૨૦૧૯ વર્ષ ભારતનાં ઈતિહાસમાં નોંધનીય બની રહ્યું, વિદાઇમાન વર્ષ 2019, ભારતીય રાજકારણ થી લઇ ને સામાજીક તેમજ ધાર્મિક, આર્થિક જેવા અનેક ક્ષેત્રોમાં આવેલા કે કરવામાં આવેલા પરિવર્તન માટે ઇતિહાસનાં પનામાં હમેંશા નોંધનીય રહેશે. વર્ષ 2019 માં એવી એવી ઘટનાઓએ આકાર લીધો કે, માણસોને ક્યારેક હાશકારો અપાવ્યો તો ક્યારેક હચમચાવી નાખ્યા, તો ક્યારેક હેરાન પણ કરી મૂક્યા અને ક્યારેક હરખમાં લાવી દીધા.
વર્ષ ૨૦૧૯ વિદાઈ લઈ રહ્યું છે અને વર્ષ ૨૦૨૦નું આગમન થઈ રહ્યું છે. ચાલુ વર્ષનાં અંતમાં, નવા વર્ષનાં આગમનમાં સમગ્ર દેશ-દુનિયા વર્ષભર ઘટેલી સારી-નરસી ઘટનાઓને વાગોળી નવા હર્ષોલ્લાસ સાથે નૂતન વર્ષમાં પ્રવેશી રહી છે. જો ભારતની વાત કરવામાં આવે તો આ વર્ષે ભારતભરમાં ઘણી એવી ઘટનાઓ ઘટી છે જે ભારતીય ઈતિહાસમાં નોંધપાત્ર રહી. ધર્મ, રાજકરણ, વિજ્ઞાન, ખેલ, કાયદા ક્ષેત્રમાં બનેલી ઘટનાએ દુનિયાનું ધ્યાન ભારત તરફ ખેચ્યું. એકદરે અંગ્રેજી વર્ષ ૨૦૧૯ સારું-નરસું બંને રહ્યું છે. દેશ પર કૃત્રિમ-કુદરતી આફતો આવી તો દેશે અવનવા વિક્રમ પણ સર્જ્યા. ક્યાંક તોફાનો થયા તો ક્યાંક તહેવારો પણ ઉજવાયા.
ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે એટલે જ હર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ ઘટનાઓની અસર ભારતીયો પર વિવિધ સ્વરૂપે થઈ. આવો જોઈએ વર્ષ ૨૦૧૯ની એવી પ્રમુખ ઘટનાઓ જેણે માણસોને ક્યારેક હાશકારો અપાવ્યો તો ક્યારેક હચમચાવી નાખ્યા તો ક્યારેક હેરાન કરી મૂક્યા તો ક્યારેક હરખમાં લાવી દીધા
નાગરકિતા (સંશોધન) કાયદો : નાગરિકતા સંશોધન કાયદો આ વર્ષની સૌથી મહત્વની રાજકીય ઘટનાઓમાંથી એક છે. આ કાયદા અંતર્ગત ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફ્ઘાનિસ્તાનથી ધાર્મિક ઉત્પીડનનો શિકાર થઈને ભારત આવેલા હિન્દુ, શીખ, ક્રિશ્ચન, જૈન, બૌદ્ધ અને પારસી સમુદાયના લોકોને નાગરિક્તા આપવાની જોગવાઈ છે. જો કે અસમ સહિત ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ગુવાહાટીથી લઈને પશ્ચિમ બંગાળ, દિલ્હીમાં જામિયા મિલિયા ઈસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પણ હિંસક વિરોધ જોવા મળ્યો. દેશના કેટલાક અન્ય વિસ્તારોમાં પણ તેનો વિરોધ થઈ રહ્યો છે.
કર્ણાટકનાં નાટકનો અંત : હાલમાં જ કર્ણાટકની વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામમાં ૧૫માંથી ૧૨ સીટ જીતીને ચાર મહિના જૂની યેદિયુરપ્પા સરકારે પૂર્ણ બહુમત મેળવ્યો છે. ગત વર્ષે ૧૫મેના રોજ થયેલી ૨૨૨ વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં ભાજપે ૧૦૪, કોંગ્રેસે ૭૮ અને જેડીએસે ૩૭ બેઠકો પર જીત મેળવી હતી. જે બાદ પહેલા યેદિયુરપ્પા મુખ્યમંત્રી બન્યા, પરંતુ તેઓ વિશ્વાસમત મેળવે તે પહેલા જ રાજીનામુ ધરી દીધું. જે બાદ કોંગ્રેસ અને જેડીએસે ગઠબંધન કરીને સરકાર બનાવી અને કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા. આ સરકાર માંડ એક વર્ષ સુધી ચાલી અને કોંગ્રેસના ધારાસભ્યોએ બળવો પોકાર્યો. આ દરમિયાન કોંગ્રેસના નેતા સ્પીકર પદ પર હતા, તેમણે બળવાખોરોને અયોગ્ય જાહેર કર્યા. કુમારસ્વામીની સરકાર પડી અને યેદિયુરપ્પાએ બહુમતી મેળવી. પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના ધારાસભ્યોની અયોગ્યતા યોગ્ય ઠેરવી તો પેટા ચૂંટણીમાં તેમનું જીતવું યેદિયુરપ્પા સરકાર માટે મહત્વનું હતું, નહીં તો તેમની સરકાર પડી શકે તેમ હતી.
