કોંગ્રેસ પક્ષને પશ્ચિમ બંગાળમાં મોટો ઝટકો લાગ્યો છે. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના દિવંગત નેતા પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જી સોમવારે શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા. નોંધનીય છે કે અભિજિત તેમના પિતાની બેઠક જંગીપુરથી બે વાર લોકસભા સાંસદ રહી ચૂક્યા છે. જોકે, 2019 માં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ, ટીએમસીમાં જોડા્યા બાદ કહ્યું, મમતા બેનર્જીએ જે રીતે ભાજપના તાજેતરના સાંપ્રદાયિક લહેરને અટકાવ્યો, મને ખાતરી છે કે ભવિષ્યમાં તે અન્ય લોકોના ટેકાથી દેશભરમાં આવું કરી શકશે.
તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ સિવાયના કોઈપણ જૂથ અથવા પોસ્ટમાં મને સામેલ કરવામાં આવ્યો ન હતો. તેથી, હું સૈનિક તરીકે ટીએમસીમાં જોડાયો છું અને પાર્ટીના નિર્દેશો મુજબ કાર્ય કરીશ. હું અખંડિતતા અને ધર્મનિરપેક્ષતા જાળવવાનું કામ કરીશ. ઉલ્લેખનીય છે કે કોગ્રેસના દિગ્ગજ નેતા ટીએમસી પાર્ટી માં જોડાતા બંગાળમાં કોંગ્રેસની હાલત અતિ ગંભીર થઇ ગઇ છે.
