New Delhi News: મુસાફરીમાં કે જાહેર સ્થળોએ તરસ લાગે ત્યારે દસ-વીસ રૂપિયામાં મળતી બિસ્લેરી(Bisleri)ની બોટલ ઘણા લોકોની પહેલી પસંદ હોય છે. પરંતુ હવે આ ભરોસા પર સવાલ ઊભા થયા છે. ખાદ્ય સુરક્ષા નિયામક FSSAIએ બિસલેરીના પાણીના સેમ્પલમાં જોખમી તત્વો મળ્યાનો દાવો કર્યો છે અને 22 નવેમ્બર 2026ના રોજ બિસલેરી ઇન્ટરનેશનલ સામે પ્રોસિક્યુશનની મંજૂરી આપી છે. બીજી તરફ, બિસલેરીએ આ દાવાને નકારતાં કહ્યું છે કે તેનું પાણી સંપૂર્ણ સુરક્ષિત છે.
Bisleri : શું છે સમગ્ર મામલો?

30 સપ્ટેમ્બર 2025ના રોજ FSSAIની ટીમે બિસલેરીના ગોવા પ્લાન્ટમાંથી પાણીના 6 સેમ્પલ લીધા હતા.

પ્રારંભિક તપાસમાં 5 સેમ્પલ પાસ થયા, પરંતુ છઠ્ઠા સેમ્પલમાં બ્રોમેટ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ મળી આવ્યું હતું.
કંપનીએ 22 નવેમ્બર 2025ના રોજ આ પરિણામ સામે અપીલ કરી, જેના પગલે સેમ્પલને રેફરલ લેબમાં મોકલવામાં આવ્યું. FSSAI મુજબ, રેફરલ લેબમાં બ્રોમેટ મર્યાદામાં મળ્યું, પરંતુ લેબે પોલિન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન (PAH)ની હાજરી નોંધી. FSSAIના ધોરણ મુજબ પેકેજ્ડ પાણીમાં PAH બિલકુલ હોવું જોઈએ નહીં. આ આધારે સેમ્પલને અસુરક્ષિત ગણવામાં આવ્યું અને પ્રોસિક્યુશનની મંજૂરી અપાઈ.
બિસલેરીનો જવાબ

કંપનીએ જણાવ્યું છે કે તેના પ્રોડક્ટ્સના 90થી વધુ ગુણવત્તા પરીક્ષણો થાય છે અને પાણી સંપૂર્ણ સુરક્ષિત તથા પીવાલાયક છે. કંપની મુજબ:
- એ જ સેમ્પલની તપાસ FSSAI દ્વારા માન્ય બીજી લેબમાં કરાવતાં બ્રોમેટ યોગ્ય મર્યાદામાં મળ્યું.
- આ રિપોર્ટ 2 ફેબ્રુઆરી 2026ના રોજ FSSAIમાં જમા કરાવાયો હતો.
- કંપનીને આજ સુધી FSSAI તરફથી કોઈ નોટિસ મળી નથી, અને FSSAIની વેબસાઇટ પર પણ નોટિસ દેખાઈ નથી.
બ્રોમેટ શું છે?
બ્રોમેટ એક રસાયણ છે, જેનો ઉપયોગ કપડાં રંગવા સહિત અન્ય કામોમાં થાય છે. તે કુદરતી રીતે હોતું નથી. પાણીના શુદ્ધિકરણમાં ઓઝોનાઇઝેશન દરમિયાન ઓઝોન પાણીના બ્રોમાઇડ સાથે પ્રતિક્રિયા કરીને બ્રોમેટ બનાવે છે. WHO મુજબ એક લિટર પીવાના પાણીમાં 10 માઇક્રોગ્રામથી વધુ બ્રોમેટ ન હોવું જોઈએ.
લાંબા સમય સુધી બ્રોમેટયુક્ત પાણી પીવામાં આવે તો કિડનીની કોશિકાઓને નુકસાન અને કિડની ફેલ થવાનું જોખમ રહે છે. તે DNAને પણ નુકસાન પહોંચાડી શકે છે

અને પાચન, ચક્કર, સુસ્તી તથા સાંભળવાની ક્ષમતા પર અસર કરી શકે છે. ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC)એ તેને કેન્સર પેદા કરનાર તત્વ ગણાવ્યું છે.
PAH શું છે?
PAH કોલસો, પેટ્રોલ, ડીઝલ કે પ્લાસ્ટિકના અધૂરા દહનથી બને છે. તે 100થી વધુ રાસાયણિક સંયોજનોનું જૂથ છે, જોકે બધા સંયોજનો ખતરનાક હોતા નથી. બેન્ઝો(એ)પાયરિન જેવા કેટલાક PAHને IARCએ કેન્સરકારક ગણાવ્યા છે, અને કેટલાક પ્રજનન, વિકાસ તથા રોગપ્રતિકારક તંત્ર પર અસર કરી શકે છે.
PAH શુદ્ધિકરણ દરમિયાન બનતું નથી, પરંતુ ઔદ્યોગિક કચરો, ખરાબ ફિલ્ટર કે દૂષિત પ્લાસ્ટિક બોટલ દ્વારા પાણીમાં પહોંચી શકે છે.
હવે આગળ શું?
મામલો હવે કોર્ટમાં જશે, જ્યાં બિસલેરીને પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળશે. ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમની કલમ 59 હેઠળ, જો કોઈને નુકસાન કે મૃત્યુ ન થયું હોય, તો 3 મહિનાની કેદ અને 3 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. અહેવાલો મુજબ FSSAI હવે અન્ય પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર કંપનીઓના સેમ્પલની પણ તપાસ કરશે.
બોટલનું પાણી ખરીદતી વખતે શું ધ્યાન રાખવું?
પાણીમાં રહેલા રસાયણો ખુલ્લી આંખે, સ્વાદ કે ગંધથી ઓળખાતા નથી અને તેની તપાસ લેબમાં જ થાય છે. છતાં ગ્રાહકો આ બાબતો તપાસી શકે:
બોટલ ખરીદતા પહેલાં મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ તપાસો.
સીલ અને કેપની નીચેની સુરક્ષા રિંગ સલામત હોય તે જુઓ.
બોટલમાં તિરાડ કે ડેન્ટ ન હોય અને લેબલ ઝાંખું કે ફાટેલું ન હોય તેની ખાતરી કરો.
તડકામાં કે ગરમ જગ્યાએ રાખેલી બોટલ ન ખરીદો.
બોટલ પરનો 14 અંકનો FSSAI લાઇસન્સ નંબર FoSCoS પોર્ટલ પર નાખીને લાઇસન્સ સક્રિય છે કે નહીં તે ચકાસો.
કોઈ સમસ્યા જણાય તો FSSAI હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરો.
આ પણ વાંચો: બિસ્લેરીના પાણીના સેમ્પલમાં જોખમી તત્ત્વો મળ્યાં! બે લેબ ટેસ્ટમાં નિષ્ફળતા બાદ FSSAIની મોટી કાર્યવાહી
આ પણ વાંચો: પેપ્સી, કુરકુરે, હોર્લિક્સ જેવી વસ્તુઓ પહોંચાડી શકે છે નુકસાન, રિપોર્ટમાં મોટો ખુલાસો
આ પણ વાંચો: સારો બિઝનેસ કરવા છતાં બિસ્લેરી કેમ વેચવી પડે છે? કંપની માલિકે જણાવ્યું કારણ