મહારાષ્ટ્રનો રાજકીય દાવપેંચ : આ વર્ષે ૨૧ ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં પણ વિધાનસભાની ચૂંટણી થઈ અને ૨૪ ઓક્ટોબરે ચૂંટણીના પરિણામ આવ્યા. આ ચૂંટણીમાં ભાજપ-શિવસેનાનાં ગઠબંધનને પૂર્ણ બહુમતી મળી. પરંતુ શિવસેનાએ ભાજપ સામે ૫૦-૫૦નો એટલે કે મુખ્યમંત્રી પદ માટે અઢી અઢી વર્ષની ફોર્મ્યુલા મૂકી. ભાજપ આ માટે તૈયાર નહોતું એટલે શિવસેનાએ કોંગ્રેસ-એનસીપી સાથે હાથ મિલાવ્યો. ચૂંટણીનાં પરિણામનાં દિવસો બાદ પણ કોઈ પાર્ટી કે સંગઠને સરકાર રચવાનો દાવો ન કર્યો તો રાજ્યપાલે સૌને વારાફરતી આવવાની તક આપી. પહેલા જ્યારે તમામ પાર્ટીઓ નિષ્ફળ રહી તો રાષ્ટ્રપતિ શાસન લગાવાયુ. પરંતુ મહારાષ્ટ્રનું રાજકારણ ત્યારે બદલાયુ જ્યારે ૨૩ નવેમ્બરે વહેલી સવારે રાષ્ટ્રપતિ શાસન હટાવીને ભાજપનાં નેતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના અને એનસીપીનાં ધારાસભ્ય દળનાં નેતા અજિત પવારે ઉપમુખ્યપ્રધાન પદના શપથ લીધા. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને કોર્ટે વિશ્વાસ મત લેવા આદેશ આપ્યો. પરંતુ અજિત પવાર એનસીપીનાં ધારાસભ્યોનું સમર્થન ન મેળવી શક્યા, અને ફડણવીસ તેમજ તેમણે રાજીનામુ આપવું પડ્યું. બાદમાં શિવસેના, એનસીપી, કોંગ્રેસે પોતાની વિચારધારાને બાજુમાં મૂકીને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર બનાવવાનો નિર્ણય કર્યો અને પહેલીવાર ઠાકરે પરિવારનો કોઈ વ્યક્તિ રાજ્યનો મુખ્યમંત્રી બન્યો.
અયોધ્યા વિવાદનો ઉકેલ : ૯ નવેમ્બરે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો. દેશના તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીવાળી ૫ સભ્યની બંધારણીય બેન્ચે ૪૦ દિવસોની મેરાથોન સુનાવણી બાદ સદીઓ જૂના અયોધ્યાના રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદનો ઉકેલ આપ્યો. પાંચ વિદ્વાન જજોએ એકમતે રામ મંદિરના પક્ષમાં ચુકાદો આપ્યો. રામ જન્મભૂમિની ૨.૭૭ એકર વિવાદ જમીનનો માલિકી હક ખુદ ભગવાન રામ લલાને મળ્યો અને અદાલતે મસ્જિદ બનાવવા માટે અયોધ્યામાં જ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને ૫ એકર જમીન આપવા સરકારને આદેશ આપ્યો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે રામ મંદિરના નિર્માણ અને સંચાલન માટે ટ્રસ્ટની રચના કરવા પણ આદેશ આપ્યો છે. વિવાદિત જમીનના વધુ એક દાવેદાર નિર્મોહી અખાડાને પણ ટ્રસ્ટમાં સામેલ કરવા કહેવાયું છે. આ ત્રણેય આદેશનું પાલન કરવા સરકારને ૩ મહિનાનો સમય મળ્યો છે. સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક નિર્ણય વિરુદ્ધ ૧૮ રિવ્યુ પિટિશન થઈ છે, જેને ચીફ જસ્ટિસ એસ. એસ. બોબડેની આગેવાનીવાળી બંધારણીય બેન્ચે ફગાવી દીધી છે.
