Ahmedabad News/ ‘પ્રદર્શનના નામે સ્થળ પર કબજો નહીં’: સુપ્રીમ કોર્ટની ટકોર, વિરોધ માટે સમયમર્યાદા નક્કી કરવાની વાત

Delhi Protest Case: દિલ્હીના પ્રદર્શન મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ એક સંગઠન જાહેર સ્થળ પર સતત કબજો કરી શકે નહીં. વિરોધ અને વેપારના અધિકાર વચ્ચે સંતુલન જરૂરી.

Top Stories India Breaking News
Delhi Protest Case: સુપ્રીમ કોર્ટ સક્રિય, 8 અલગ મુદ્દાઓ પર એકસાથે સુનાવણી

New Delhi News: દિલ્હીમાં ઑક્ટોબર મહિનામાં થયેલા પ્રદર્શનોને (Delhi Protest Case) લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન મંગળવારે CJI સૂર્યકાંતે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે કોઈ એક સંગઠન હંમેશાં એક જ સ્થળ પર કબજો જમાવીને પ્રદર્શન કરી શકે નહીં, કારણ કે ખેડૂતો, પત્રકારો અને અન્ય સંગઠનોને પણ વિરોધ કરવાનો અધિકાર (Right to Protest) છે. આ માટે નિર્ધારિત સમયમર્યાદા અને યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ, જેથી જાહેર સ્થળોનો ઉપયોગ દરેક સંગઠન કરી શકે.

Delhi Protest Case: વિરોધ અને વેપાર બંનેના અધિકારોનું સંતુલન જરૂરી

CJIએ જણાવ્યું હતું કે વિરોધ કરવાનો અધિકાર જેટલો મહત્ત્વનો છે, એટલો જ વેપાર કરવાનો અધિકાર પણ જરૂરી છે. પ્રદર્શન માટે એવી જગ્યા નક્કી કરવી (Public Protest Places) જોઈએ, જ્યાં વિરોધ પ્રદર્શનને કારણે સામાન્ય નાગરિકોના રોજિંદા કામકાજ અને અવરજવર પર અસર ન પડે.

વેપારીઓ તરફથી હાજર રહેલા વકીલ મુકુલ રોહતગીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે પ્રદર્શનને કારણે દુકાનો બંધ રાખવી પડે છે અને તહેવારોની મોસમમાં વેપારને નુકસાન થાય છે. તેના જવાબમાં CJIએ કહ્યું હતું કે તમામ સંબંધિત સંગઠનોને પણ આ કેસમાં પક્ષકાર બનાવવામાં આવે અને તેમનો જવાબ માંગવામાં આવે.

CJI સૂર્યકાંતની (CJI Suryakant) અધ્યક્ષતાવાળી બેન્ચ પ્રદર્શન સંબંધિત વિવિધ અરજીઓ પર સુનાવણી કરી રહી છે. તેમાં પોલીસની કાર્યવાહી, પ્રદર્શનકારીઓની અટકાયત, જાહેર સ્થળોએ અવરજવર રોકવા અને પ્રદર્શનની મંજૂરી ન આપવા સહિતના મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.

7 હજારથી વધુ લોકોની અટકાયતનો અરજીઓમાં દાવો

અરજીઓમાં દાવો કરવામાં આવ્યો છે કે 10 ઑક્ટોબરે પ્રદર્શન માટે એકત્ર થયેલા 7 હજારથી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પત્રકારો અને વકીલો સાથે મારપીટ, ઇન્ટરનેટ સેવા બંધ કરવા અને મેટ્રો સેવાઓ રોકવા જેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. અરજદારોનો આરોપ છે કે આ કાર્યવાહી દરમિયાન સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્દેશોનું પાલન થયું નહોતું.

કેન્દ્ર અને દિલ્હી પોલીસને નોટિસ, CCTV ફૂટેજ સુરક્ષિત રાખવા આદેશ

આ મામલે સુપ્રીમ કોર્ટે 15 ઑક્ટોબરે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ પાઠવી હતી. સાથે જ ઘટનાસ્થળના CCTV ફૂટેજ અને અન્ય ડિજિટલ પુરાવાઓ સુરક્ષિત રાખવાનો નિર્દેશ આપ્યો હતો.

