Surat News : સુરતમાં જાહેર રોડ પર એક ટેમ્પોચાલક અને TRB ના જવાન વચ્ચે મારામારી થતા મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જેના આધારે ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ તાત્કાલિક અસરથી TRB જવાન કપિલ ભાગવતભાઈને ફરજ પરથી હટાવી દીધો છે.TRB જવાને ટેમ્પોચાલક સાથે ટપલી દાવ કરતા ડ્રાઈવરે ઊતરીને TRB જવાન સાથે મારામારી કરી હતી.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, TRB જવાન ટેમ્પોચાલકનો કાઠલો પકડી પહેલા ડિવાઈડર પર પટકે છે અને પછી રસ્તા પર પટકે છે. તેમ છતાં TRB જવાન ટેમ્પોચાલકને છોડતો નથી. તેમજ વીડિયોમાં અપશબ્દો પણ સંભળાય છે.ઘટનાને પગલે લોકો એકત્ર થઈ ગયા હતા. સુરત મિલેનિયમ માર્કેટ-1 સાંઈદર્શન માર્કેટની સામે આ બનાવ બન્યો હતો. ટેમ્પોમાં કાપડ લઈ જઈ રહેલા ચાલક સાથે TRB જવાનની સામન્ય બોલાચાલી ઉગ્ર બની જતા છૂટાહાથની મારામારી થઈ હતી.
મારામારીમાં ટેમ્પોચાલક ડિવાઈડર પરથી નીચે પડ્યો હતો. લોકોએ ટેમ્પોચાલક અને TRB જવાન બંનેને સમજાવ્યા પણ હતા.ટેમ્પોચાલક અને TRB જવાનને સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. ત્યારબાદ ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ TRB જવાન કપિલ ભાગવતભાઈને તાત્કાલિક ધોરણે ફરજ પરથી હટાવી દીધો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: વલસાડના દરિયામાં ડ્રમ જેવો શંકાસ્પદ પદાર્થ જોવા મળતા સલામતી એજન્સીઓ દોડતી થઈ