હરિયાણામાં ફરી ભાજપ સરકાર : મહારાષ્ટ્રની સાથે જ હરિયાણામાં પણ વિધાનસભા ચૂંટણી થઈ અને ૨૪ ઓક્ટોબરે પરિણામ આવ્યા. આ ચૂંટણી બાદ ૯૦ બેઠકો ધરાવતી હરિયાણા વિધાનસભામાં ભાજપે ૪૫ બેટક જીતી લીધી, જોકે બહુમત ન મળ્યો. પરંતુ જનનાયક જનતા પાર્ટીના ૧૦ ધારાસભ્યોએ સાથ આપતા ભાજપે ફરી સરકાર બનાવી. મનોહરલાલ ખટ્ટર સતત બીજીવાર હરિયાણાના મુખ્યમંત્રી બન્યા તો દુષ્યંત ચૌટાલા ડેપ્યુટી મુખ્યમંત્રી બન્યા.
અર્થવ્યવસ્થામાં મંદી : આ વર્ષે બીજો પોતાનો કાર્યકાળ સંભાળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૪માં દેસને ૫ ટ્રિલિયનની ઈકોનોમી બનાવવાનું સપનું સેવ્યુ છે, પરંતુ આજે કોઈ એવો દાવો ન કરી શકે કે આ લક્ષ્ય મેળવવામાં ભારતને કેટલી મહેનત કરવી પડશે. સતત ૬ ત્રિમાસિક ગાળાથી જીડીપી ગગડી રહ્યો છે અને છેલ્લા ત્રિમાસિક ગાળામાં તે સૌથી નીચા સ્તર ૪.૫ ટકાએ પહોંચ્યો છે. ઓટોમોબાઈલ સેક્ટરમાં નાના વાહનોનું વેચાણ ઘટ્યા બાદ મંદીની ચર્ચા છે. ઘરેલુ વેચાણ ઘટવાથી મેન્યુફેક્ચરિંગ સેક્ટર ધીમુ પડ્યું છે. અર્થવ્યવસ્થાને વેગ આપવા સરકાર પ્રયત્નો કરી રહી છે, પરંતુ હાલ તો સંકટ તોળાઈ રહ્યું છે.
ચંદ્રયાન ૨ : આ વર્ષે ૭ સપ્ટેમ્બરે ભારતીય મૂન મિશનના ચંદ્રયાન ૨ના વિક્રમ લેન્ડરે ૭ સપ્ટેમ્બરે ચંદ્રમાની દક્ષિણી સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું. આ મામલે ભારતની સાથે આખા વિશ્વની નજર હતી. પરંતુ છેલ્લી ઘડીએ થયેલી કોઈ ટેક્નિકલ ગરબડને કારણે લેન્ડર વિક્રમનો ઈસરો અર્થ સ્ટેશન સાથેનો સંપર્ક તૂટી ગયો, જેને કારણે મિશન અધુરુ રહ્યું. જો કે ચંદ્રાયન ૨નું ઓર્બિટર પોતાનું કામ કરી રહ્યું છે અને આગામી વર્ષો સુધી તે ચંદ્રની કક્ષામાં પરતુ રહેશે. ૨ સપ્ટેમ્બરે વિક્રમ સફળતાપૂર્વક તેનાથી છૂટુ પડ્યુ હતુ. ઈસરોનું કહેવું છે કે વિક્રમ ભલે સોફ્ટ લેન્ડિંગ ન કરી શક્યું હોય પરંતુ તેનાથી ઈસરોના મિશનનો મોટાભાગનું કામ પુરુ થયું છે. ભારનતા GSLV Mklll-M૧થી ૩,૮૪૦ કિલો વજનના ચંદ્રયાન ૨ સ્પેસક્રાફ્ટને ૨૨ જુલાઈ લોન્ચ કરવામાં આવ્યું હતું.
