Not Set/ #Flashback 2019 : દેશનાં દિગ્ગજ નેતાઓએ ફાની દુનિયાને કહી અલવિદા

૨૦૧૯માં દેશના ઘણા રાજકીય દિગ્ગજોએ દુનિયાને અલવિદા કહી દીધી. આમ તો પ્રત્યેક જાણીતા-અજાણ્યા આત્માઓનું વિદાય વસમી બની જતી હોય છે પરંતુ દેશનાં ઘણા એવા દિગ્ગજો નેતાઓએ આ વર્ષે દુનિયાને અલવિદા કહી જેમના અચાનક અવસાને સમગ્ર દેશને દુઃખી કરી દીધા. વર્ષ ૨૦૧૯માં ઘણા એવા જાણીતા-માનીતા-ચહિતા લોકોએ દુનિયાને અલવિદા કહી જેના નિધનથી માત્ર દેશવાસીઓને જ નહીં પરંતુ […]

Uncategorized

૨૦૧૯માં દેશના ઘણા રાજકીય દિગ્ગજોએ દુનિયાને અલવિદા કહી દીધી. આમ તો પ્રત્યેક જાણીતા-અજાણ્યા આત્માઓનું વિદાય વસમી બની જતી હોય છે પરંતુ દેશનાં ઘણા એવા દિગ્ગજો નેતાઓએ આ વર્ષે દુનિયાને અલવિદા કહી જેમના અચાનક અવસાને સમગ્ર દેશને દુઃખી કરી દીધા. વર્ષ ૨૦૧૯માં ઘણા એવા જાણીતા-માનીતા-ચહિતા લોકોએ દુનિયાને અલવિદા કહી જેના નિધનથી માત્ર દેશવાસીઓને જ નહીં પરંતુ રાજકીય પક્ષ સહિત ઘણા ક્ષેત્રોને પણ ભારે ક્ષતિ થઈ.

        સુષ્મા સ્વરાજ : ૬ ઓગસ્ટ, ૨૦૧૯નાં રોજ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે દુનિયાને અલવિદા કહી દીધી. તેઓ લાંબા સમયથી બિમાર હતા. ૬ ઓગસ્ટની રાતે તેમને દિલ્લીની એઈમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હ્રદય રોગનાં હુમલાના કારણે ૬૭ વર્ષીય વરિષ્ઠ ભાજપ નેતા સુષ્મા સ્વરાજનુ નિધન થયુ હતું. નવ વાર સાંસદ રહી ચૂકેલા સુષ્મા સ્વરાજ માત્ર સામાન્ય જીવન જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર પણ ઘણા સક્રિય હતા ઉપરાંત તેઓ સામાન્ય લોકોમાં પણ ઘણા લોકપ્રિય હતા. વર્ષ ૨૦૧૪માં પ્રધાનમંત્રી મોદીજીનાં નેતૃત્વવાળી એનડીએ સરકારમાં તેઓ સૂચના તેમજ પ્રસારણ મંત્રી અને આરોગ્ય મંત્રી હતા. તેઓ દિલ્લીના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા.

        અરુણ જેટલી : ૨૪ ઓગસ્ટ, ૨૦૧૯નાં રોજ ભાજપના કદાવર નેતા અરુણ જેટલીએ પણ દુનિયાને અલવિદા કહી દીધી. તેઓ લાંબા સમયથી બિમાર હતા. તેમણે દિલ્લીની એઈમ્સમાં ૨૪ ઓગસ્ટના રોજ બપોરે લગભગ ૧૨ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ૬૬ વર્ષના હતા. અતિ શિષ્ટ, વિનમ્ર અને રાજકીય રીતે ઉત્કૃષ્ટ રણનીતિકાર રહેલા અરુણ જેટલી ભાજપ માટે સંકટમોચકની સમાન હતા. તેઓ એનડીએની સરકારમાં અલગ-અલગ મહત્વનાં પદ પર રહ્યાં હતા. તેઓ કાયદા તેમજ અર્થશાસ્ત્રનાં સારા જાણકાર હતા. અરુણ જેટલી આશરે ચાર દશક સુધી રાજકારણમાં સક્રિય હતા.

        મનોહર પરિકર : ૧૭ માર્ચ, ૨૦૧૯નાં રોજ પૂર્વ સંરક્ષણ મંત્રી અને ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરનુ લાંબી બિમારી ૬૩ વર્ષની ઉંમરે દુનિયાને અલવિદ કહી દીધી. મનોહર પરિકર પોતાની સાદગી માટે જાણીતા હતા. મનોહર પરિકર વર્ષ ૨૦૧૪થી ૨૦૧૭ સુધી દેશના સંરક્ષણ મંત્રી રહ્યા. પરિકર ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના સાંસદ હતા. પરિકર પહેલી વાર વર્ષ ૨૦૦૦માં ગોવાના મુખ્યમંત્રી બન્યા. જો કે પહેલી વાર તેમનો મુખ્યમંત્રીનો કાર્યકાળ ફેબ્રુઆરી ૨૦૦૨ સુધી રહ્યો. ત્યારબાદ જૂન ૨૦૦૨માં તે એકવાર ફરીથી મુખ્યમંત્રી ચૂંટાયા અને પોતાનો કાર્યકાળ પૂરો કર્યો. ફરીથી ૨૦૧૨માં વિધાનસભા ચૂંટણીમાં તેમણે ગોવામાં ફરીથી વાપસી કરાવી અને ફરીથી મુખ્યમંત્રી બન્યા હતા.

