Mathura News/ મથુરામાં પરિક્રમા દરમિયાન ફાયરિંગ, 4 ઘાયલ

સ્થળ પર બંને પક્ષો વચ્ચે અંધાધૂંધ ગોળીબાર (Firing) થયો હતો

Top Stories India Breaking News
જૂની અદાવતને કારણે બે પક્ષો વચ્ચે શરૂ થયેલો વિવાદ થોડા જ સમયમાં લોહિયાળ અથડામણમાં ફેરવાઈ ગયો હતો. બંને તરફથી ઈંટ-પથ્થરમારો અને ખુલ્લેઆમ ફાયરિંગ (Firing)થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો

Mathura News : ઉત્તર પ્રદેશના Mathura જિલ્લાના મહોલી ગામમાં ગુરુવારે પરિક્રમા દરમિયાન અચાનક હિંસા ફાટી નીકળતા શ્રદ્ધાળુઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. જૂની અદાવતને કારણે બે પક્ષો વચ્ચે શરૂ થયેલો વિવાદ થોડા જ સમયમાં લોહિયાળ અથડામણમાં ફેરવાઈ ગયો હતો. બંને તરફથી ઈંટ-પથ્થરમારો અને ખુલ્લેઆમ ફાયરિંગ (Firing)થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

સેવા કેમ્પમાં કેળા વહેંચવાના મુદ્દે થયો વિવાદ

માહિતી મુજબ, ગામના ગુડ્ડી પ્રધાન અને ચંદ્રપાલ વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી અદાવત ચાલી રહી હતી. અગાઉ થયેલા ઝઘડાને ગામલોકોએ શાંત પાડ્યો હતો, પરંતુ ગુરુવારે પરિક્રમા દરમિયાન ફરીથી બંને પક્ષો સામસામે આવી ગયા હતા.

પરિક્રમા માર્ગ પર ચંદ્રપાલ પક્ષ દ્વારા શ્રદ્ધાળુઓ માટે પાણી અને સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ગુડ્ડી પ્રધાનના સમર્થકો પણ કેળા અને અન્ય સામગ્રી વહેંચવા ત્યાં પહોંચ્યા હતા. આ મુદ્દે બંને પક્ષોમાં બોલાચાલી શરૂ થઈ અને જોતજોતામાં મામલો હિંસક બની ગયો હતો.

ખુલ્લેઆમ ફાયરિંગથી લોકોમાં દહેશત

સ્થળ પર બંને પક્ષો વચ્ચે અંધાધૂંધ ગોળીબાર (Firing) થયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક લોકો હથિયારો લહેરાવતા અને ગોળીબાર કરતા નજરે પડી રહ્યા છે. ઘટનાના કારણે પરિક્રમા માટે આવેલા શ્રદ્ધાળુઓમાં ભારે ભય ફેલાયો હતો અને લોકો જીવ બચાવવા દોડતા જોવા મળ્યા હતા.

4 લોકોને ગોળી વાગી, 2ની હાલત ગંભીર

આ હિંસક અથડામણમાં કુલ ચાર લોકોને ગોળી વાગી હોવાનું સામે આવ્યું છે. ચંદ્રપાલ પક્ષના રવિના પગમાં અને સંજુના છાતીના ભાગે ગોળી વાગી હતી. જ્યારે સામા પક્ષના હરિઓમના માથામાં અને સાવિત્રી નામની મહિલાના હાથમાં ઇજા પહોંચી હતી.

ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમાં સંજુ અને હરિઓમની સ્થિતિ ગંભીર હોવાથી તેમને સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે.

ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત

ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ કાફલા સાથે મહોલી ગામમાં પહોંચી ગયા હતા. હાલ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વાયરલ વીડિયો અને અન્ય પુરાવાના આધારે આરોપીઓની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું કે ઘટનામાં સંડોવાયેલા લોકો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.


આ પણ વાંચો : ફાયરિંગ કેસમાં નિવૃત્ત DySPનો હાઈવોલ્ટેજ ડ્રામા, પોલીસે ધક્કા મારી લઈ ગયા

આ પણ વાંચો : અમદાવાદમાં વોન્ટેડ ધમા બારડ પર પોલીસ ફાયરિંગ

આ પણ વાંચો : રાજકોટ ફાયરિંગ કેસમાં SOGએ 3 આરોપીને ઝડપ્યા