કલમ ૩૭૦ : ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ મોદી સરકારે પોતાના કાર્યકાળનો સૌથી મહત્વનો રાજકીય નિર્ણય કર્યો. જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ હટાવી દેવાઈ અને જમ્મુ કાશ્મીર તેમજ લદ્દાખને અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની જાહેરાત થઈ. આ નિર્ણય પહેલા જમ્મુ કાશ્મીરના તમામ મોટા નેતાઓને નજરબંધ કરવામાં આવ્યા અને રાજ્યમાં કમ્યુનિકેશનની સેવાઓ બંધ કરવામાં આવી. બાદમાં કેન્દ્ર સરકારના આ નિર્ણયને સંસદના બંને સદનમાં પસાર કરવામાં આવ્યો. બંધારણની આ કલમ હટાવાથી જમ્મુ કાશ્મીર હવે દેશના અન્ય રાજ્યો જેવું બની ચૂક્યુ છે. ૩૧ ઓક્ટોબરથી જ્મ્મુ અને કાશ્મીર બે અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા છે. બંને જગ્યાએ ઉપરાજ્યપાલ શાસન વ્યવસ્થા સંભાળી રહ્યા છે. હાલ જમ્મુ કાશ્મીરમાં એક વિધાનસભાની જોગવાઈ છે, પરંતુ તેની સ્થિતિ દિલ્હી અને પુડ્ડુચેરી જેવી છે.
ટ્રિપલ તલાક નાબૂદ : આ વર્ષે ફરી સત્તા મેળવ્યા બાદ મોદી સરકારનો સૌથઈ મોટો નિર્ણય ત્રિપલ તલાક કાયદો બનાવવાનો રહ્યો. ગત વખતે ૨-૨ વાર લોકસભામાં બિલ પાસ થયા બાદ રાજ્યસભામાં અટવાયુ હતુ. પરંતુ આ વર્ષે ટ્રિપલ તલાક જુલાઈ મહિનામાં બંને સદનમાં પાસ થયું અને છેલ્લા છ મહિનાથી તે કાયદો લાગુ છે. આ કાયદો બન્યા બાદ મુસલમાનોમાં એક સાથે અથવા ઈન્સટન્ટ ત્રિપલ તલાક આપવાની પ્રથા ગેરકાયદે બની ચૂકી છે. તીન તલાક બોલવું, લખવુ, સંદેશમાં કે વ્હોટ્સ એપ કરવું ગેરકાયદે છે. પત્નીને ત્રિપલ તલાક આપનાર કોઈપણ વ્યક્તિને ત્રણ વર્ષની જેલની સજા ઉપરાંત દંડ થઈ શકે છે.
૨૦૧૯ની લોકસભા ચૂંટણી : આ વર્ષે એપ્રિલ-માં દેશમાં સામાન્ય ચૂંટણી થઈ. નેરન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપે પૂર્ણ બહુમત સાથે ૨૦૧૪ કરતા વધુ સાંસદો સાથે જીત મેળવી. આ વર્ષે લોકસભા ચૂંટણીમાં ફક્ત ભાજપે જ એકલા હાથે ૩૦૩ બેઠકો જીતી. ૨૩ મેના રોજ આવેલા પરિણામ બાદ ૩૦ મેના રોજ મોદી સરકારે શપથ લીધી. આ બહુમતના દમ પર મોદી સરકારે બીજા કાર્યકાળમાં મોટા નિર્ણયો કર્યા છે. લોકસભા ચૂંટણીની સાથે જ ઓડિશા, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી પણ થઈ.
ભાજપે પાંચ રાજ્યોમાંથી સત્તા ગુમાવી : આ વર્ષે ભાજપને રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તિસગઢ જેવા મોટા રાજ્યોમાં હારનો સામનો કરવો પડયો હતો. આંધ્રપ્રદેશમાં ભાજપે ટીડીપી સાથે ગઠબંધન તોડી નાખ્યું અને સરકારથી અલગ થઈ ગઈ, જમ્મુ કાશ્મીરમાં પણ પીડીપી સાથે ગઠબંધન તોડી નાખ્યું અને સત્તા ગુમાવી. આ વર્ષે ઝારખંડ અને મહારાષ્ટ્ર પણ ભાજપના હાથમાંથી સરકી પડ્યા. આ સાથે જ ભાજપે આ વર્ષે પાંચ રાજ્યોમાં સત્તા ગુમાવી. હવે વર્તમાન સમયમાં ભાજપ જે રાજ્યોમાં હાલ ગઠબંધન સાથે કે પોતાની રીતે સત્તા પર છે તેમાં બિહાર, આસામ, અરૂણાચલ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ, કર્ણાટક, મણીપુર, મેઘાલય, ત્રિપુરા, મિજોરમ, નાગાલેંડ, સિક્કિમ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. જોકે હાલ જે રાજ્યોમાં ભાજપની સત્તા છે તેમાં નાના રાજ્યોની સંખ્યા વધુ છે જ્યારે મોટા રાજ્યો ગણ્યાગાઠયા જ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
