી, ત્યાં હવે ટેસ્લા કંપનીને પોતાના રાજ્યમાં સ્થાપના માટે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે.
ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક અમેરિકાની ટેસ્લાને ગુજરાત લાવવા રાજ્ય સરકાર સક્રિય, કંપની સાથે વાતચીત શરુ કરી
ટેસ્લા પર ટસલ
પોતાના રાજ્યમાં પ્લાન્ટ મુદ્દે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ટસલ
ટેસ્લા કંપનીને રાજ્યમાં બોલાવવા ગુજરાત સરકારે કમર કસી
વાઈબ્રન્ટ સમિટ યોજાય તો તેમાં ટેસ્લાને બોલાવવાના પ્રયાસો
મહારાષ્ટ્રે પણ 22 ઓક્ટોબરે કંપની સાથે શરૂ કરી છે વાતચીત
થોડા સમય પહેલા વિશ્વની સૌથી પ્રચલિત ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક અમેરિકાની ટેસ્લા કંપનીના સ્થાપક એલન મસ્કે ભારતમાં રસ દાખવવાની વાત કર્યા બાદ ગુજરાત સરકાર અને મહારાષ્ટ્ર વચ્ચી તીવ્ર સ્પર્ધા જામી છે. આ કંપનીને રાજ્યમાં લાવવા માટે રૂપાણી સરકારે પગલા લેવાનું શરૂ કરી દીઘું છે. રાજ્ય સરકારના એક ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે દાવો કર્યો છે કે રાજ્ય સરકારે પોતાના પ્રયત્નો શરૂ કરી દીઘા છે. રાજ્ય સરકાર અને કંપની વચ્ચે પ્રારંભિક તબક્કે જ હજુ વાતચીત પહોંચી છે, પરંતુ વાયબ્રન્ટ સમિટ પહેલા બધી જ વાતચીત પૂર્ણ કરી લેવા માટે હાલ વાટાઘાટોનો દોર ચાલી રહ્યો છે.
મહારાષ્ટ્ર સરકારે સૌથી પહેલા આપ્યું છે આમંત્રણ
ટેસ્લાની જાહેરાત બાદ સૌ પહેલા મહારાષ્ટ્ર સરકારે ટેસ્લાને ભારતમાં તેના પ્લાન્ટ બનાવવા માટે જમીન આપવાની તૈયારી બતાવી છે અને તેના માટે સારા લોકેશનમાં જમીનની શોધ શરૂ કરી છે. ઉદ્યોગના સુત્રોના જણાવ્યા અનુસાર સરકાર પુણે, નાસિક અને નાગપુરમાં પ્રાઇમ લોકેશનમાં જમીન આપવાની સંભાવના છે. મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે અને ઉદ્યોગ મંત્રી સુભાસ દેસાઈએ કંપનીના ટોપ મેનેજમેન્ટ સાથે વિડીયો કોન્ફરન્સ 22મી ઓક્ટોબરે કરી હતી
ટેસ્લાએ ભારતીય ચાહકોને કહ્યું- આવતા વર્ષે ચોક્કસ આવીશું
ટેસ્લા ક્લબ ઇન્ડિયાના નામે ટ્વિટર ઉપર ટેસ્લાના ભારતીય ચાહકોનું એક ફેન હેન્ડલ છે. 2 ઓક્ટોબરે આ હેન્ડલ પર એક પોસ્ટ મૂકી એલન મસ્કને પૂછ્યું હતું કે, ‘અમે ટેસ્લાના ભારત પ્રવેશ અંગે આશાવાદી છીએ અને આ અંગે કોઈ પ્રોગ્રેસીવ વાત હોય તો અમને સંભળાવી ગમશે.’ આ પોસ્ટના જવાબમાં એલન મસ્કે કહ્યું હતું કે, ‘આવતા વર્ષે ચોક્કસ’.
ભારતીય કંપની સાથે જોડાણની પણ શક્યતા
ઓટો સેક્ટરના જાણકારોના મતે, ટેસ્લા ભારતીય બજારમાં સીધો પ્રવેશ ન પણ કરે અને આવી સ્થિતિમાં તે ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવતી કોઈ ભારતીય ઓટો કંપની સાથે જોડાણ પણ કરી શકે છે. જો આવું થાય છે તો આ રેસમાં મહિન્દ્રા સૌથી આગળ હોઈ શકે છે તેમ નિષ્ણાતો માને છે.
