Vadodara News: કેનેડામાં નોકરી અને સ્થાયી થવાનું સપનું બતાવી Canada Visa અપાવવાના બહાને વડોદરાની એક ફોરેન એજ્યુકેશન કન્સલ્ટન્સીએ અમદાવાદ, ગાંધીનગર સહિત 17 લોકો સાથે રૂ. 2.30 કરોડથી વધુની છેતરપિંડી આચર્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે. કારેલીબાગ પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર કૌભાંડની તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીએ બોગસ દસ્તાવેજો અને ખોટા વચનો આપીને લાખો રૂપિયા પડાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
કેનેડાના Canada Visaના નામે કરોડોની છેતરપિંડી
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી અક્ષર ફોરેન એજ્યુકેશન કન્સલ્ટન્સીના સંચાલક અનિત (અતિત) બારોટ સામે કેનેડાના વર્ક પરમિટ અપાવવાના બહાને 17 લોકો સાથે કુલ રૂ. 2,30,95,600ની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી ધવલકુમાર ગઢિયાની અરજીના આધારે કારેલીબાગ પોલીસે (Karelibaug police)ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. ફરિયાદ મુજબ આરોપી વિદેશમાં નોકરી અપાવવાના નામે લોકોને વિશ્વાસમાં લઈ મોટી રકમ વસૂલતો હતો. શરૂઆતમાં સરળ પ્રક્રિયા અને ખાતરી આપીને અરજદારોને પોતાની જાળમાં ફસાવતો હતો.
પત્નીના સહકર્મી મારફતે સંપર્ક, લાખો રૂપિયા ટ્રાન્સફર
ધવલકુમાર ગઢિયા ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. ફેબ્રુઆરી 2024 દરમિયાન તેઓ કેનેડા જવા ઇચ્છતા હોવાથી પત્નીના ઓફિસ સહકર્મી મારફતે અતિત બારોટના સંપર્કમાં આવ્યા હતા. આરોપીએ કેનેડા મોકલવા માટે કુલ રૂ. 17 લાખ ખર્ચ થવાનો અંદાજ આપ્યો હતો. જેમાં અડધી રકમ અગાઉથી અને બાકીની રકમ કેનેડા પહોંચ્યા બાદ પગારમાંથી કપાઈ જશે તેવી ખાતરી આપવામાં આવી હતી. વિશ્વાસમાં આવી ફરિયાદીએ સ્ટેમ્પ પેપર પર નોટરી કરાવી બેંક ટ્રાન્સફર અને ચેક મારફતે લાખો રૂપિયા આરોપીના ખાતામાં જમા કરાવ્યા હતા.
બોગસ LMIA લેટરથી વિશ્વાસ જીતવાનો પ્રયાસ
નાણા મેળવ્યા બાદ આરોપીએ ફરિયાદીને ઈ-મેઇલ મારફતે LMIA મંજૂરીનો કથિત લેટર મોકલ્યો હતો, જેમાં કેનેડાની ATCO LTD કંપનીમાં નોકરી મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે ફરિયાદીએ કંપનીનો સીધો સંપર્ક કરતાં જાણવા મળ્યું કે મોકલવામાં આવેલો LMIA લેટર સંપૂર્ણપણે બોગસ હતો અને કંપનીએ આવો કોઈ દસ્તાવેજ જારી કર્યો નહોતો. છેતરપિંડીની જાણ થતાં ફરિયાદીએ પોતાના નાણાં પરત માંગ્યા હતા. આરોપીએ રૂ. 7.80 લાખનો ચેક આપ્યો હતો, પરંતુ બેંકમાં રજૂ કરતાં તે બાઉન્સ થયો હતો.
અમદાવાદ-ગાંધીનગર સહિત 17 લોકો બન્યા ભોગ
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ માત્ર એક ફરિયાદી નહીં પરંતુ વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અંકલેશ્વર અને આણંદ સહિતના કુલ 17 લોકોને કેનેડા મોકલવાના બહાને છેતર્યા હતા. જોવિવેલ ક્રિસ્ટી, જયદીપ રબારી, ભગીરથ સાંગાણી, કેતન ઠક્કર સહિત અનેક લોકો પાસેથી રૂ. 3 લાખથી રૂ. 22 લાખ સુધીની રકમ વસૂલવામાં આવી હતી. તમામને વિઝા અને નોકરી અપાવવાના વાયદા કરવામાં આવ્યા હતા, પરંતુ અંતે તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે.
કારેલીબાગ પોલીસે આરોપી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ અન્ય સંભવિત ભોગ બનનારાઓ અને નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:લંડન વર્ક પરમિટના નામે સુરતના યુવક સાથે 8 લાખની છેતરપિંડી, આરોપી વડોદરાથી ઝડપાયો
આ પણ વાંચો:વિદેશ નોકરીના નામે ઠગાઈ: નડિયાદના યુવકને દુબઈમાં બાંધી રાખી મારપીટ, પાસપોર્ટ જપ્ત
આ પણ વાંચો:UK વર્ક વિઝાની લાલચમાં મહિલા લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી, લંડન સ્થિત એજન્ટ સામે ફરિયાદ
