Not Set/ #Flashback 2019: વર્ષ દરમિયાન દેશમાં ઘટી આવી મહત્વપૂર્ણ ઘટના – પાર્ટ : 2

૨૦૧૯ વર્ષ ભારતનાં ઈતિહાસમાં નોંધનીય બની રહ્યું, વિદાઇમાન વર્ષ 2019, ભારતીય રાજકારણ થી લઇ ને સામાજીક તેમજ ધાર્મિક, આર્થિક જેવા અનેક ક્ષેત્રોમાં આવેલા કે કરવામાં આવેલા પરિવર્તન માટે ઇતિહાસનાં પનામાં હમેંશા નોંધનીય રહેશે. વર્ષ 2019 માં એવી એવી ઘટનાઓએ આકાર લીધો કે, માણસોને ક્યારેક હાશકારો અપાવ્યો તો ક્યારેક હચમચાવી નાખ્યા, તો ક્યારેક  હેરાન પણ કરી […]

Uncategorized
major event india 2019 #Flashback 2019: વર્ષ દરમિયાન દેશમાં ઘટી આવી મહત્વપૂર્ણ ઘટના - પાર્ટ : 2

૨૦૧૯ વર્ષ ભારતનાં ઈતિહાસમાં નોંધનીય બની રહ્યું, વિદાઇમાન વર્ષ 2019, ભારતીય રાજકારણ થી લઇ ને સામાજીક તેમજ ધાર્મિક, આર્થિક જેવા અનેક ક્ષેત્રોમાં આવેલા કે કરવામાં આવેલા પરિવર્તન માટે ઇતિહાસનાં પનામાં હમેંશા નોંધનીય રહેશે. વર્ષ 2019 માં એવી એવી ઘટનાઓએ આકાર લીધો કે, માણસોને ક્યારેક હાશકારો અપાવ્યો તો ક્યારેક હચમચાવી નાખ્યા, તો ક્યારેક  હેરાન પણ કરી મૂક્યા અને ક્યારેક હરખમાં લાવી દીધા.

        મોટર વાહન સુધારા કાયદો : નવો વ્હીકલ એક્ટ ૧ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ લાગુ થયો. વાહન ચલાવતી વખતે નિયમોના ઉલ્લંઘન પર લાગતા દંડોમાં ૧૦ ગણો કે અમુક બાબતોમાં તેનાથી પણ વધુ વધારો કરી દેવામાં આવ્યો. મોટર વાહન કાયદાને કડક કરવાનો હેતુથી માર્ગ અકસ્માતમાં થતા મોત અને ઘાયલ લોકોની સંખ્યા ઘટાડવાનો છે. જેમ કે નવા નિયમો હેઠળ હેલમેટ વિના ટુ વ્હીલર ચલાવવા પર લાગતો દંડ ૧૦૦ રૂપિયાથી વધારીને ૧૦૦૦ રૂપિયા, સીટ બેલ્ટ નહિ લગાવવાનો દંડ ૧૦૦૦ રૂપિયા, નક્કી કરેલ સીમાથી વધુ સ્પીડમાં ગાડી ચલાવવા પર દંડ ૫૦૦ રૂપિયાથી વધારીને ૧૦,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે. આ રીતે વેલિડ લાયસન્સ વિના ગાડી ચલાવવા પર દંડ ૫,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે. આ રીતે કોઈ સગીર ગાડી ચલાવતા પકડાઈ જાયતો તેના ગાર્ડિયન કે વાહન માલિક પર ૨૫,૦૦૦ રૂપિયા દંડ અને ત્રણ વર્ષની જેલની જોગવાઈ છે. જ્યારે પ્રદૂષણ ફેલાવતા વાહનો પર ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ લગાવવાની જોગવાઈ છે. જો કે ઘણા રાજ્યોએ પોતાના અધિકાર ક્ષેત્રવાળા વિષયોમાં દંડની રકમ ઘટાડી દીધી છે.

        બેંકોનુ વિલય : ૩૦ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ સરકારે ૧૦ સરકારી બેંકોના વિલય કરીને ચાર મોટી બેંકોના રચનાની ઘોષણા કરી. આ નિર્ણય બાદ ૨૦૧૭માં દેશમાં જે સરકારી બેંકોની સંખ્યા ૨૭ હતી તે ઘટીને ૧૨ રહી ગઈ. સરકારે આ પગલા નૉન પર્ફોર્મિંગ અસેટ્સ (એનપીએ) સાથે ઝઝૂમી રહેલ સરકારી બેંકોને રાહત પહોંચાડવા અને બેંક ઉપભોક્તાઓને સારી સુવિધાઓ આપવાના હેતુથી કર્યો છે. આ ઉપરાંત સરકારે સરકારી બેંકોનો પાયો મજબૂત કરવા માટે ૫૫,૨૫૦ કરોડ રૂપિયાની મદદ કરવાની પણ ઘોષણા કરી.

