Business News : ફ્રાન્સ(France)માં એક મહિલાની કિસ્મત એક જૂના લેમ્પને કારણે બદલાઈ ગઈ છે. મહિલાએ જૂના સામાનના બજારમાંથી માત્ર 20 યુરો (અંદાજે રૂ. 2,000)માં ખરીદેલો સામાન્ય દેખાતો લેમ્પ હરાજીમાં 2,51,000 યુરો (અંદાજે રૂ. 2.63 કરોડ)માં વેચાયો છે. આ લેમ્પ પ્રખ્યાત ફ્રેન્ચ સિરામિક કલાકાર જ્યોર્જ જૂવેની દુર્લભ કૃતિ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ ઘટના જાણે અલાદીનના ચિરાગની વાર્તા હકીકતમાં બની હોય તેવી ચર્ચા જગાવી રહી છે.
France: જૂના બજારમાંથી ખરીદ્યો હતો માત્ર 20 યુરોમાં લેમ્પ
આ ઘટના ઉત્તર ફ્રાન્સના વાલેન્સિયેન્સ વિસ્તારની છે. એક મહિલાએ વર્ષ 2024માં જૂની વસ્તુઓના બજારમાં ખરીદી કરતી વખતે કાળા રંગનો સિરામિક લેમ્પ પસંદ કર્યો હતો. તેની કિંમત માત્ર 20 યુરો હતી. મહિલાને લેમ્પની ડિઝાઇન ગમી હોવાથી તે તેને ઘરે લઈ આવી હતી. જોકે, તેને આ લેમ્પની અસલી કિંમત કે તેની પાછળ છુપાયેલી કલાકૃતિ વિશે કોઈ જાણકારી નહોતી.
મહિલાએ લેમ્પને ઘરના કબાટમાં મૂકી દીધો હતો. લગભગ એક વર્ષ બાદ ઘરની સાફસફાઈ દરમિયાન તેની દીકરીની નજર આ લેમ્પ પર પડી હતી. તેણે લેમ્પને ઊંચકીને જોયો તો તેના તળિયે એક ખાસ નામ કોતરેલું જોવા મળ્યું.
લેમ્પ પર મળી પ્રખ્યાત કલાકારની સહી
લેમ્પના તળિયે ‘જ્યોર્જ જૂવે’ (Georges Jouve) નામની સહી જોવા મળી હતી. જ્યોર્જ જૂવે (1910–1964) ફ્રાન્સના જાણીતા સિરામિક કલાકાર હતા. તેમની કૃતિઓ કલા સંગ્રહકર્તાઓમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે.
દીકરીએ આ સહી વિશે તપાસ કરી અને ત્યારબાદ પેરિસના હરાજી ગૃહ NEO Enchèresનો સંપર્ક કર્યો હતો. નિષ્ણાતો દ્વારા લેમ્પની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં તેની અસલિયતની પુષ્ટિ થઈ હતી અને તે જ્યોર્જ જૂવેની દુર્લભ કલાકૃતિ હોવાનું સામે આવ્યું હતું.
લેમ્પની સારી સ્થિતિ પણ તેની કિંમત વધારવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ હતી. સિરામિકની વસ્તુઓ સમય જતાં તૂટી શકે છે અથવા નુકસાન પામી શકે છે, પરંતુ આ લેમ્પ સારી સ્થિતિમાં સચવાયેલો હતો.
29 ઓક્ટોબરે યોજાઈ હરાજી, 2,51,000 યુરોની લાગી બોલી
NEO Enchères દ્વારા આ લેમ્પની અંદાજિત કિંમત 80,000થી 1,20,000 યુરો નક્કી કરવામાં આવી હતી. જોકે, 29 ઓક્ટોબર, 2026ના રોજ યોજાયેલી હરાજીમાં ખરીદદારો વચ્ચે ભારે સ્પર્ધા જોવા મળી હતી.
આખરે બે યુરોપિયન ખરીદદારો વચ્ચે બોલી લગાવવાની સ્પર્ધા ચાલી હતી અને લેમ્પની અંતિમ કિંમત 2,51,000 યુરો સુધી પહોંચી હતી. આ કિંમત ખરીદદારની ફી સહિતની હોવાનું હરાજી ગૃહે જણાવ્યું હતું. જ્યોર્જ જૂવેના લેમ્પ માટે હરાજીમાં મળેલી આ અત્યારસુધીની રેકોર્ડ કિંમત હોવાનું પણ જણાવાયું છે.
20 યુરોની ખરીદી બની 12 હજાર ગણી મોંઘી
મહિલાએ જે લેમ્પ માત્ર 20 યુરોમાં ખરીદ્યો હતો, તે હરાજીમાં તેની મૂળ કિંમત કરતાં 12,000 ગણા કરતાં પણ વધુ ભાવે વેચાયો હતો. હરાજી ગૃહના જણાવ્યા અનુસાર, આ પ્રકારનો લેમ્પ અત્યંત દુર્લભ (Extremely rare lamp)છે અને આવા નમૂનાઓ વારંવાર જોવા મળતા નથી.
આમ, જૂના બજારમાંથી સામાન્ય સમજીને ખરીદેલો એક લેમ્પ મહિલાના પરિવાર માટે કરોડોની કિંમત ધરાવતી કલાકૃતિ સાબિત થયો. અલાદીનના ચિરાગની વાર્તાની જેમ જ આ ઘટનામાં પણ એક જૂની વસ્તુએ અણધારી રીતે કિસ્મત બદલી નાખી છે.
આ પણ વાંચો:ફ્રાન્સ અને ભારતના પ્રદર્શનો વચ્ચે કનેક્શનનો દાવો, અહેવાલમાં 9 દેશોનો ઉલ્લેખ
આ પણ વાંચો:યુરોપમાં મોંઘા મકાનો સામે જનતાનો બળવો! પોર્ટુગલથી ફ્રાન્સ સુધી રસ્તા પર ઉતર્યા લોકો
આ પણ વાંચો:ફ્રાન્સમાં હિંસા કરનારાઓ સામે મેક્રોન સરકાર કડક, નુકસાનની ભરપાઈ કરાવવાની જાહેરાત
