Bhesan News: આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને પછી પક્ષ છોડીને ભાજપમાં જોડાયેલા ભૂપત ભાયાણીને ભાજપે કદ પ્રમાણે વેતરી નાખ્યા છે. પક્ષપલટો તેમને ફળ્યો નથી. જૂનાગઢની ભેંસાણ જિલ્લા પંચાયતની સીટ ભૂપત ભાયાણીએ ગુમાવી છે. પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની 1700 મતથી હાર થઈ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ રૂપારેલિયાએ તેમની સામે વિજય મેળવ્યો છે.
આમ ભૂપત ભાયાણીના પક્ષપલટાને પ્રજાએ સ્વીકાર્યો નથી. ભાજપે આમ પણ તેમને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ આપીને તેમને ડિગ્રેડ કર્યા હતા. હવે તેમનો પરાજય થતા તેમને રાજકીય કદ મુજબ વેતરી નાખવામાં આવ્યુ હોવાનું મનાય છે. હવે તે કયા મોઢે ધારાસભ્ય તરીકેની ટિકિટ માંગવા જઈ શકશે તે મોટો સવાલ છે. તેમનો થયેલો પરાજય ટૂંકા સ્વાર્થ માટે પક્ષપલટો કરનારા ઉમેદવારો માટે એક બોધપાઠ છે.
સુરત આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠિયાનો પરાજય થયો છે. આમ આદમી પાર્ટી માટે આ મોટો ઝાટકો માનવામાં આવે છે. મનોજ સોરઠિયા આમ આદમી પાર્ટીનું સુરતમાં મોટું માથુ ગણાય છે. આ બતાવે છે કે સુરતમાં આમ આદમી પાર્ટીને યાદવાસ્થળી નડી ગઈ છે. આ પરિણામ ગોપાલ ઇટાલિયા માટે પણ મોટો ઝાટકો છે. આના પગલે સુરતમાં સારો દેખાવ કરવાની આમ આદમી પાર્ટીની આશા પર પાણી ફરી વળ્યું છે.
આ પહેલાં રાજકોટમાં ભાજપને જંગલેશ્વરમાં ડિમોલિશન નડ્યું હતું. તેના કારણે વોર્ડ નંબર-16માં કોંગ્રેસની આખી પેનલ જીતી હતી. આ બતાવે છે કે વિકાસના કામ કરવા જતા અને અતિક્રમણ દૂર કરવાના પ્રયત્નોમાં તંત્ર ક્યાંકને ક્યાંક સ્થાનિકોના આક્રોશનો પણ ભોગ બની રહ્યુ છે, પછી ભલેને તે કામ ગેરકાયદેસરનું કેમ ન હોય. આ બતાવે છે કે ગરીબોની હાય તેને લાગી છે. આના પગલે સ્વાભાવિક રીતે ભાજપે આંચકો અનુભવ્યો હતો. રાજકોટ સૌરાષ્ટ્રમાં આમ પણ ભાજપનો ગઢ માનવામાં આવે છે અને તેમાં ભાજપની આખી પેનલ સાફ થશે તેની બરોબર નોંધ લેવામાં આવશે.
આ પહેલા ભુજ નગરપાલિકામાં AIMIMની એન્ટ્રી થઈ છે. આખા ગુજરાતમાં બીજે ક્યાંય નહીં પણ ભુજ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં AIMIMની આખી પેનલ જીતી ગઈ છે. આમ ગુજરાતના રાજકારણમાં હવે AIMIMની એન્ટ્રી થઈ છે. આમ ગુજરાતના રાજકારણમાં હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત નવું જ રાજકીય પરિબળ ઉમેરાયું છે. આમ ગુજરાતનું રાજકારણ આગામી દિવસોમાં ત્રિકોણીય જંગથી ચતુષ્કોણીય બનશે તો આશ્ચર્ય નહીં થાય.
આ પહેલા પોરબંદર જિલ્લાની કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર 6 ની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા છે. આ ચૂંટણીમાં ધારાસભ્ય કાંધલ જાડેજાનો જાદુ અકબંધ રહ્યો. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રભીબેન કાનાભાઈ રાયગા સાથે મળીને તેમની પેનલે આ બેઠક પર જંગી વિજય મેળવ્યો, વિરોધી પક્ષોને સંપૂર્ણપણે હરાવ્યા. આ બતાવે છે કે કુતિયાણામાં ભાજપ કે કોંગ્રેસ નહી પણ કાંધલ જાડેજાનું જ વર્ચસ્વ છે.
આ ઉપરાંત કાંધલ જાડેજાએ વર્ષોથી કુતિયાણા નગરપાલિકા પર મજબૂત પકડ જાળવી રાખી છે. આ પેટાચૂંટણીને પ્રતિષ્ઠાની લડાઈ પણ માનવામાં આવતી હતી. જોકે, પરિણામોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કુતિયાણામાં કાંધલ જાડેજાની પેનલ સામે જીત મેળવવી વિરોધી પક્ષો માટે મુશ્કેલ કાર્ય છે. સમાજવાદી પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડનારા રાભીબેન રાયગાએ મતદારોનો વિશ્વાસ સફળતાપૂર્વક જીતી લીધો છે.
આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીમાં મતદાન વચ્ચે બહિષ્કાર! ‘કટ નહીં તો મત નહીં’ના નારા
આ પણ વાંચો: ગાંધીનગરની દહેગામ નગરપાલિકા ચૂંટણી દરમ્યાન EVM ખોટવાયું
આ પણ વાંચો: ભાવનગરમાં AAP સમર્થનના પોસ્ટર વાયરલ! ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું
