Ahmedabad News: અમદાવાદના નિકોલ વિસ્તારમાં ફોર્ચ્યુનર કારની અડફેટે (Fortuner Accident) માતા-પુત્રનાં મોત અને દંપતી ગંભીર રીતે ઘાયલ થવાના કેસમાં નવો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સમયે કારચાલક વિરલ ચૌધરી એકલો નહોતો, પરંતુ તેની સાથે તેનો મિત્ર સાગર પણ કારમાં સવાર હતો. બંનેએ અકસ્માત પહેલાં સાગરના ઘરે બિયર પીધી હતી. ત્યારબાદ જમવા જતી વખતે વિરલે એક હાથથી કારનું સ્ટીયરિંગ સંભાળીને બીજા હાથથી બિયરનું કેન ખોલી પીવાનું શરૂ કર્યું હતું. અકસ્માત બાદ સાગર સ્થળ પરથી ભાગી ગયો હતો. હવે તેની સામે પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Fortuner Accident: ચાલુ કારમાં બિયર પીવા લાગ્યો વિરલ
પોલીસ પૂછપરછમાં મળેલી માહિતી મુજબ, અકસ્માત (Nikol Road Accident) પહેલાં વિરલ ચૌધરી તેના મિત્ર સાગરના ઘરે ગયો હતો. ત્યાં બંનેએ સાથે બિયર પીધી હતી. ત્યારબાદ બંને ફોર્ચ્યુનર કાર લઈને જમવા માટે નીકળ્યા હતા. રસ્તામાં વિરલને નશો ઓછો લાગતાં તેણે કારમાં રાખેલા બિયરના સ્ટોકમાંથી વધુ એક કેન કાઢ્યું હતું. એક હાથથી સ્ટીયરિંગ પકડીને બીજા હાથથી બિયર પીવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન કાર પરનો કાબૂ ગુમાવતાં ફોર્ચ્યુનર સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી.
અકસ્માત બાદ મિત્ર ભીડનો લાભ લઈ ભાગી ગયો
2 નવેમ્બરની રાત્રે આશરે 9:30થી 9:45 વાગ્યાની વચ્ચે નિકોલમાં અક્ષર હોસ્પિટલ અને દેવસ્ય સ્કૂલ નજીક આ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવેલી ફોર્ચ્યુનર ફૂટપાથ પર ચડી જતાં ત્યાં ચણિયાચોળી અને સોફા કવર વેચતાં માતા પૂનમબેન જીતેન્દ્રભાઈ નગવાડિયા તથા તેમના 15 વર્ષીય પુત્ર સાગર નગવાડિયાનું મોત થયું હતું.
આ ઉપરાંત ખરીદી કરી રહેલા 34 વર્ષીય કાર્તિક વસોયા અને તેમની પત્ની સ્નેહલબેન વસોયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ટક્કર બાદ એક યુવક કારના બોનેટ અને દિવાલ વચ્ચે ફસાઈ ગયો હતો. કાર પાછળ ખસેડવી શક્ય ન હોવાથી સ્થાનિક લોકોએ કારને ઊંચકીને તેને બહાર કાઢ્યો હતો.
અકસમાત બાદ કારમાં સવાર સાગર નીચે ઊતરીને ભીડનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. જ્યારે સ્થાનિક લોકોએ કાર ચલાવી રહેલા વિરલને પકડીને પોલીસને સોંપ્યો હતો.
સાગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી
પોલીસ તપાસમાં સાગરનું નામ સામે આવ્યા બાદ હવે તેની સામે પણ પ્રોહિબિશન (Drunk Driving Ahmedabad) એક્ટ હેઠળ સહ-આરોપી તરીકે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. તપાસમાં બંનેએ સાથે બિયર પીધી હોવાની વિગતો સામે આવી છે. કારમાં બિયરનો જથ્થો હોવા અંગેની જાણ હોવા છતાં સાગરે વિરલને રોક્યો હતો કે નહીં, તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવશે.
બીજી તરફ, અકસ્માત સમયે સાગર કારમાં હાજર હોવાથી ટ્રાફિક પોલીસ તેને ઘટનાનો આઇ-વિટનેસ બનાવી તેનું નિવેદન નોંધશે. તેના નિવેદનથી અકસ્માત સમયે કાર કોણ ચલાવતું હતું અને વિરલની હરકતો અંગેની વિગતો મેળવવામાં મદદ મળી શકે છે.
મેડિકલ રિપોર્ટમાં વિરલ નશામાં હોવાની પુષ્ટિ
તપાસમાં કારચાલકની ઓળખ નાના ચિલોડામાં રહેતા 36 વર્ષીય વિરલ સવજીભાઈ ચૌધરી તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માત બાદ કરાવવામાં આવેલા મેડિકલ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે કે અકસ્માત સમયે વિરલ નશાની હાલતમાં હોવાની પુષ્ટિ થઈ છે. તપાસ દરમિયાન કારમાંથી બિયરના છ ટીન પણ મળી આવ્યા હતા.
અગાઉ પણ ઓવરસ્પીડિંગનો ઈ-મેમો મળ્યો હતો
પોલીસના જણાવ્યા મુજબ, આ જ ફોર્ચ્યુનર કારને અગાઉ પણ ઓવરસ્પીડિંગ બદલ ઈ-મેમો મળ્યો હતો. 26 ફેબ્રુઆરી, 2026ના રોજ એસ.પી. રિંગ રોડ પર કરાઈ કટ પાસેથી કાર પૂરપાટ ઝડપે પસાર થતાં ટ્રાફિક પોલીસે મેમો ફટકાર્યો હતો.
બાકરોલમાં સ્ટીલ એન્જિનિયરિંગનો વ્યવસાય કરે છે વિરલ
ટ્રાફિક પૂર્વ DCP નરેશ કણઝરિયાના જણાવ્યા મુજબ, અકસ્માત સમયે માતા-પુત્ર ફૂટપાથ પર ચણિયાચોળી અને સોફા કવર વેચી રહ્યાં હતાં. કાર્તિક વસોયા અને તેમનાં પત્ની સ્નેહલબેન ત્યાં ખરીદી કરી રહ્યાં હતાં ત્યારે વિરલની કાર ફૂટપાથ પર ચડી ગઈ હતી. તેમણે જણાવ્યું હતું કે ઈજાગ્રસ્તોમાંથી એકની હાલત ગંભીર છે અને કારચાલકનો મેડિકલ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, વિરલ બાકરોલમાં સ્ટીલ એન્જિનિયરિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે. રૂટિન મુજબ ઘરે જતી વખતે આ અકસ્માત સર્જાયો (Gujarat Road Accident) હતો. પોલીસના જણાવ્યા અનુસાર, વિરલનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ નોંધાયો નથી.
આ પણ વાંચો: અમદાવાદમાં નબીરાની ફોર્ચ્યુનરનો કહેર! ફૂટપાથ પર 4ને કચડ્યા, માતા-પુત્રનાં કરુણ મોત
આ પણ વાંચો: રાજકોટના બેડી ચોકડી પાસે એકસાથે છ ટ્રકો વચ્ચે સર્જાયો અકસ્માત, અફરાતફરીનો માહોલ, વિસ્તારમાં ચકચાર
આ પણ વાંચો: નારણપુરામાં AMTS બસ સાથે બાઇકચાલકનો ગંભીર અકસ્માત, પાછળનું ટાયર માથા પરથી ફરી વળ્યું