        આતંકવાદ વિરોધી કાયદો : આતંકવાદ સામે ઝીરો ટૉલરન્સ નીતિ હેઠળ આતંકવાદ વિરોધી કાયદો ૧૪ ઓગસ્ટે આખા દેશમાં લાગુ કરવામાં આવ્યો. સંસદના બંને ગૃહોમાં પાસ થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આના પર મહોર લગાવી. આ કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિ આતંકવાદી ઘોષિત કરવા અને તેની સંપત્તિઓ જપ્ત કરવાની જોગવાઈ છે. ધ અનલૉફૂલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) અમેન્ડમેન્ટ એક્ટ, ૨૦૧૯ હેઠળ ઘોષિત આતંકીની ક્યાંય અવરજવર પર પ્રતિબંધ લગાવવાની પણ જોગવાઈ છે.

        એન્ટી સેટેલાઈટ મિસાઈલનું સફળ પરીક્ષણ : આ વર્ષે ૨૭ માર્ચના રોજ ભારતે એન્ટી સેટેલાઈટ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. ભારતનું આ પ્રકારનું આ પહેલું પરીક્ષણ હતું. જે અંતર્ગત ભારતીય મિસાઈલે અંતરિક્ષમાં લો ઓર્બિટમાં રહેલા ટાર્ગેટને સફળતા પૂર્વ વીંધી નાખ્યો જે લગભગ ૩૦૦ કિલોમીટર દૂર હતો. પ્રધાનમંત્રી મોદીજીએ આ સફળ પરીક્ષણની જાહેરાત કરતા તેને મિશન શક્તિ નામ આપ્યું.

        પાકિસ્તાનથી અભિનંદનની વાપસી : લગભગ ૬૦ કલાક પાકિસ્તાનમાં રહ્યા બાદ ૧ માર્ચે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન સકુશળ ભારત પરત આવ્યા. ૨૭ ફેબ્રુઆરીએ પાકિસ્તાની ફાઈટર જેટ ભારતીય વાયુસીમામાં ઘૂસી આવ્યા અને ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની ફાઈટર જેટને લલકાર્યા. ત્યારે મિગ ૨૧ સંભાલી રહેલા વિંગ કમાન્ડર અભિનંદને પોતાની બહાદુરી અને કુશળતા સાથે પાકિસ્તાનના વિમાન એફ ૧૬ને તોડી પાડ્યું. જો કે આ ફાઈટ દરમિયાન તેમનું મિગ ૨૧ ક્રેશ થયું અને અભિનંદન સરહદ પાર પાકિસ્તાન પહોંચી ગયા. જ્યાં તેમની અટકાયત કરવામાં આવી.

        એરસ્ટ્રાઈક : જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPF કેમ્પ પર થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ ૨૬ ફેબ્રુઆરીની રાતે પાકિસ્તાની સરહદમાં ઘૂસે બાલાકોટમાં આવેલા જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પોનો સફાયો કરી નાખ્યો. જેને એર સ્ટ્રાઈકનું નામ અપાયું અને ૩૦૦થી વધુ આતંકીઓ ઠાર થયાના હેવાલ હતા, જો કે પાકિસ્તાને આ ઘટનાને સમર્થન નથી આપ્યું. જો કે પહેલા તો પાકિસ્તાને કહ્યું કે જંગલમાં કેટલાક ઝાડ તબાહ થયા, પરંતુ બાદમાં ઈમરાન કહેતા દેખાયા કે ભારત બાલાકોટથી પણ મોટો હુમલો કરવાની તૈયારીમાં છે.

        પુલવામામાં આતંકી હુમલો : આ વર્ષનો સૌથી મોટો આતંકી હુમલો ૧૪ ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયો. જૈશ એ મોહમ્મદના ફિદાયીન હુમલાખોરે કારથી CRPFની એક વેનને ઉડાવી દીધી. જેમાં CRPFના ૪૦ જવાનો શહીદ થયા. આ ઘનટાના ૧૩ દિવસની અંદર ભારતે બાલાકાતોમાં પાકિસ્તાની આતંકીઓનો સફાયો કરી નાખ્યો.

        હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર કેસ : ૨૭ નવેમ્બરની મોડી રાત્રે હૈદરાબાદમાં ચાર લોકોએ મહિલા ડોક્ટર સાથે હેવાનિયતની હદ પાર કરી તેના પર ગેંગરેપ કર્યો અને અને પછી તેની ક્રૂર હત્યા કરી હતી. આ મામલે દેશભરમાં ઉગ્ર વિરોધ થતા પોલીસ હરકતમાં આવી અને ચારેય આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસ આરોપીને ક્રાઈમ સીન રિક્રિએટ માટે લઈ ગઈ હતી પરંતુ ચારેય આરોપીઓએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તમામ આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા.

