Gandhinagar News/ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા તબીબો પર તવાઈ, ગુજરાતભરમાં 298 ટીમોના દરોડા

Fake Doctor Raid: ગુજરાતમાં આરોગ્ય વિભાગની મેગા ડ્રાઇવમાં 15 દિવસમાં 38 શંકાસ્પદ બોગસ ડોક્ટરો ઝડપાયા. રાજકોટમાં 17 અને સુરતમાં 9 સામે કાર્યવાહી, 35 FIR નોંધાઈ.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Fake Doctor Raid: ગુજરાતમાં 15 દિવસમાં 38 બોગસ ડોક્ટરો ઝડપાયા

Gandhinagar News: ગુજરાતમાં ડિગ્રી વિના ગેરકાયદે ક્લિનિક ચલાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરો સામે આરોગ્ય વિભાગે રાજ્યવ્યાપી કાર્યવાહી હાથ (Fake Doctor Raid) ધરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ છેલ્લા 15 દિવસથી ચાલેલી મેગા ડ્રાઇવ દરમિયાન રાજ્યભરમાંથી 38 શંકાસ્પદ તબીબો ઝડપાયા છે. તેમાંથી 35 સામે FIR નોંધવામાં આવી છે. આ કાર્યવાહી માટે આરોગ્ય વિભાગે પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને SOGની મદદથી કુલ 298 ટીમો બનાવી હતી.

Fake Doctor Raid: રાજકોટમાં સૌથી વધુ 17, સુરતમાં 9 શંકાસ્પદ તબીબો ઝડપાયા

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે અમદાવાદ, સુરત, રાજકોટ સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં સંયુક્ત ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં રાજકોટમાંથી સૌથી વધુ 17 શંકાસ્પદ બોગસ ડોક્ટરો (Rajkot Fake Doctors) ઝડપાયા છે. જ્યારે સુરતમાંથી 9, ગીર સોમનાથમાંથી 3 અને સુરેન્દ્રનગરમાંથી 2 સામે કાર્યવાહી કરવામાં આવી છે. અન્ય વિસ્તારોમાંથી પણ શંકાસ્પદ તબીબો ઝડપાયા હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.

જિલ્લાવાર ખાસ કમિટીઓ બનાવી દરોડા

બોગસ તબીબોની પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવા માટે જિલ્લાવાર ખાસ કમિટીઓની રચના કરવામાં આવી છે. આ કમિટીઓ બાતમીના આધારે ગેરકાયદે ક્લિનિક અને દવાખાનાં પર દરોડા પાડે છે. તેમાં તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ હેલ્થ ઓફિસર, પોલીસ PSI, પોલીસ હેડ કોન્સ્ટેબલ, મલ્ટીપર્પસ હેલ્થ સુપરવાઇઝર, તાલુકા હેલ્થ કચેરીના સિનિયર ક્લાર્ક અને સંબંધિત વિસ્તારના તલાટી-કમ-મંત્રીનો સમાવેશ થાય છે.

દરોડાની જાણ થતાં ક્લિનિક બંધ કરી કેટલાક ફરાર

મેગા ડ્રાઇવ (Gujarat Health Department) દરમિયાન કેટલીક જગ્યાએ તપાસ ટીમો પહોંચે તે પહેલાં જ શંકાસ્પદ તબીબો ક્લિનિક અને દવાખાનાં બંધ કરીને ફરાર થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. આવા લોકોની ઓળખ કરીને તેમને પકડવા માટે આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા શોધખોળ તથા સર્વેલન્સની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

દિવાળી બાદ પણ ઝુંબેશ ચાલુ રહેશે

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ કર્યું છે કે દિવાળી અને તહેવારો બાદ પણ બોગસ ડોક્ટરો સામેની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. નાગરિકો, NGO અને સ્થાનિક આગેવાનોને તેમના વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરતી જણાય તો નજીકના PHC, CHC, પોલીસ સ્ટેશન અથવા SOGને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

મંત્રીએ નાગરિકોને સારવાર લેતી વખતે તબીબની લાયકાત અને નોંધણી ચકાસવાની સલાહ પણ આપી છે. તેમના જણાવ્યા મુજબ, સરકારી હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નિઃશુલ્ક સારવાર, દવાઓ અને લેબોરેટરી ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતી વખતે પણ માન્ય તબીબી ડિગ્રી ધરાવતા રજિસ્ટર્ડ તબીબ પાસે જ સારવાર લેવી જોઈએ.


આ પણ વાંચો: સુરતમાં બોગસ ડોક્ટરો સામે તવાઈ! ડીંડોલી-નવાગામમાં 9 ઝડપાયા

આ પણ વાંચો: સુરત બન્યું બોગસ ડોક્ટરોનું હબ

આ પણ વાંચો: ગૃહ રાજ્યમંત્રીનાં હોમ ટાઉન સુરતમાં સૌથી વધુ વરઘોડા : બોગસ ડોક્ટરો બનાવનાર,હત્યારા, અપહરણકર્તાને ખાખીનો પરચો