Ahmedabad News: અમદાવાદના ઐતિહાસિક વારસાને સંગીત, કલા અને સંસ્કૃતિના માધ્યમથી ઉજાગર કરવા ‘ક્રાફ્ટ ઓફ આર્ટ’ (Craft of Art) દ્વારા વર્લ્ડ હેરિટેજ સપ્તાહ નિમિત્તે બે વિશેષ કાર્યક્રમોનું (Bhadra Festival Ahmedabad) આયોજન કરવામાં આવ્યું છે. 12 વર્ષના વિરામ બાદ 19 નવેમ્બરે ભદ્ર વિસ્તારમાં ‘ભદ્ર ફેસ્ટિવલ’ યોજાશે. જ્યારે 25 નવેમ્બરે અમદાવાદની ત્રણ ઐતિહાસિક વાવમાં ‘વોટર હેરિટેજ સિરીઝ’ (Water Heritage Series) અંતર્ગત સંગીત, કવિતા અને નૃત્યની રજૂઆતો થશે. બંને કાર્યક્રમોનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
Bhadra Festival Ahmedabad: 19 નવેમ્બરે ભદ્ર ફેસ્ટિવલ: સાંજે 4 વાગ્યાથી કાર્યક્રમો
વર્ષ 2014માં પ્રથમ વખત યોજાયેલા ભદ્ર ફેસ્ટિવલનું 12 વર્ષ બાદ ફરી આયોજન થઈ રહ્યું છે. ભદ્ર કિલ્લો, પ્રેમાભાઈ હોલ પરિસર અને ભદ્ર પ્લાઝા ખાતે સાંજે 4 વાગ્યાથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તેમાં સંગીત, નાટ્યકલા, વાર્તાકથન, લોકપરંપરા અને વિઝ્યુઅલ આર્ટ્સની રજૂઆતો જોવા મળશે. સાંજે 7:15 વાગ્યે ત્રણ દરવાજા ખાતે વિશેષ સંગીત સમારોહ યોજાશે.
કાર્યક્રમમાં નાથુલાલ સોલંકી અને તેમના કલાકારવૃંદ દ્વારા નગારા વાદન, વિજાનંદ તુરી દ્વારા રાવણહથ્થાની રજૂઆત, સિદી ગોમા ડાન્સ ગ્રૂપ દ્વારા સિદી ધમાલ, મહારાષ્ટ્રના ઇનક્રેડિબલ મલ્લખંબ ગ્રૂપ દ્વારા મલ્લખંબ અને નિસર્ગ ત્રિવેદી તથા તેમના કલાકારવૃંદ દ્વારા નાટ્યસંગીત રજૂ કરવામાં આવશે.
કઠપૂતળી પરેડથી દાસ્તાનગોઈ સુધીની રજૂઆતો
નાટ્યકલા અને વાર્તાકથનના ભાગરૂપે દાદી પુદુમજીના ઇશારા પપેટ થિયેટર દ્વારા વિશાળ કઠપૂતળીઓની પરેડ યોજાશે. આ ઉપરાંત ‘દાસ્તાન-એ-દરવાજા’ અંતર્ગત દાસ્તાનગોઈ અને પરંપરાગત ગુજરાતી કથાપ્રસ્તુતિ ‘ભદ્રાખ્યાન’ પણ રજૂ કરવામાં આવશે.
ભદ્રના ઇતિહાસ અને સાંસ્કૃતિક ઓળખને ઉજાગર કરવા ત્રણ વિશેષ પ્રદર્શનોનું આયોજન કરાયું છે. ભદ્ર કિલ્લા ખાતે ‘હિસ્ટ્રી ઓફ ભદ્ર’ નામે ઐતિહાસિક તસવીરોનું પ્રદર્શન યોજાશે. પ્રેમાભાઈ હોલના પ્રવેશખંડમાં માનવિતા બારાડી દ્વારા તૈયાર કરાયેલું ‘રંગ સ્મૃતિ: ધ લિવિંગ આર્કાઇવ્સ ઓફ ગુજરાતી થિયેટર’ પ્રદર્શન જોવા મળશે. જ્યારે વિનય પંજવાણીની તસવીરોનું ખુલ્લી જગ્યામાં ‘ભદ્ર અનપોઝ્ડ’ પ્રદર્શન યોજાશે.
આ ઉપરાંત ભદ્ર કિલ્લાના બહારના ભાગે પ્રોજેક્શન મેપિંગ, આધુનિક કાઇનેટિક આર્ટ ઇન્સ્ટોલેશન અને પ્રેમાભાઈ હોલની બહાર માતાની પછેડીથી પ્રેરિત દૃશ્ય રજૂઆત પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.
ત્રણ દરવાજા ખાતે ઉસ્તાદ ફઝલ કુરેશી અને ઉસ્તાદ શુજાત ખાનની સંગીતમય સાંજ
ત્રણ દરવાજા ખાતે યોજાનારા સંગીત સમારોહમાં ઉસ્તાદ ફઝલ કુરેશી તબલા પર રજૂઆત કરશે. તેમની સાથે જ્યોર્જ બ્રૂક્સ (સેક્સોફોન), શેલ્ડન ડિસિલ્વા (બેસ), અરુણ કુમાર (ડ્રમ્સ) અને રાહુલ વાધવાણી (કીબોર્ડ્સ) સંગત આપશે. ત્યારબાદ ઉસ્તાદ શુજાત ખાન સિતારવાદનની રજૂઆત કરશે, જેમાં તબલા પર અમિત ચૌબે અને સપન અંજારિયા સંગત કરશે. કાર્યક્રમનું સંચાલન માનવ ગોહિલ કરશે.
