Jamnagar News: જામનગર શહેરમાં જકાતનાકા નજીક સીતારામ સોસાયટીમાં રહેતાં અને એજન્સી ચલાવતાં મુકેશ તારાચંદ શાહે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, 17મી સપ્ટેમ્બરે રાત્રે ફરિયાદ દાખલ કરાવી છે કે, વર્ષ 2020-21 દરમિયાન અમદાવાદના આનંદ સોની નામના શખ્સે જામનગરના કેટલાંક લોકો સાથે કુલ રૂ. 17.5 લાખની છેતરપિંડી કરી છે.
ફરિયાદીએ અમદાવાદના આનંદ સોની સામે કરેલી એફઆઇઆર મુજબ તેમની પોતાની આરાધ્યા સેલ્સ એજન્સીના કાયમી ગ્રાહકોને ડ્રીમ હોલિડે નામની કંપનીના માલિક આનંદ સોનીએ એક પેકેજ ટૂર ઓફર કરેલી. આ ટૂર અમદાવાદ-ગોવાની હતી. આ ટૂર માટે ફરિયાદી મુકેશ શાહની એજન્સીના કાયમી ગ્રાહકોએ આરોપી આનંદ સોનીને જેતે સમયે રૂ. 17.48 લાખની રકમ આપેલી. આરોપીએ આ રકમ વિમાન ભાડાં પેટે ઉઘરાવેલી, પછી ટૂર કેન્સલ થયાની વાત કરવામાં આવી. પછી ન ટૂર થઈ, ન આટલાં વર્ષ દરમિયાન રૂપિયા પરત આવ્યા. આથી આ આખી સ્કીમમાં વચ્ચે રહેલાં મુકેશ શાહે આનંદ સોની વિરુદ્ધ જામનગરમાં, ચાર વર્ષ બાદ, ફરિયાદ દાખલ કરાવી છે.
અમદાવાદના આનંદ નામના એક સોની શખ્સને કારણે જામનગરમાં કેટલાંક લોકો છેતરપિંડીનું દુ:ખ અનુભવી રહ્યા છે. સોની અટકધારી આ શખ્સે સૌ સાથે પીતળીયો વાયદો કર્યો હતો કે, તમે અમારી કંપની ડ્રીમ હોલિડેની મદદથી તમારાં હોલિડે ગોવામાં માણવાનું ડ્રીમ પૂર્ણ કરી શકશો. જામનગરના લોકોએ આ સપનાની કિંમત રૂ. 17.5 લાખ ચૂકવવી પડી છે, આ રૂપિયા ગયા. આમ હવે ફરવા જવા માટે પણ ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિ છે. તેમા પણ તમને કોઈ ફ્રોડ ભેટી જઈ શકે છે. જામનગરના કિસ્સા પરથી ફરવા જવા માંગનારાઓએ ચેતવા જેવું છે. ઓછી જાણીતી કંપનીના બદલે પ્રતિષ્ઠિત પણ વાજબી કિંમત ધરાવતી એજન્સીની પસંદગી કરવી જરૂરી છે.
આ પણ વાંચો: સુરતમાં છેતરપિંડીના ગુનામાં દંપતીની ધરપકડ
આ પણ વાંચો: પૂણેની કંપનીમાં સુરતીઓના નાણાં ડૂબ્યા
આ પણ વાંચો: સુરતમાં રોગચાળાએ માથું ઉંચકતા કુમાર કાનાણીએ મ.ન.પા.ને લખ્યો પત્ર