કોર્ટે એકસરખા મુદ્દાઓ ધરાવતી અરજીઓને અલગ-અલગ શ્રેણીઓમાં વહેંચીને સંબંધિત પક્ષકારોને જવાબ રજૂ કરવા પણ જણાવ્યું હતું.

આઠ મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

પ્રદર્શન સંબંધિત અરજીઓમાં મુખ્યત્વે આઠ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. તેમાં પ્રદર્શન દરમિયાન દિલ્હીમાં મેટ્રો સ્ટેશનો બંધ કરવા અને દિલ્હી આવતી-જતી ટ્રેનોની સેવા રોકવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. 9 ઑક્ટોબરે મેટ્રો અને ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે બંધ ન કરવા અંગેના કોર્ટના નિર્દેશોનું પાલન ન થયું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

10 ઑક્ટોબરે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓની અટકાયત અને તેમની અટકાયતની કાયદેસર પ્રક્રિયા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વકીલોની અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં તેમની સાથે મારપીટ કરવામાં આવી હોવાના આરોપો સાથે જોડાયેલી અરજીઓ પણ સુનાવણી હેઠળ છે.

અરજદારો દ્વારા જંતર-મંતરને પ્રદર્શન સ્થળોની યાદીમાંથી દૂર કરવાના નિર્ણયને પણ પડકારવામાં આવ્યો છે. તેમની માગ છે કે જંતર-મંતર ખાતે ફરીથી પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવે.

દિલ્હીમાં પ્રદર્શન રોકવા માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 હેઠળ લગાવવામાં આવેલા પ્રતિબંધોના આધાર અને અમલીકરણ સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કોર્ટે આ સંબંધિત આદેશોની નકલો રજૂ કરવા જણાવ્યું છે.

પ્રદર્શન દરમિયાન રસ્તાઓ પર બેરિકેડિંગ કરીને અવરજવર રોકવા અને પોલીસ દ્વારા લગાવવામાં આવેલા અન્ય પ્રતિબંધોને પણ અરજીઓમાં પડકારવામાં આવ્યા છે. સાથે જ 11 ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓને ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં ન લેવા તેમજ મેટ્રો, ટ્રેન અને ઇન્ટરનેટ સેવાઓ સામાન્ય રાખવા આપેલા નિર્દેશોનું પાલન ન થયું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

અગાઉની સુનાવણીમાં પણ પોલીસ કાર્યવાહીને લઈને ટકોર

9 ઑક્ટોબરે કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનને લઈને થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પોલીસની વધુ પડતી કાર્યવાહી સામે ટકોર કરી હતી. CJI સૂર્યકાંતે કહ્યું હતું કે સ્થિતિને નિયંત્રિત કરવા જરૂરી પગલાં લેવાં જોઈએ, પરંતુ તેનો અર્થ એ નથી કે નાની બાબત માટે અતિશય બળનો ઉપયોગ કરવામાં આવે.

ત્યારબાદ 11 ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓની અટકાયત ન કરવા, મેટ્રો અને ટ્રેન સેવાઓ સામાન્ય રાખવા તેમજ ઇન્ટરનેટ બંધ ન કરવા અંગે નિર્દેશ આપ્યા હતા. હવે તાજેતરની સુનાવણીમાં કોર્ટે પ્રદર્શનના અધિકાર અને સામાન્ય જનજીવન તથા વેપારના અધિકારો વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.


આ પણ વાંચો: સંજય રાઉતે CJI અને સુપ્રીમ કોર્ટની માગી બિનશરતી માફી

આ પણ વાંચો: કોર્ટને ડરાવી-ધમકાવી નહીં શકાય’, CJI સૂર્યકાંતની કડક ટિપ્પણી

આ પણ વાંચો: CJI સૂર્યકાન્તે INDIA બ્લોકને મળવાનો કર્યો ઇનકાર, વિપક્ષની મુશ્કેલીઓ વધી