        શીલા દીક્ષિત : ૨૦ જુલાઈ, ૨૦૧૯નાં રોજ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે દુનિયાને અલવિદા કહી દીધી. ૨૦ જુલાઈનાં રોજ દિલ્લીનાં એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ૮૧ વર્ષના હતા અને લાંબા સમયથી બિમાર હતા. દિગ્ગજ કોંગ્રેસી શીલા દીક્ષિત ૧૯૯૮થી ૨૦૧૩ સુધી સતત ૧૫ વર્ષ દિલ્લીનાં મુખ્યમંત્રી પદ પર રહ્યા હતા. ૨૦૧૯ લોકસભા ચૂંટણી દરમિયાન તેમને દિલ્લી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. થોડા સમય માટે તે કેરળના રાજ્યપાલ પણ રહ્યા હતા.

        જગન્નાથ મિશ્રા : ૧૯ ઓગસ્ટ, ૨૦૧૯નાં રોજ બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાએ દુનિયાને અલવિદા કહી દીધી. તેઓ લાંબા સમયથી બિમાર હતા અને દિલ્લીની હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. ૮૨ વર્ષનાં જગન્નાથ મિશ્રા ત્રણ વાર બિહારના મુખ્યમંત્રી રહ્યા હતા. ૧૯૭૫માં તે પહેલી વાર બિહારના મુખ્યમંત્રી બન્યા, બીજી વાર ૧૯૮૦ અને ત્રીજી વાર ૧૯૮૯થી ૧૯૯૦ સુધી તે બિહારના મુખ્યમંત્રી પદ પર રહ્યા. તેમને ૯૦ના દશકમાં કેન્દ્રીય કેબિનેટમાં પણ જગ્યા મળી હતી. જગન્નાથ મિશ્રાએ બિહારમાં કોંગ્રેસને બુલંદીઓ પર પહોંચાડ્યુ હતું.

        કૈલાશ જોશી : ૨૪ નવેમ્બર, ૨૦૧૯નાં રોજ ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પહેલા બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કૈલાશ જોશીએ ૯૧ વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધી. તેઓ લાંબા સમયથી બિમાર હતા. કૈલાશ જોશી ભોપાલમાં સાંસદ પણ રહ્યા. તેઓ ૧૯૫૧માં સ્થાપિત જનસંઘના સંસ્થાપકસભ્ય પણ રહ્યા. ત્યારબાદ તેમણે ૧૯૫૪થી ૧૯૬૦ સુધી દેવાસ જિલ્લામાં જનસંઘના મંત્રી તરીકે કામ કર્યુ. ૨૪ જૂન, ૧૯૭૭નાં રોજ કૈલાશ જોશી મધ્યપ્રદેશના ઈતિહાસમાં પહેલા બિન કોંગ્રેસી મુખ્યમંત્રી બન્યા. જો કે ૧૯૭૮માં આરોગ્યના કારણોસર તેમણે મુખ્યમંત્રીપદ છોડી દીધુ.

        બાબુલાલ ગૌર : ૨૧ ઓગસ્ટ, ૨૦૧૯નાં રોજ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બાબુલાલ ગૌરે ૮૯ વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધી. તેઓ લાંબા સમયથી બિમાર હતા. વર્ષ ૨૦૦૪માં ઉમા ભારતીના મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદેથી હટ્યા બાદ બાબુલાલ ગૌરે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેઓ ૧૯૭૪થી ૨૦૧૩ સુધી દક્ષિણ ભોપાલ અને ગોવિંદપુરા સીટથી સતત ૧૦ વાર ધારાસભ્ય રહ્યા હતા.

        રામ જેઠમલાણી : ૮ સપ્ટેમ્બર, ૨૦૧૯નાં રોજ વરિષ્ઠ વકીલ અને પૂર્વ કાયદામંત્રી રામ જેઠમલાણીએ ૯૫ વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધી. તેઓ લાંબા સમયથી બિમાર હતા. રામ જેઠમલાણીની ગણતરી દેશના વરિષ્ઠ વકીલોમાં થતી હતી. વર્ષ ૨૦૧૦માં તેમને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતા. તે ઉપરાંત છઠ્ઠી અને સાતમી લોકસભામાં તેમણે ભાજપની ટિકિટ પર મુંબઈથી ચૂંટણી પણ જીતી હતી. તેઓ અટલ બિહારી વાજપેયી સરકારમાં કાયદા મંત્રી અને શહેરી વિકાસ મંત્રી પણ રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.