        ઉન્નાવ બળાત્કાર અને હત્યા કેસ : ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં આરોપીઓએ બળાત્કારનો ભોગ બનેલી યુવતીને જીવતી સળગાવી મારવાની કોશિશ કરી. યુવતીને ગંભીર હાલતમાં દિલ્હી લાવવામાં આવી હતી. યુવતી ૯૦% ગંભીર રીતે દાઝી હતી. ડોકટરોની ટીમ સતત નજર રાખી રહી હતી પરંતુ તેને બચાવી શકાય નહીં.

      બિહારના બક્સરમાં હૈદરાબાદની ઘટનાનું પુનરાવર્તન : બિહારના બક્સરમાં હૈદરાબાદ બળાત્કાર અને હત્યાની ઘટનાનું બીજે જ દિવસે પુનરાવર્તન થયું. અહીં પણ બળાત્કાર ગુજાર્યા બાદ મહિલાને પેટ્રોલ છાંટીને સળગાવી દેવામાં આવી. બળાત્કાર ગુજાર્યા બાદ મહિલાને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ પેટ્રોલથી સળગાવી દેવામાં આવી હતી

        દિલ્હીની અનાજ મંડી આગ : દિલ્હીની અનાજ મંડી રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર મકાનમાં ચાલતી ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી હતી. આ મકાનમાં સૂતેલા ૫૯ લોકોમાંથી ૪૩ લોકો મૃત્યુ પામ્યા હતા જેમાંથી ૨૫ લોકો બિહારના રહેવાશી હતા. આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી.

        સુરત ટ્યુશન ક્લાસ આગ : સુરતના સરથાણમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં બીજા માળે આગ લાગી હતી. આ આગ એ.સી.માં ટેકનીકલ ખામી સર્જાતા લાગી હતી. આગ લાગી ત્યારે અહી ટ્યુશન ક્લાસીસ ચાલતા હતા જેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. આગમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ બીજા માળેથી છલાંગ લગાવી હતી જેના કારણે ૧૦ વિદ્યાર્થીઓના મોત નીપજ્યાં હતા. ૧૨ વિદ્યાર્થીઓના આગમાં ગૂંગળાઈ જવાથી મોત થયા હતા.

        બિહાર-ઉત્તર પ્રદેશમાં ભયંકર પૂર : ચાલુ વર્ષે બિહાર-ઉત્તર પ્રદેશમાં ભયંકર પૂર આવ્યું હતું જેમાં ૧૦૦થી વધુ લોકોનાં મોત થયા હતા. પૂરના કારણે બંને રાજ્યોમાં રેલવે, પરિવહન, સ્વાસ્થ્ય સવલતો, સ્કૂલ, કૉલેજ અને વીજળી વ્યવસ્થા પ્રભાવિત થયાં હતા. પૂરની સૌથી વધારે અસર પટનામાં જોવા મળી હતી અને મોટા ભાગના રહેણાક વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

        મુંબઈના CST સ્ટેશન પાસે ફૂટ ઓવર બ્રિજ તૂટી પડ્યું : મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન પાસે આવેલા ફૂટ ઓવર બ્રિજ અચાનક તૂટી પડ્યું હતું. પ્રાથમિક જાણકારી પ્રમાણે સીએસટી સ્ટેશન પાસે ફૂટ ઓવર બ્રિજ પડવાના કારણે ૬ લોકો મોતને ભેટ્યા અને ૩૪ કરતાં પણ વધુ લોકોને ઈજા પહોંચી હતી. આ ઘટના સાંજે ૭.૩૦ વાગ્યાની આસપાસ બની હતી. પીક અવર્સ હોવાના કારણે પુલની નીચે મોટી સંખ્યામાં લોકો હતા.

        ચેન્નઈમાં પાણીની સમસ્યા : ચેન્નઈમાં ૪૬ લાખ લોકો પાણી માટે તરસ્યા હતા. ૪ મહિનાથી પીવાના પાણીના સંકટનો સામનો કરી રહેલા ચેન્નઈમાં ટ્રેન દ્વારા પાણી પહોચાડવામાં આવ્યું હતું. આ ટ્રેન વેલ્લોરના જોલારપેટ્ટઈથી ૫૦ ડબામાં ૨૫ લાખ લિટર પાણી લઈને પહોંચી હતી. આ ટ્રેન જોલારપેટ્ટઇથી ૨૨૦ કિમી દૂર ચેન્નઈ સુધી ૪ ફેરામાં ૧૦ લાખ લિટર પાણી લઈને પહોંચી હતી. ૧૮ વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે રાજ્યમાં ક્યાંક ટ્રેનથી પાણી પહોંચાડાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.