‘ક્રાફ્ટ ઓફ આર્ટ’નાં સ્થાપક અને આર્ટિસ્ટિક ડિરેક્ટર બિરવા કુરેશીએ જણાવ્યું હતું કે, 12 વર્ષ બાદ ભદ્રમાં પાછા ફરવું તેમના માટે વિશેષ પ્રસંગ છે. ભદ્રનું સ્થાપત્ય, નાટ્યકલા, સંગીત, પરંપરાઓ અને રોજિંદું જીવન આ વિસ્તારને આગવી ઓળખ આપે છે. ફેસ્ટિવલના માધ્યમથી લોકો વર્ષોથી ઓળખતા સ્થળોને એક નવા અંદાજમાં અનુભવી શકે તેવો પ્રયાસ છે.
25 નવેમ્બરે ત્રણ ઐતિહાસિક વાવમાં ‘વોટર હેરિટેજ સિરીઝ’
ભદ્ર ફેસ્ટિવલ બાદ 25 નવેમ્બરે અમદાવાદની ત્રણ ઐતિહાસિક વાવમાં ‘વોટર હેરિટેજ સિરીઝ’ યોજાશે. આ કાર્યક્રમમાં પરોઢથી સાંજ સુધી સંગીત, કવિતા અને નૃત્યની વિવિધ રજૂઆતો કરવામાં આવશે.
સવારે 6:30 વાગ્યે જેઠાભાઈની વાવ ખાતે ‘વાવ સૂર’ કાર્યક્રમમાં પંડિત જયતીર્થ મેવુન્ડી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની ગાયન રજૂઆત કરશે. ત્યારબાદ સવારે 11 વાગ્યે અમૃતવર્ષિણી વાવ ખાતે ‘વાવ વાર્તા’ કાર્યક્રમ યોજાશે. તેમાં સૌમ્ય જોશી અને અનિલ ચાવડા કાવ્યપાઠ કરશે, જ્યારે ભરતનાટ્યમ નૃત્યાંગના પ્રાચી સાથી નૃત્યની વિશેષ રજૂઆત કરશે.
સાંજે 7 વાગ્યે દાદા હરીરની વાવ ખાતે ‘વાવ તરંગ’ કાર્યક્રમ યોજાશે. તેમાં ઉસ્તાદ ફઝલ કુરેશીના નેતૃત્વમાં સંગીત સમારોહ થશે. તેમની સાથે દિલશાદ ખાન (સારંગી), સાસ્કિયા રાવ (સેલો), ડેરા ખાન (કમાયચા), ખેતે ખાન અને ઝાકિર ખાન (ખડતાલ) રજૂઆત કરશે. હિમાલી વ્યાસ નાયક વિશેષ અતિથિ ગાયિકા તરીકે જોડાશે.
બંને કાર્યક્રમોમાં પ્રવેશ નિઃશુલ્ક
ભદ્ર ફેસ્ટિવલમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે. જોકે, ભદ્ર કિલ્લા અને ત્રણ દરવાજા ખાતે યોજાનારા કાર્યક્રમો માટે BookMyShow પર અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. અન્ય સ્થળોએ રજિસ્ટ્રેશન વિના પ્રવેશ મેળવી શકાશે. જ્યારે 25 નવેમ્બરના વોટર હેરિટેજ સિરીઝના ત્રણેય કાર્યક્રમોમાં પણ પ્રવેશ નિઃશુલ્ક રહેશે, પરંતુ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્રણેય વાવ ખાતે બેઠકો મર્યાદિત રહેશે.
વર્ષ 2010માં બિરવા કુરેશી દ્વારા સ્થાપિત ‘ક્રાફ્ટ ઓફ આર્ટ’ સંસ્થા ભારતનાં ઐતિહાસિક સ્મારકોમાં સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરતી આવી છે. સરખેજ રોજા, અડાલજની વાવ, ધોળાવીરા, ચાંપાનેર-પાવાગઢ, રાણીની વાવ, મોઢેરા, ઇલોરા અને ગોલકોંડા કિલ્લા સહિતનાં ઐતિહાસિક સ્થળોએ સંસ્થા વિવિધ કાર્યક્રમો યોજી ચૂકી છે. આ બંને કાર્યક્રમો દ્વારા અમદાવાદના સ્થાપત્ય (Ahmedabad Heritage) અને સાંસ્કૃતિક વારસાને કલા સાથે જોડીને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા તબીબો પર તવાઈ, ગુજરાતભરમાં 298 ટીમોના દરોડા
આ પણ વાંચો: નળસરોવરમાં બોટિંગ પહેલાં સુરક્ષાની તૈયારી! સ્થાનિક ઓપરેટર્સને અપાઈ લાઇફ સેવિંગ તાલીમ
આ પણ વાંચો: દિવાળી ટાણે ખાનગી ટ્રાવેલ્સની ઉઘાડી લૂંટ: રૂ. 500ની ટિકિટના 1200થી 1500 સુધી વધારાયા
