Botad News/ ગઢડામાં બે જૂથો વચ્ચે અથડામણ, 11 લોકો સામે નોંધાઈ ફરિયાદ

બોટાદના ગઢડા (Gadhada) માં પશુને માર મારવાની બાબતે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ છે. પોલીસે 11 સામે ગુનો નોંધી 9 આરોપીઓને દબોચી લીધા છે. જાણો શું છે સમગ્ર મામલો.

Top Stories Gujarat Others
Gadhada Group Clash

Gadhada Group Clash: બોટાદ જિલ્લાના પવિત્ર યાત્રાધામ ગઢડામાં છેલ્લા 24 કલાકથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના વિંછીયા પરા વિસ્તારમાં ગઈકાલે બપોરે થયેલી સામાન્ય તકરારમાં બે જૂથો સામસામે આવી ગયા હતા. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થતા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Gadhada Group Clash

Gadhada : બપોરની અદાવત રાત્રે વકરી

ઘટનાની વિગત મુજબ, ગઈકાલે 3 એપ્રિલના રોજ બપોરે 2:00 વાગ્યાની આસપાસ પશુને માર મારવા જેવી ક્ષુલ્લક બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે, આ વિવાદ શાંત પડવાને બદલે રાત્રે 8:45 કલાકે ફરી ઉગ્ર બન્યો હતો. રાત્રિના સમયે થયેલી મારામારીની ઘટનામાં અફરાતફરી મચી ગઈ હતી.

ગંભીર ઈજા અને સારવાર

આ હિંસક અથડામણમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને પ્રાથમિક સારવાર ગઢડામાં આપ્યા બાદ હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે બોટાદ રીફર કરવામાં આવ્યા છે. અન્ય બે લોકોને પણ નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું અહેવાલ છે.

પોલીસનો લોખંડી બંદોબસ્ત અને કોમ્બિંગ

ઘટનાની ગંભીરતાને જોતા બોટાદ SP ધર્મેન્દ્ર શર્મા અને DYSP મહર્ષિ રાવલ સહિત LCB અને SOGનો કાફલો ગઢડામાં ઉતારી દેવામાં આવ્યો હતો. આ કાફલા દ્વારા વિંછીયા પરા વિસ્તારમાં મોડી રાત્રે સઘન કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ સમગ્ર મામલે કાર્યવાહી કરતા પોલીસે બંને પક્ષે સામસામે કુલ 11 લોકો વિરુદ્ધ IPCની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે, જેમાંથી 9 આરોપીઓની અટકાયત પણ કરી લેવામાં આવી છે.

અફવાઓથી દૂર રેહવા અપીલ 

DYSP મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે, “હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પેટ્રોલિંગ ચાલુ છે.” તંત્ર દ્વારા નાગરિકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયા પર વહેતી અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો: અમદાવાદમા 2 ટોળાઓ વચ્ચે જૂથ અથડામણ, થયો પથ્થરમારો

આ પણ વાંચો: સાબરકાંઠામાં તહેવાર સમયે જ જૂથ અથડામણ, હથિયારો સાથે કર્યો હુમલો

આ પણ વાંચો: અમરેલી: લીલીયાના સલડી ગામે જૂથ અથડામણ, નશાની હાલતમાં પહોંચેલો પોલીસકર્મી સસ્પેન્ડ